રાજકોટ તા.૨૨ સપ્ટેમ્બર – ગુજરાત રાજ્યના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી ગુજરાત રાજયના બી.એસ.એફ. કેન્દ્રો ગાંધીનગર, ભુજ, ગાંધીધામ તથા દાંતીવાડા ખાતે રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નિયત અરજીપત્રકનો નમુનો ૧૫ દિવસમાં મેળવી જરૂરી ડોકયુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડી રોજગાર કચેરી, ૧/૩ બહુમાળી ભવન રાજકોટ ખાતે જમા કરાવવાનું રહેશે. આ તાલીમ વર્ગમાં જોડાવા માગતા ઉમેદવારે ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ (ધોરણ-૧૦) માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩% માર્કસ હોવા ફરજિયાત છે. તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધી તેમજ ઉંચાઈ ૧૬૮ સે.મી. હોવી જોઈએ.અરજીફોર્મ સાથે જોડવાના જરૂરી ડોકયુમેન્ટમાં પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, જાતિના દાખલાની નકલ,ધોરણ:-૧૦/૧૨ની માર્કશીટની નકલ, આધારકાર્ડની નકલ, બેંકખાતાની પાસબુકની નકલ અને પાનકાર્ડની નકલ, અરજી સાથે જોડવાની રહેશે. વધુ વિગતો માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી રાજકોટનો રૂબરૂ અથવા ટેલીફોન નં ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર), રાજકોટની યાદીમાં જણાવ્યું છે