“૧૮૧ અભયમ ટીમ દ્વારા કિશોરીનું કાઉન્સિલિંગ કરી પુખ્ત વયે લગ્ન કરવાની સમજણ અપાઈ”
ગોંડલ, તા.૨૧/૦૮/૨૦૨૪
(દ્વારા જાનક રાજા મોરબી)
રાજ્ય સરકાર દ્વારા અભયમ 181 મહિલા હેલ્પલાઇન નંબર કાર્યરત છે. આ સુવિધા થકી અનેક મહિલાઓને સરકાર મદદરૂપ થાય છે. ત્યારે 181 મહિલા હેલ્પલાઇનમાં એક પિતાએ જાણ કરી હતી કે, તેમની 15 વર્ષની દીકરી, તેમની જ જ્ઞાતિના એક યુવાન સાથે રિલેશનમાં હતી. જેની જાણ થતા સગપણ નક્કી કર્યું હતું. જલ આપ્યું હતું. દીકરીને સમજાવી હતી કે, ઉંમર લાયક થયે તારા લગ્ન કરાવી આપીશું. જલ દીધા બાદ અવાર નવાર સાસરે જતી હતી. ગઈકાલે તે કહ્યા વગર સાસરે જતી રહી હતી. ફોન કરતા પાછા આવવાની ના પાડી દીધી હતી. ફરી આજે કપડાં લેવા ઘરે આવી તો તેને પાછી સાસરે જવાની ના પાડી છતાં જતી રહી છે.
કોલ આવતા જ ગોંડલ 181 ટીમના કાઉન્સિલર મનીષા પરમાર, એએસઆઈ પરવાનાબેન, પાયલોટ લક્ષ્મણભાઈ વગેરે સગીરાના ઘરે પહોંચેલ. પિતાની વાત સાંભળી સગીરાના સાસરે ગયેલ. ત્યાં સગીરાનું કાઉન્સિલિંગ કરતા તેને જણાવેલ કે, મારા માતા હયાત નથી. પિતાએ મારપીટ કરી હતી અને જતી રહે એમ જ કહેતા હતા. ત્યારબાદ સાસરિયાના સભ્યોને સમજાવેલ કે, દીકરી માત્ર 15 વર્ષની છે. તેને કાયદાકીય રીતે તમે રાખી ન શકો. સગીરાને પણ સમજાવેલ કે, 18 વર્ષ પુરા થયે લગ્ન કરી આપશે. આમ બંને પક્ષે લીગલ એડવાઇઝ આપી કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારબાદ દીકરીને તેમના પિતાને સોંપેલ હતી. પિતાએ 181 ટીમનો આભાર માન્યો હતો.