ગોંડલ તાલુકાનાં વાસાવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકારતાં ગ્રામજનો

સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ઘર આંગણે મળ્યા લાભ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં વાસાવડ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને ગ્રામજનોએ સામૈયાં કરી હોંશભેર આવકારી હતી. જેમાં વાસાવડ ગામે સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓનાં લાભો ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવ્યા હતા.

આ તકે સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુકએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓથી માહિતગાર કરી રહ્યો છે, ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભો આપી રહ્યો છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ નાગરિકો લાભ લઈ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા યોગદાન આપે. વધુમાં સાંસદસભ્યશ્રીએ પ્રાકૃતિક ખેતીની મહત્તા સમજાવી ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહીત કર્યા હતા.

સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભારતભરમાં ભ્રમણ કરી રહી છે ત્યારે ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરી સરકારની યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરે જેવી કલ્યાણકારી યોજનાઓનાં સ્ટોલ થકી ગ્રામજનોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, સોઈલ હેલ્થ કાર્ડનાં લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ગામની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, અગેવાનશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલનભાઈ ઉકાવાલા સહિત મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, આઈ.સી.ડી.એસ. વિભાગ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More