*રૂપાલા મામલે ભાજપ જે કરી રહ્યું છે એ માઈક્રો નહીં સાઈકો મેનેજમેન્ટ છે*
✒️રાજેશ ઠાકર✒️👇🏼
પ્રત્યેક વિષયને ચૂંટણીલક્ષી હાર-જીતના દ્રષ્ટિકોણથી જોવાની ભાજપની સાઈકોલોજી રૂપાલા-રાજપૂત વિવાદ વકરવા પાછળ સ્પષ્ટ દેખાય છે. રૂપાલા નિવેદન મામલે ભાજપ જે કરી રહ્યો છે તે માઈક્રો નહીં પણ સાઈકો મેનેજમેન્ટ છે.
એક વ્યક્તિ અને સમાજ વચ્ચેના સીમિત વિષયને સમાજો વચ્ચેના ખટરાગ અને રાજકીય ટકરાવ સુધી પહોંચાડવા પાછળ ‘અમને કોઈ ફરક નથી પડતો’ એવો ભાજપનો અહમ અને વિજયનો અતિવાદ છે. બીજેપી (બાબુ જમના પટેલ) જેવાઓ એ આ પ્રકારનો અહંકાર ઓકવાનું શરૂ પણ કરી દીધું છે. એક ક્ષત્રિય સમાજના સ્વમાન અને ક્ષત્રીયાણીયોના બલિદાનને પાંચ પચીસ હજાર મતના ત્રાજવે તોળી બાબુ જમના પટેલ બીજેપીની આખાય પ્રકરણ પાછળની માનસિકતા ઉઘાડી કરે છે.
શરૂઆતથી જ આ બાબતને ભાજપ મિસ-હેન્ડલ કરી રહ્યું છે. રૂપાલાના બફાટના સમાધાન માટે ક્ષત્રિયસમાજના રાજપૂતો સાથે સંવાદ કરવાનાં બદલે ભાજપના અગ્રણી રાજપૂત (જેને સમાજ ભાજપૂત તરીકે ઓળખાવે છે ) જયરાજસિંહ ગોંડલનો ઉપયોગ કરે છે. રૂપાલાના બકવાસ મામલે સમાધાન બેઠક પછી જયરાજસિંહ ખુદ ધમકીભર્યા સુરે પોતાના સમાજ સામેજ બકવાસ કરી પાણી નાખવાની જગ્યાએ પેટ્રોલ છાટવાનું કામ કરે છે. સમાજને સમય-સ્થળ નક્કી કરી સામોસામ થવાની હાકલ કરી જયરાજસિંહ પોતાની ડેલીએ સાંકળ ચઢાવી બેસી ગયા અને સમાજ આખો રસ્તા પર ઉતરી આવ્યો. નુકશાન કોનું? મુશ્કેલી કોની વધી?
માત્ર રૂપાલાના બહિષ્કાર પૂરતો સીમિત વિષય ભાજપના બહિષ્કાર સુધી લઇ જવામાં ક્યા ચાણક્યો જવાબદાર છે? એતો ભાજપ જાણે પણ પુરષોતમને રૂપાળા દેખાડવા જતાં ભાજપ ભૂંડો દેખાઈ રહ્યો છે એ નિર્વિવાદ સત્ય છે. પહેલા દેશ-સમાજ પછી પક્ષ અને પછી વ્યક્તિના આદર્શની વાતો કરતો ભાજપ એનાથી ઉલટું વર્તન કરી રહ્યો છે. પાણીમાંથી પૂરો કાઢી નાંખે એમ રૂપાણીને કાઢી નાખનાર ભાજપ રૂપાલાને મક્કમ બતાવવા કેમ અડીખમ ઉભું છે તે સમજાય એવુ નથી. રૂપાલાને હટાવવામાં પાટીદારો નારાજ થાય એવો ડર હોય એવું રાજકીય ગણિત પણ માન્યામાં આવે તેમ નથી. કેમકે કેશુભાઈ ને હાથ ઝાલી ખુરશી પરથી ઉતારી દેવાયા હોય કે આનંદીબેનનો ફેઈસ ફેસબુકથી ગાયબ કરી દેવાયો હોય પાટીદારો ભાજપ સાથે જ રહ્યા છે. નીતિન પટેલ સાથે તો આવું વારંવાર થયું છે છતાં રાજકીય નુકશાન પક્ષને થયું નથી, તો રૂપાલાને બદલવાથી શું બદલાઈ જવાનો ભય હશે? ઉમેદવાર જાહેર કર્યા પછી બદલ્યા ના હોય એવું તો છે નહીં!વડોદરા થી રંજનબેન અને સાબરકાંઠાથી ભીખાજીને બદલ્યા જ છે. વડોદરાથી તો ભાજપના નામે થાંભલો ઉભો રાખો તો પણ જીતી જાય એવી માન્યતા પ્રવર્તે છે એટલે પાંચ – પચીસ હજાર મતના નુકશાનના દાખલાય માંડવા પડે એવું ન્હોતું. ભાજપ માટે તો એકમાત્ર જાતિ ગરીબજાતિ હતી તો પણ ઠાકોર -ડામોર ના જાતિગત સમીકરણમાં ભીખાજીનો ભોગ લેવાયો, તો રૂપાલાને રૂકસદ આપવામાં કયો અવરોધ હશે? એ રામ જાણે! કદાચ રામ (લલ્લા) રાખે એને કોણ ચાખે એ ઉક્તિ પર ભરોસો જ રાજહઠ પાછળ કારણભૂત હશે.
