•
• બીજા રાજ્યોમાં પ્રજાને ૨૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી આપવામાં આવે છે જયારે ગુજરાતમાં સ્માર્ટ મીટરને નામે સરકારની સ્માર્ટ લુંટ. : અમિત ચાવડા.
• મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓ કહી રહી છે કે સરકાર સ્માર્ટ મીટર નખાવીને “મંગળસૂત્ર” પણ વેચાવી નાખશે. : અમિત ચાવડા.
• સ્માર્ટ મીટર ફરજીયાત શું કામ? ગ્રાહકો ઉપર છોડો, સ્માર્ટ મીટર મરજિયાત હોવું જોઈએ. : અમિત ચાવડા.
• સરકાર સ્માર્ટ મીટર લગાવવાની નીતિનો પુન:વિચાર નહિ કરે, પ્રજા ઉપર જબરજસ્તી થોપશે તો કોંગ્રેસ સ્માર્ટ મીટર લગાવતા અટકાવવા માટે પ્રજાની સાથે રહી સવિનય કાનુન ભંગની લડત લડશે. : અમિત ચાવડા
આજરોજ વિધાનસભા ખાતે પ્રેસ વાર્તામાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા મોંઘવારીમાંથી રાહતની રાહ જોઇને બેઠી છે, ઘર ચલાવવું મુશ્કેલ થઇ રહ્યું છે, બાળકોની ફી ભરવી મુશ્કેલ છે ત્યારે સરકાર રાહત આપવાને બદલે સ્માર્ટ મીટરના નામે લુંટવાનો કારસો ઘડી રહી છે.
ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનો ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે. વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને જામનગર જ્યાં પણ મીટરો લગાવવાની શરૂઆત થઇ જેમાં વ્યાપક ફરિયાદો, મીટરના છબરડા, લુંટ સામે પ્રજાનો ઉગ્ર વિરોધ તેમજ વીજ કંપનીઓ અને પ્રજા વચ્ચે સંઘર્ષની સ્થિતિનું નિર્માણ થયેલ છે. પ્રજાની ફરિયાદો છે કે સ્માર્ટ મીટર લગાવતા ૧૦૦૦ રૂપિયા માસિક બીલ આવતું હતું તેમને રોજ ૩૫૦ રૂપિયા કપાવવા લાગ્યા છે. ૨ મહિનાનું બીલ ૪૫૦૦ આવતું હતું એના બદલે ૨૦ દિવસમાં ૪૦૦૦ રૂપિયાનું રીચાર્જ પૂર્ણ થઇ ગયું. સ્માર્ટ મીટરનો વિકલ્પ કેમ નહિ? સ્માર્ટ મીટર ફરજીયાત શું કામ? મોબાઈલમાં પ્રી. પેઈડ અને પોસ્ટ પેઈડનો વિકલ્પ હોય તો સ્માર્ટ મીટરમાં કેમ નહિ? રીચાર્જ કરાવવા સ્માર્ટ ફોન જોઇશે. ગરીબો સ્માર્ટ ફોન ક્યાંથી લાવશે. સરકાર સ્માર્ટ મીટર સાથે સ્માર્ટ ફોન આપશે? ગુજરાતમાં ૧.૬૪ કરોડ સ્માર્ટ પ્રી. પેઈડ મીટર લગાવવાનો પ્રોજેક્ટ છે અને તેમાં મીટર દીઠ ૩૦૦ રૂપિયા ફરજીયાત બેલેન્સ તરીકે એડવાન્સ ભરવાના હોવાથી ગુજરાતની પ્રજાના ૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પડાવી લેવાનો કારસો રચાયો છે.
એક તરફ મોંઘી વીજળી છે તેમાં કોઈ રાહત મળતી નથી, ગ્રાહકોને જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓમાં કોઈ વધારો થતો નથી પણ પોતાના માનીતા, મળતીયાઓની કંપનીઓ માટે દિન-પ્રતિદિન આવા તઘલખી નિર્ણયો લઇ પ્રજાના ખિસ્સામાંથી લઇ ઉઘાડી લુંટ ચલાવવામાં આવે એવા જે પ્રયત્નો થઇ રહ્યા છે તેનો સખત વિરોધ કરવામાં આવશે.
સરકાર સ્માર્ટ મીટર લગાવવાની નીતિનો પુન:વિચાર નહિ કરે, પ્રજા ઉપર જબરજસ્તી થોપશે તો અમે સ્માર્ટ મીટર લગાવતા અટકાવવા માટે પ્રજાની સાથે રહી સવિનય કાનુનભંગની લડત લડીશું અને જરૂર પડશે તો રસ્તા ઉપર પણ ઉતરીશું અને ગુજરાતની જનતાના અવાજને સડકથી લઈને સંસદ સુધી પહોંચાડીશું તેવું શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું.
Author: ભાગવત ભૂમિ
Hi