૦૦૦૦૦
વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામના ખેડૂત ગગજીભાઈ બાવળીયા પ્રાકૃતિક કૃષિથી વાર્ષિક એપલ-બોરનું ૩૦૦ મણ – જામફળનું ૨૫૦ મણ મેળવે છે ઉત્પાદન
00000
M.COM. સુધી અભ્યાસ કરેલા ખેડૂતે વિવિધ સરકારી તાલીમો મેળવી અપનાવી પ્રાકૃતિક કૃષિ
00000 સાફલ્ય ગાથા
મોરબી ૧૭ ઓગસ્ટ : ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયા છે. જેને કારણે જિલ્લાઓમાં યોજાતી પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનવવાથી ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને આવકમાં વધારો થયો છે. ખેતીની આવક વધતા ખેડૂતો સમૃદ્ધ બની રહ્યાં છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમનાં શબ્દોમાં સાંભળીએ તેને થયેલા લાભોની વાત ..
રાજસ્થળી ગામના ૩૨ વર્ષીય ખેડૂત ગગજી ભાઈ બાવળીયા જણાવે છે કે મે મારો M.COM. નો અભ્યાસ પુર્ણ કરી અને ખેતી ક્ષેત્રે કાઇંક નવીન કરવું તેવો વિચાર આવ્યો. આ સમયે અમે રાસાયણિક ખેતી કરી કપાસ પાક લેતા હતા. રાસાયણિક ખેતીમાં ખર્ચ વધારે આવતો હતો અને આવક ઓછી થઈ ગઈ હતી ત્યારે રામકૃષ્ણ આશ્રમ -કચ્છ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાવાની હતી તે વાતની માહિતી મને મળી. ત્યારે તાલીમમાં સહભાગી થઈ મે ગાય આધરીત પ્રાકૃતિક કૃષિથી થતાં ફાયદાઓ વિષે જાણ્યું ત્યારબાદ અમદાવાદ ખાતે ૩ દિવસની પ્રાકૃતિક તાલીમ મેળવી હતી તથા વાંકાનેર તાલુકાના આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યુ હતુ. તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના યુ-ટ્યુબ મા લેક્ચર દ્વારા પણ ઘણીબધી માહીતી મેળવી. ત્યાથી મને આ ગાય આધારીત પ્રાકૃતિક કૃષિનો વિચાર આવ્યો.
પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પાકની વાવણી પહેલા જમીનમાં ઘન જીવામુત નો ઉપયોગ કરીએ છીએ. બીજને બિજામૃતનો પટ આપી વાવેતર કરીએ છીએ જેના કારણે ઉગાવો સારો થાય છે. તથા પુર્તી ખાતર માટે જીવામુત તથા ઘન જીવામુત વાપરીએ છીએ. નિંદામણ નિયંત્રણ માટે આંતર ખેડ તથા હાથથી નિંદામણ કરીએ છીએ. અળસિયાની સંખ્યામાં વધારો થવાથી જમીનની નિતાર શક્તિમાં વધારો થયો છે. રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર અગ્નીઅસ્ત્ર, ખાટી છાસ, દસ્પર્ણીઅર્ક વગેરેનો ઉપયોગ કરીએ છીએ. આચ્છાદન પણ અપનાવીએ છીએ જેથી જમીનનું તાપમાન જાળવી શકાય છે.
હાલ હું જામફળ, એપલબોર, મગફળી, ઘાસચારો વગેરે પાકોનું વાવેતર કરૂ છુ. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેતીમાં મને આવકમાં વધારો થયો અને ખર્ચમાં ઘટાડો થવા લાગ્યો. જામફળીના પાકમાં ૨૫૦ મણ અને એપલ બોરમાં ૩૦૦ મણ જેટલું વાર્ષિક ઉત્પાદન થાય છે જ્યારે રૂ. ૨,૦૦,૦૦૦ જેટલી આવક થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા વિવિધ તાલીમો યોજી રહી છે. જે અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા માર્ગદર્શન મેળવી ખેડૂતો તાલીમબદ્ધ થઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારી આર્થિક સમૃદ્ધી મેળવી રહ્યા છે.