સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘર આંગણે પહોંચ્યા
મોરબીના પંચાસર ગામે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
ગામે ગામ, ઘર ઘર અને જન જન સુધી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે જેના ભાગરૂપે મોરબીના પંચાસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગામડું, ગામ અને ખેડૂત તમામને ધ્યાનમાં રાખી અનેક યોજનાઓ બનાવી હતી, એમાં ખૂટતી કડીઓ તેમણે દેશના વડાપ્રધાન બન્યા પછી જોડી. એક દાયકામાં દેશની દશા અને દિશા બદલી ગઈ વિશ્વ ભારતને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા લાગ્યું છે. ઉપરાંત તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો. ધારાસભ્યશ્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રથનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારશ્રીની યોજનાઓથી થતા લાભો તેમજ ખેતી વિષયક યોજના વિષેની માહિતી આપવામાં આવી હતી.
ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અન્વયે પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ વીડિયો સંદેશ નિહાળ્યો હતો. મેરી કહાની મેરી ઝુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની આયુષ્માનકાર્ડ, પૂર્ણા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ વગેરે યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે પી.એમ.ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, ટ્રેક્ટર સહાય મંજૂરી હુકમ, પંપસેટ સબમર્શિબલ વગેરે લાભો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્રામ પંચાયતનું સો ટકા નલ સે જલ તથા ODF plus ગામ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સાથે મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi