ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૧૦૦ દિવસ રોજગારીની ગેરંટી આપતા મનરેગામાં આદિવાસી વિસ્તારમાં ૨૪ થી ૩૪ દિવસની રોજગારી આપવામાં આવે છે. આજે સમગ્ર દેશ કરતા શ્રમિકોને ઓછું વેતન ચુકવવામાં આવે છે. આદિવાસી સમાજના બાળકો માટે શિક્ષણની મોટી વ્યવસ્થાના નામે ચાલતી આશ્રમ શાળાઓમાં ૧૫ વર્ષ કરતા વધુ સમયથી શિક્ષકો અને કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. શિક્ષણ અને રોજગારને લઈ સૌથી વધુ સ્થળાંતર આદિવાસી વિસ્તારોમાં થઈ રહ્યું છે.
રાજ્યમાં સરકારી પ્રાથમીક શાળાઓમાં ૩૮૦૦૦ ઓરડાઓની ઘટ છે, આદિવાસી વિસ્તારોને સમાવેશ કરતા ૧૩ જીલ્લાઓમાં ૯૫૧૮ જેટલા ઓરડાઓની ઘટ છે જેની સામે છેલ્લા ત્રણ વર્ષમાં આદિવાસી વિસ્તારના માત્ર ૧૬૯ ઓરડાઓ બન્યાં છે. જ્યારે બાકીના નવ જીલ્લાઓ નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર ઓરડાઓની ઘટ સામે એકપણ ઓરડો બનાવવામાં આવ્યો નથી. ગુજરાત રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૭૦૦ થી વધુ છે જેમાં આદિવાસી વિસ્તારના ૧૩ જીલ્લામાં ૩૬૧ જેટલી શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. હજારો બાળકોને એક જ શિક્ષકથી કેવી રીતે બધા જ વિષયનું શિક્ષણ પુરુ પાડતા હશે ? અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજની કન્યાઓને શાળાએ અભ્યાસ જવા માટેની સાઈકલો પણ ધુળ ખાઈ રહી છે. સ્વરોજગારી માટેની કીટો પણ એક વર્ષ કરતા વધુ સમયથી વિતરણ કરવામાં આવી નથી.
રાજ્યમાં ૭૪૦૮ આંગણવાડીઓ ભાડાના મકાનમાં કે અન્ય જગ્યાએ ચાલે છે તે પૈકી આદિવાસી વિસ્તારના ૧૩ જીલ્લાઓમાં ૨૨૯૨ આંગણવાડીઓ એટલે કે ૨૪ ટકા આંગણવાડીઓ આ રીતે ચાલી રહી છે. રાજ્ય સરકાર વિકાસના દાવાઓની વચ્ચે આંગણવાડીઓના ભૂલકાઓને બેસવા માટે સરકારે મકાન પણ ઉપલબ્ધ કરાવી શકી નથી. તે વરવી વાસ્તવિકતા છે.
ગુજરાતમાં કુપોષિત બાળકોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૩ જીલ્લાઓમાં ૨,૬૭,૭૨૪ બાળકો કુપોષિત છે. ભાજપ સરકાર કુપોષણ દુર કરવાના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા અતિ ચિંતાજનક છે.
આદિવાસી સમાજના વિકાસના નામે વિવિધ યોજનાના કરોડો રૂપિયા બારોબાર સગેવગે કરીને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. અન્ન નાગરિક પુરવઠાનું કરોડો રૂપિયાના અનાજનો જથ્થો આદિવાસી પરિવારોને મળવાને બદલે બારોબાર ફ્લોર મિલોમાં, કાળા બજારીઓ, સંગ્રહખોરો ચાંઉ કરી રહ્યાં છે. અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજના હેઠળના કરોડો રૂપિયા ભાજપા સરકારના મળતિયાઓ-કોન્ટ્રાક્ટરો સાથે મળીને ચાઉં કરી ગયાં છે છતાં ભાજપા સરકાર આદિવાસી સમાજના નામે મોટી મોટી જાહેરાતો કરી રહી છે. ત્યારે જાહેરાતોને બદલે આદિવાસી સમાજના જાહેર હિતમાં યોગ્ય દિશામાં સરકાર કાર્ય કરે તો જ આદિવાસી સમાજનું ભલુ થશે.
ક્રમ આદિવાસી વિસ્તારમાં 13 જીલ્લાઓની સ્થિતિ
૧ ઓરડાઓની ઘટ 9518
૨ એક જ શિક્ષકથી ચાલતી શાળા 361
૩ ભાડાના મકાનમાં કે અન્ય જગ્યાએ ચાલતી આંગણવાડીની સંખ્યા 2292
૪ કુપોષિત બાળકોની સંખ્યા 267724