ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જોષીએ 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા આદેશ કર્યો છે, જેને પગલે જૂનાગઢ જિલ્લામાં પણ ગુરૂવાર 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8માં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી સ્કૂલો બંધ રખાઇ હતી. ત્યારે અત્યાર સુધી સૂમસામ રહેલી સ્કૂલો ગુરૂવારથી બાળકોની હાજરીથી ધમધમતી થશે. દરમિયાન સ્કૂલો શરૂ કરવા માટે પણ કેટલીક સૂચના અપાઇ છે જેનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.
ખાસ કરીને વિદ્યાર્થીઓની હાજરી સ્વૈચ્છિક રહેશે. આ માટે વાલીની સમંતિ જોઇશે તેમજ પ્રત્યક્ષ સ્કૂલે ન આવતા છાત્રો માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનું રહેશે. વર્ગ ખંડમાં વિદ્યાર્થીની સંખ્યા 50 ટકાની ક્ષમતામાં રાખવા તેમજ એકાંતર દિવસ (અલ્ટરનેટ ડે) બોલાવવા જણાવાયું છે. જ્યારે વર્ગખંડોને નિયમિત સેનેટાઇઝ કરવા, સંસ્થાના પરિસરમાં હેન્ડ વોશિંગ, સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે. ખાસ કરીને સમૂહ પ્રાર્થના, રમત ગમતની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો નવી સૂચના ન આપે ત્યાં સુધી બંધ રાખવાની રહેશે. આમ, સ્કૂલ શરૂ થશે, પરંતુ પ્રાર્થના બંધ રહેશે! એટલું જ નહિ શાળામાં આવવા જવાના તેમજ રિસેસના સમયે વાલીઓ અને છાત્રો એકસાથે ન થઇ જાય તેની પણ કાળજી રાખવા, માસ્ક ફરજીયાત પહેરી રાખવા પણ જણાવાયું છે. 960 શાળામાં 58,965 છાત્રો નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં નવ તાલુકા તેમજ જૂનાગઢ કોર્પોરેશનમાં મળી 519 સરકારી શાળા, 423 ખાનગી શાળા અને અન્ય 18 શાળા મળી કુલ 960 શાળા છે. સરકારી શાળામાં 31,405, ખાનગી શાળામાં 26,557 અને અન્ય શાળામાં 1,003 મળી કુલ 58,965 છાત્રો નોંધાયા છે. – આર. એસ. ઉપાધ્યાય, ડીઇઓ.