00000
“વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના સરકારનાં અભિયાનમાં સહભાગી બનીએ”-રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા
મોરબી જિલ્લામાં ૩.૫ લાખ રોપાઓનો ઉછેર: ૩ વન કવચનું નિર્માણ થશે
00000
મહાનુભાવોના હસ્તે કિસાન યોજના અંતર્ગત રોપા ઉછેર માટે લાભાર્થીને ચેક અર્પણ કરી બિરદાવાયા
00000
મોરબી તા.૧૬, ઓગસ્ટ
મોરબીમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવ -૨૦૨૪ની ઉજવણી પંચમુખી હનુમાનજી વેજીટેબલ રોડ રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષસ્થાને થયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ શાળાની વિદ્યાર્થીનીઓએ વૃક્ષોના જતન માટે પ્રકૃતી ગીત રજૂ કરીને તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. વૃક્ષોનું જ જતન કરવાથી માનવ જીવન કેટલું ખતરામાં મુકાય જાય છે,તેનો સુંદર સંદેશો કૃતીના માધ્યમથી બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના સરકારનાં અભિયાનમાં સહભાગી બનીએ. પર્યાવરણના જતન માટે વન સંપદાના સંરક્ષણ અને વન વિસ્તાર વધારવાના દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઈડ અને પોલ્યુશન ઘટાડવા વૃક્ષોનું જતન કરવું જોઈએ. વૃક્ષો માનવીને છાંયડો, ઑક્સીજન, ફળ, દવાઓ સહિતની જરૂરીયાતો સંતોષે છે. જેટલા વૃક્ષો વાવીએ તેને સારી રીતે ઉછેરવાની જવાબદારી પણ આપણી છે. વૃક્ષો એ એવી મૂડી છે જે બાળકોને મોટી ઉમરે એફ. ડી. તરીકે કામ લાગશે. સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ સારી કામગીરી કરી રહી છે. મોરબી જિલ્લામાં તાલુકા દીઠ ૧.૨૫ લાખ રોપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે તે પ્રશંશનીય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રીન્યુએબલ એનર્જી તરફ દેશને લઈ રહ્યા છે ત્યારે આપણેસૌ આ દિશામાં જોડાઈ દેશને સશક્ત બનવાવમાં સહભાગી બનવાનું છે.
ધારાસભ્યશ્રી કાન્તીભાઈ અમૃતિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી વૃક્ષારોપણની કામગીરીને મહત્વ આપી વિવિધ આયોજનો અમલમાં મૂક્યા છે.
કલેકટરશ્રી કે. બી. ઝવેરીએ કહ્યું હતું કે જેટલા વૃક્ષો કપાય છે તેના કરતાં વધુ વૃક્ષો વાવવા જરૂરી છે. વૃક્ષો નહી હોય તો પર્યાવરણ ખોરવાઇ જશે. વૃક્ષોનું મહત્વ સમજાવી વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી.
નાયબ વન સરંક્ષકશ્રી ચિરાગ અમીનએ મોરબી જિલ્લામાં વન વિભાગની કામગીરી અંગે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ૩.૫ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે ગત વર્ષે ૨ વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે ૩ વન કવચનું નિર્માણ કરાશે. મેનગૃવ ઇકો સિસ્ટમ વિષે સૌ કોઈને માહિતગાર કરી વધુમાં વધુ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.
કિસાન યોજના અંતર્ગત રોપા ઉછેર માટે લાભાર્થીશ્રી ગીતાબેનને ચેક અર્પણ કરાયો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને ઊમરો, આંબલી, કણજી, બિલી, પીપળો, કદમ, બોરસલી તેમજ કોડીયાના વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. સાંસદસભ્યશ્રી તથા ધારાસભ્યશ્રીએ લીલીઝંડી ફરકાવી વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવો તેમજ ઉપસ્થિત સૌ ને વૃક્ષોના જતન માટે દિનેશભાઈ વડસોલા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ આર. એફ. ઓ. પાર્થ ભીમાણીએ કરી હતી.
આ કાર્યક્રમમાં ગોધરા સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષકશ્રી ડૉ. ટી. કરુપ્પાસામી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઇ દેસાઇ, આર.એફ.ઓ. પાર્થભાઈ ભિમાણી અગ્રણી સર્વશ્રી અરવીંદભાઈ વાસદળીયા, નરેન્દ્રસિંહ ઝાલા, વન વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.