સહી પોષણ, દેશ રોશન’ સૂત્રને સાર્થક કરવા સુપોષિત સમાજનું નિર્માણ માટે

- Advertisement -
- Advertisement -


રાજકોટ જિલ્લામાં દર મહિને આશરે ૫૦ હજારથી વધુ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ યોજનાઓના અપાઈ રહેલા લાભો

તાણયુક્ત અને વ્યસ્ત જીવનમાં માતા-પિતાએ બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે સમય આપવો જરૂરી : ડૉ. યોગેશ એ. જોગસણ

રાજકોટ, તા. ૨૨ સપ્ટેમ્બર – ‘સહી પોષણ, દેશ રોશન’ સૂત્રને સાર્થક કરવા સુપોષિત સમાજનું નિર્માણ આવશ્યક છે. સમાજની દરેક વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત હોવી જોઈએ. તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકો, કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને “પોષણ અભિયાન”ની નવતર શરૂઆત કરીને અન્ય રાજ્યોને નવી રાહ ચીંધી છે. જે અન્વયે હાલ સપ્ટેમ્બરમાં પાંચમા “પોષણ માસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને ટેક હોમ રાશન તરીકે માતૃશક્તિના ૪ પેકેટ્સ તેમજ કિશોરીઓને પૂર્ણા શક્તિના ૪ પેકેટ્સ આપવામાં આવે છે. ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓના વિકાસ માટે “સ્કીમ ફોર એડોલેશન્સ ગર્લ્સ યોજના” અમલમાં છે. ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે “પૂર્ણા યોજના” અંતર્ગત પોષણ અને આરોગ્ય તપાસ, રસીકરણ જેવી બિનપોષણ સેવાઓ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

૧૦૦૦ ગોલ્ડન ડેઝ એટલે કે ગર્ભમાં રહેલ બાળકના ૨૭૦ દિવસ અને જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ દરમિયાન માતા અને બાળકને પૂરતું પોષણ આપવા “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” કાર્યરત છે. તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ એકબીજાના અનુભવોને સમજે અને તેઓને પડતી મુશ્કેલીનો સામુદાયિક સ્તરે વૈજ્ઞાનિક ઢબે સાચો અને સરળ ઉકેલ મેળવી તેનો અમલ કરે, તે હેતુથી મહિનાના પ્રથમ મંગળવારે “સુપોષણ સુસંવાદ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં આવેલ કુલ ૧૩૬૦ આંગણવાડી કેન્દ્રો મારફતે જાન્યુઆરીથી જુન માસ દરમિયાન દર મહિને સરેરાશ ૩૩૮૪૪ જેટલી ૧૪થી ૧૮ વર્ષની કિશોરીઓ, સરેરાશ ૧૮૫૩૦ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણની વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા તેમજ સરેરાશ ૧૭૫૧૭ જેટલી ૩થી ૬ વર્ષની બાળકીઓને પ્રી-સ્કુલ એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. આમ, સરકાર મહિલાઓના પોષણ હિતને લઈને સતત પ્રયત્નશીલ છે.

માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો શરીરના સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય મહત્વનું હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ જણાવે છે કે દરેક શારીરિક બીમારી પાછળ વ્યક્તિની માનસિકતા મોટો ભાગ ભજવે છે. આપણી રોજીંદી જીવનશૈલીમાં યોગ્ય પૌષ્ટિક ખોરાક અને વ્યાયામનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી શરીરને કાર્ય કરવામાં મદદ મળે છે અને મગજની ક્ષમતા પણ વધે છે. અઠવાડિયામાં એક વખત ચોક્કસપણે એવા લોકોને મળો, જે સકારાત્મક વિચાર કરવા પ્રેરણા આપે.

બાળકના ગુણવત્તાયુક્ત ઉછેર માટે પેરેન્ટિંગ સ્ટાઇલ મનોવૈજ્ઞાનિક રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકનો વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને શારીરિક અને માનસિક વિકાસ થાય છે. તેથી, માતા-પિતાએ સંતાનને પોષણયુક્ત તત્વોથી સભર ખોરાક આપવો જોઈએ. જેથી, બાળકનું મગજ પણ પૂર્ણ રીતે વિકસિત થાય અને બાળક તેજસ્વી બને. આમ, અત્યારના તાણયુક્ત અને વ્યસ્ત જીવનમાં માતા-પિતા પોતાના જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાની સાથે બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે સમય આપે, તે ખૂબ જરૂરી છે.

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page