સિવિલ હોસ્પિટલના સંકુલમાં અંદાજે કુલ રૂ. ૨૫ કરોડના ખર્ચે ૫૦ બેડનાં ક્રિટિકલ કેર બ્લોક અને ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી નિર્માણ પામશે
તાત્કાલિક સારવારની સાથે જટિલ અને ગંભીર પ્રકારના કેસ પણ મેનેજ કરી શકાશે
જૂનાગઢ શહેર જિલ્લા સહિતના સોરઠ પંથકના લોકોને પણ અદ્યતન આરોગ્ય સેવાઓનો લાભ મળશે
જૂનાગઢ તા.૨૫ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આજે રાજકોટ ખાતેથી જૂનાગઢમાં અંદાજે રૂ. ૨૩.૭૫ નિર્મિત થનાર ૫૦ બેડના ક્રિટિકલ કેર બ્લોક અને તેજ બિલ્ડિંગ ૧.૨૫ કરોડના ખર્ચે આકાર પામનાર ઈન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેથી તાત્કાલિક સારવારની સાથે જટિલ અને ગંભીર પ્રકારના કેસ પણ મેનેજ કરી શકાશે. આમ, જૂનાગઢ જિલ્લા સહિતના વિસ્તારના લોકોની આરોગ્ય સવલતોમાં ખૂબ મોટો વધારો થશે.
જૂનાગઢની જી. એમ. ઈ. આર. એસ. મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ એટલે કે, સિવિલ હોસ્પિટલના સંકુલમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન- ABHIM અંતર્ગત આ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી આરોગ્ય સેવાઓ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેને મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો, ડોક્ટર અને વિદ્યાર્થીઓએ ડિજિટલ માધ્યમથી નિહાળ્યું હતું. આ પ્રસંગે મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, તાત્કાલિક સારવારની જરૂર છે તેવા તમામ દર્દીઓને અહીં જરૂરી સારવાર મળી રહેશે. આ નિર્મિત થનાર ક્રિટિકલ કેર બ્લોકમાં આઇસીયુ, ડાયાલીસીસ, પીડીયાટ્રીક આઇસીયુ બેડ, ઓટી કોમ્પ્લેક્સ, અલ્ટ્રા સાઉન્ડ વગેરે જેવી અધ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. જેનો જૂનાગઢ જિલ્લા સહિત અન્ય આસપાસના વિસ્તારોના લોકોને લાભ મળશે.
તેમણે કહ્યું કે, ૫૦ બેડના ક્રિટિકલ કેર બ્લોકના બિલ્ડીંગના ત્રીજા માળે ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી બનશે. આ લેબોરેટરીમાં માઈક્રોબાયોલોજી, પેથોલોજી, બાયો કેમેસ્ટ્રી સહિતના રિપોર્ટ્સ કરવામાં આવશે. આમ, દર્દીઓને એક જ છત નીચે પરીક્ષણોની સુવિધા પ્રાપ્ય બનતા સમય અને નાણાંની પણ બચત થશે.
ઉલ્લેખનીય છે કે, આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર સાથેનું આ બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર + ૩ માળનું હશે. જેનું બાંધકામ ભૂકંપપ્રૂફ હશે. ઉપરાંત આ બિલ્ડિંગને સિવિલ હોસ્પિટલ સાથે જોડતો એક બ્રિજ પણ બનાવવામાં આવશે.
આ પ્રસંગે નોબલ યુનિવર્સિટીના એમડી પાર્થ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ડીન ડો. હનુમંત આમટે, જિલ્લા ક્ષય અધિકારી ચંદ્રેશ વ્યાસ, આસિસ્ટન્ટ ડીન અમિત ત્યાગી, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ટ ડો. દિગંત ચિકોત્રા, ક્વોલિટી ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર પઠાણ, ડો. ચાવડા સહિત મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીજ્ઞેશ પંડ્યા…. જૂનાગઢ