વૃક્ષારોપણ, ગોષ્ઠી કાર્યક્રમ, સામુહિક યોગ, સાયકલ રેલી, જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ

યુવાનોને ‘મેરી લાઈફ’ પોર્ટલના માધ્યમથી મિશન લાઈફ અભિયાન સાથે જોડાવા હાકલ

વિશ્વ સાયકલ દિવસ-૨૦૨૩ અને મિશન લાઈફ કાર્યક્રમના ભાગ સ્વરૂપે નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ તથા યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા જીલ્લા અને તાલુકા સ્તરે સતત ૧૯ દિવસ દરમિયાન સાયકલ રેલી તેમજ સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જીલ્લાના યુવા અને રમત-ગમત અધિકારીશ્રી પ્રિતેશકુમાર ઝવેરીએ જણાવ્યું હતું કે, ભારત વર્તમાન વર્ષમાં G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. જે અંતર્ગત રાષ્ટ્રસ્તરે મિશન લાઈફ (લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્મેન્ટ) કાર્યક્રમ અભિયાન સ્વરૂપે ચલાવવામાં આવી રહ્યો છે. આ અનુસંધાનમાં નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા ૧૮ મે થી ૫ જુન – વિશ્વ પર્યાવરણ દિવસ સુધી વૃક્ષારોપણ, ગોષ્ઠી કાર્યક્રમ, યોગ, સાયકલ રેલી, જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓમાં જીલ્લાના યુવા-યુવતી મંડળો, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો તેમજ અન્ય સ્વાયત્ત સંસ્થાઓ તેમજ જીલ્લા તથા સ્થાનિક તંત્રના સહયોગથી કરવામાં આવી છે.
આ સમગ્ર આયોજનના ભાગરૂપે વિશ્વ સાયકલ દિવસે પણ અમદાવાદ રીવર ફ્રન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરી જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી પ્રવૃત્તિઓ વિશે યુવાનો ભારત સરકારના યુવા પોર્ટલ પર જઈને માહિતી પ્રાપ્ત કરી શકે છે. તેમજ ‘મેરી લાઈફ’ પોર્ટલ પર જઈને મિશન લાઈફ અભિયાન સાથે જોડવા માટે પણ નોંધણી કરાવી શકે છે.