૦૦૦૦૦૦
“ભારતીય નાગરિકત્વ મળતા અમારા બાળકોને સારું શિક્ષણ અને સુખ સુવિધાઓ આપી જીવન ઉજ્જવળ બનાવી શકીશું.” – પાંચાભાઈ સોલંકી
૦૦૦૦૦
વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા, શક્તિ મુંધવા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
દેશમાં વસતા તમામ લોકોને સુરક્ષિત અને સન્માનજનક જીવન મળી શકે તે માટે “નાગરિકતા સંશોધન કાયદા” હેઠળ નાગરિકોને મળતા તમામ લાભો અપાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા આવા ૨૨ લોકોને આવતીકાલે ભારતીય નાગરિકત્વ મળવાનું છે ત્યારે આ લોકોની આંખોમાં આશાનાં કિરણ જોવા મળી રહ્યા છે.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વહીવટીતંત્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પાંચાભાઈ વેલાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “અમે વર્ષ ૧૯૯૫માં પાકિસ્તાનથી ભાગીને કચ્છમાં આવી રહ્યા હતા ત્યારે કચ્છ-ભુજ બોર્ડર ઉપર બી.એસ.એફે અમને રોક્યા હતા. દોઢ વર્ષ જેટલા સમયગાળા માટે અમારું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ ગુનાહિત પ્રવૃતિની હકિકત નહી મળતાં અમે કુલ ૨૪ લોકોને છુટા કરવામાં આવ્યા હતા. તે વખતના કચ્છના બાવજી જાડેજાએ આશરો આપ્યો. બાવજી જાડેજાનું ખુન થતા બે વર્ષ પછી કુટુંબી ભાઈઓએ કહ્યું કે હવે અમે તમોને સાચવી શકીયે તેમ નથી. આથી વર્ષ ૧૯૯૭ની સાલથી મુળી તાલુકાના સરલા ગામે આવી અમે વસવાટ કરી રહ્યાં છીએ. હવે અમને ભારતીય નાગરિકતા મળવા જઈ રહી છે ત્યારે અમે ખુબ જ ખુશ છીએ. ભારતીય નાગરિકત્વ મળતા અમારા બાળકોને સારું શિક્ષણ આપી જીવન ઉજ્જવળ બનાવી શકીશું. ભારતના નાગરિક ન હોવાથી અમને અનેક મુશ્કેલીઓ પડી છે. અમે હવે આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકીશું. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.”
સરલા ગામનાં સરપંચશ્રીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં કચ્છમાંથી આવીને છેલ્લા ૨૫ વર્ષથી ૪ શરણાર્થી પરિવારોના ૪૦ થી ૪૫ લોકો રહે છે. તેઓને નાગરિકતા સંશોધન કાયદા અન્વયે ભારતીય નાગરિકત્વ મળે તે માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી છે. જિલ્લા કલેકટરશ્રી કે. સી. સંપટે પણ અંગત રસ દાખવી, વહીવટીતંત્ર તરફથી જરૂરી તમામ પ્રકિયા પૂર્ણ કરી વહેલીતકે નાગરિકત્વ મળે તેવા પ્રયાસો કર્યા છે, જેના પરિણામે આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીના હસ્તે ૨૨ વ્યક્તિઓને ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર મળશે. આ પરિવારોને મળવાપાત્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે અમે પૂરતા પ્રયાસો કરીશું.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ દેશભરમાં “નાગરિકતા સંશોધન કાયદો (CAA)” લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ, ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.
નાગરિકતા સંશોધન કાયદો (CAA) હેઠળ કોને મળી શકે ભારતીય નાગરિકતા?
૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચારનો ભોગ બન્યા બાદ ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ ત્રણ દેશોના લોકો નાગરિકતા માટે આ કાયદા હેઠળ અરજી કરી શકે છે.
ભારતીય નાગરિકતા માટે કેવી રીતે અરજી કરી શકાય?
આ પ્રક્રિયા માટે અરજી ઓનલાઈન કરવાની હોય છે. ભારત ક્યારે આવ્યા તેની સંપૂર્ણ વિગતો અરજદારે જણાવવાની રહે છે. આ કાયદામાં કરાયેલ સુધારા મુજબ જેમની પાસે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો ન હોય, તેઓ ઓછામાં ઓછાં છ વર્ષ સુધી ભારતમાં રહ્યા હોય તો તેમને ભારતીય નાગરિકતા મળી શકે છે.