આજે સરદારને મુકી સાવરકરની વિચારધારા અપનાવતા હું આનંદની લાગણી અનુભવુ છુ. જેમને મે હંમેશા ફેંકુ કહીને સંબોધ્યા છે તે નરેન્દ્રભાઈ ની વિકાસયાત્રામાં હું જોડાઈ રહયો છુ ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ હું ફેંકવાની કલા હસ્તગત કરી ભાજપની તાકાત વધારવાનુ વચન આપુ છુ. દેશના ગ્રુહમંત્રી અમિતશાહ ને આજથી હું જનરલ ડાયરની ઉપાધી થી મુક્ત કરૂ છુ અને આશા રાખુ છુ કે તેઓ પણ મને રાજદ્રોહી નહી રાષ્ટ્રપ્રેમી તરીકે નવાજશે. વર્તમાન રજનીતિના ચાણક્યની બીછાવેલી શતરંજનુ હુ પ્યાદુ હતો ત્યારે અમિતભાઈ રાજનીતિની Give and Take ની અઘોષિત શરત પુર્ણ કરી મારો સ્વીકાર કરી રહ્યા છે તે બદલ એમનો આભાર માનુ છુ.

ભાજપના પુર્વ મુખ્યમંત્રી મારા વ્હાલા ફોઈબા આનંદીબેનને મારા કારણે ફેસબુક પર રાજીનામુ આપવુ પડ્યુ હતુ, છતાં તેઓ અને તેમના સમર્થકો બધુ ભુલી મારા સ્વાગત માટે હરખપદુડા થયા છે ત્યારે એમનો વિશેષ આભાર માનુ છુ. મારા નાનકા કાકા એવા નિતિનભાઈ આ પળે કેમ ભુલાય ? બે બે વખત પોંખાયા વિના વીલા મોઢે પાછા ફરનાર નિતિનભાઈ આજે ફરી એકવાર અપમાનનો ઘુંટડો પી જઈ મને આવકારી રહ્યાનો આનંદ છે. ભાજપના તમામ કાર્યકરો જેમણે મારા મોઢે એમના આદરણીય, પુજનીય, પ્રાત:સ્મરણીય નેતાઓ વિશે એલફેલ સાંભળ્યા છતાં આજે ખુરશીઓને ગાભા મારી હંમેશની જેમ ભરતી મેળાને સફળ બનાવવા મને કમને આજે ઉપસ્થિત છે તેમનો હું વિશેષ રૂણી છુ. કાલ સુધી જે ભાજપ માટે હુ સમાજનુ દુષણ હતો આજે એજ ભાજપે મને આભુષણ તરીકે સ્વીકાર્યો છે ત્યારે સ્પષ્ટ થાય છે કે મારી અને ભાજપની વિચારધારા એક જ છે. પોતાના ને કમલમના પાદરે મુકી પારકાને પોતાના કરવાની ભાજપની નિતિથી હું પ્રભાવિત થયો છુ.

રહી વાત મારા સમાજ પર ભાજપે કરેલા અત્યાચારની તો અત્યાચારના બદલામાં અનામત પણ આપી છે એ સૌએ યાદ રાખવુ જોઈએ. લોકો કહે છે કે હું શહીદોના ખુનથી રંગાયેલી લાલજાજમ પર ચાલી આજે કેસરીયા કરૂ છુ. મારે આ આરોપ મુકનાર તમામને સવાલ પુછવો છે કે ગોધરાની લાશો પર રાજનીતિ કરી સફળતાના શીખરે પંહોચનાર મારા આદર્શ નેતાના નક્શેકદમ પર ચાલવુ શું ગુન્હો છે ? લોકસેવા માટે પોતાનુ નહી લોકોનુ લોહી વહેવડાવવુ પડે આ મુળમંત્ર થકી આગળની રાજનીતિના રક્તપથ પર ચાલવાનુ પ્રેરકબળ મને ભાજપ તરફ ખેંચી લાવ્યુ છે એ સમાજના કુવાઓના દેડકાઓને નહી સમજાય. આજે હું સમાજની સંકુચિત સોચથી બહાર નીકળી પાસ થયો છુ અને પાસના સમાજવીરો ફેલ થયા છે. અનામતની રમતનો હું ખેલાડી નંબર વન બન્યો છુ એ મારા જુના સાથીઓથી સહેવાયુ નથી.

અંતમાં સુબહ કા ભુલા રાષ્ટ્રપ્રેમી શામ કો લૌટ આયે તો રાજદ્રોહી નહી કહેલાતા…

વ્યંગલેખક -રાજેશ ઠાકર…
(rajthaker207@gmail.com)