હંમેશા ભાજપ પોતાની પાસે દેવદૂર્લભ અને સમર્પિત કાર્યકરોની ફોજ હોવાનું રટણ કરતો હોય છે, તો સવાલ એ પણ પુછાવો જોઈએ કે શું સમર્પણના સંસ્કારો માત્ર કાર્યકર પૂરતાં અનામત રખાય છે? નેતાઓ દેવદૂર્લભ દેખાવામાં કે સમર્પિત આચરણ કરવામાં કેમ પાછીપાની કરે છે?. રૂપાલાને પક્ષનું પ્રમુખપદ, રાજ્ય તથા દેશમાં મંત્રીપદ અને સંગઠનમાં યોગ્ય સ્થાન વર્ષો સુધી મળતું રહ્યું છે છતાં ભોગવવાનું શું બાકી હશે.? નેતાજીએ આટઆટલુ ભોગવ્યા પછી પક્ષને રાજકીય નુકશાન ભોગવવાનું આવ્યું હોય એવી વેળાએ સંસદ સભ્યનો મોહ છોડી કાર્યકરોમાં દાખલો બેસાડવો જોઈએ એના બદલે સાફો બાંધી ઘોડે ચઢવા થનગની રહ્યા છે. જો રૂપાલા સમય પારખી સમાજ -રાજ્ય અને પક્ષના હિતમાં સ્વયં ખસી ગયા હોત તો માફી માંગીને જે નથી મળ્યું એટલું માન પક્ષ અને જાહેરજીવનમાં પરત મેળવી શક્યા હોત.એક વ્યક્તિના કારણે ગુજરાતની સામાજિક સમરસતા, રાજ્યની સુલેહ શાંતિ કે રાજકીય વાતાવરણ ડોહળાતું હોય તો અગ્રીમતા કોને આપવી એ સમજવુ અઘરું નથી.
નો-રીપીટ ની થીયરી ઘડનાર પક્ષ, ચપટી વગાડતાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલી નાખતો પક્ષ, એક પત્રિકા કાંડ બાદ સંદેહના ઘેરામાં આવેલ ક્ષત્રિય નેતાને કમલમથી દૂર કરી દેતો પક્ષ, પલક ઝપકતા નેતાઓને માર્ગદર્શક મંડળમાં મોકલી દેતો પક્ષ આજે માર્ગ ભટક્યો હોય એવું લાગે છે. ક્યાંક ભાજપનું રાજકીય ગણિત ચૂંટણી પરિણામોને પોતાના પક્ષે રાખવામાં સાચું હોઈ શકે, પરંતુ સામાજિક તણાવાણા ગુંથવામાં ખોટું પડી રહ્યું છે.
સમાજોએ પણ એમના મંચનો રાજકીય ઉપયોગ થતો ટાળવો પડશે. સમાજના ખભે ચઢી રાજકીય પ્રભાવ ઉભો કરનાર કેટલા લોકો સમાજ સંકટમાં હોય ત્યારે પક્ષથી વધું સમાજને મહત્વ આપે છે? તે સમજવુ પડશે. પક્ષ બદલી શકાય સમાજ નહીં આ મૂળ સિદ્ધાંત સમાજ થકી ઉજળા થયેલા રાજકીય નેતાઓ વિસારે પાડી દે છે કેમકે એ જાણે છે કે ટિકિટ પક્ષ આપે છે સમાજ નહીં. પાટીદાર અનામત આંદોલન હોય કે અન્ય સામાજિક માંગણીઓ સમાજ થકી રાજનીતિ કરનારાઓએ હંમેશા સત્તાપક્ષે સમાધાન ની ભૂમિકા જ ભજવી છે સંઘર્ષની નહીં. સમાજ -જાતિ કે ધર્મના નામે રાજકીય મત ધરાવનાર નાગરિકોએ પણ રાજકીય પક્ષો અને વ્યક્તિઓ નું વલણ જોઈ શીખવું પડશે. રાજનીતિ માટે સમાજ સ્તંભ નહીં ખભો માત્ર છે. સ્તંભ સુરક્ષિત રાખવો છે કે ખભો આપવો છે એ લોકો પર નિર્ભર છે.બહુમત એકતરફી હોય ત્યારેન્યાય, સ્વમાન, લોકહિત વિગેરે વિગેરેની અલ્પમતની દ્રષ્ટિએ અવહેલના સહેલી બને છે. સમાજો નું વિઘટન એ રાજકીય પક્ષોના મજબૂત સંગઠનનું પ્રેરક બળ બની રહે છે એ સત્ય જેટલું જલ્દી સમજાય એટલું સારૂ.
તમામ ગુજરાતીઓએ આ બાબતે સંવેદનશીલ રહી રાજકીય કે સામાજિક ઉશકેરાટ થી બચવું પડશે. *વહેંચાઈ જશો તો વેતરાઈ જશો એ વાત સમજવી પડશે.*રાજેશ ઠાકર*
(રાજકીય વિશ્લેષક)
rajthaker207@gmail. Com)