આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં રૂા. ૪૯.૫૬ કરોડના કામો મંજુર કરાયા
છોટાઉદેપુર,તા.૦૫ : છોટાઉદેપુર જિલ્લાના મુખ્યમથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં રાજયના ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં રૂા. ૪૯.૫૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોને મંજુરી આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મંજુર કરવામાં આવેલા વિકાસ કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, જનહિતના મંજુર થયેલા કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય એ બાબત તમામ અમલીકરણ અધિકારીઓએ સુનિશ્નિત કરવી જોઇએ.
વધુ વાત કરતા તેમણે કહ્યું હતું કે, આજની આ બેઠકમાં આદિજાતિ વિકાસના વિવિધ કામો માટે રૂા. ૪૯.૫૬ કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. મંજુર થયેલા તમામ કામોને તાત્કાલિક વહીવટી મંજુરી આપી કામો શરૂ કરવામાં આવે એ ઇચ્છનિય છે એમ ઉમેરી તેમણે છોટાઉદેપુર જેવા નવરચિત જિલ્લાના વિકાસને વેગ આપવા માટે તમામ અધિકારી અને પદાધિકારીઓને પરસ્પર સંકલનમાં રહી જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ પર લઇ જવા તેમણે હાકલ કરી હતી. ઉપરાંત તેમણે મંજુર થયેલા કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુકત થાય એ માટે પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન છોટાઉદેપુર તાલુકાનું રૂા. ૧૨૭૮.૦૭ લાખ, કવાંટ તાલુકાનું રૂા. ૧૧૪૦.૬૩ લાખ, જેતપુરપાવી તાલુકાનું રૂા. ૮૧૨.૯૩ લાખ, નસવાડી તાલુકાનું રૂા. ૧૦૦૮.૬૩ લાખ, સંખેડા તાલુકાનું રૂા. ૨૦૨.૭૫ લાખ અને બોડેલી તાલુકાનું રૂા. ૫૧૩.૭૫ લાખના આયોજનને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત બોડેલી તાલુકાના છુટાછવાય વિસ્તારો માટે રૂા.૨૨.૮૪ લાખ અને સંખેડા તાલુકાના છુટાછવાયા વિસ્તારો માટે રૂા. ૨૯.૯૪ લાખના કામો પણ મંજુર કરવામાં આવ્યા હતા.
બેઠકનું સંચાલન પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીતે કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી મલકાબેન પટેલ, સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા, ધારાસભ્યો સર્વશ્રી અભેસિંહભાઇ તડવી, સુખરામભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, અધિક નિવાસી કલેકટર બારિયા, કમિશ્નર આદિજાતિ વિકાસના પ્રતિનિધિ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, તાલુકા પંચાયતોના પ્રમુખો, અન્ય પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા