– જિલ્લાના ૨૭ ડેમોમાં સરેરાશ ૯૪.૭૮ ટકા જળસંગ્રહ
– છેલ્લા ૨૪ કલાકમાં ન્યારી-૧માં ૦.૮૨, ઘેલો સોમનાથમાં ૨.૩૦ તથા માલગઢ ડેમમાં ૦.૮૨ ફૂટનો વધારો
– પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ખાસ લેખ – સંદીપ કાનાણી
રાજકોટ તા. ૨૯ ઓગસ્ટ – રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જળાશયો છલકાવા લાગ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલા ૨૭ જળાશયોમાં વરસાદના નીર ઠલવાઈ રહ્યા છે અને ૧૮ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. જેમાં ૧૦ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે જ્યારે આઠ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના તમામ ૨૭ જળાશયો સરેરાશ ૯૪.૭૮ ટકા ભરાઈ ગયા છે. જિલ્લામાં પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા પ્રમાણે, આજની તારીખે સવાર સુધીમાં ૧૮ જળાશયો ૧૦૦ ટકા ભરાઈને છલકાઈ રહ્યા છે. જેમાં ભાદર ડેમના ૧૭ દરવાજા ૧.૮ મીટર ખોલવામાં આવ્યા છે. જ્યારે મોજ ડેમના ૨૦ દરવાજા ૧.૫ મીટર ખુલ્લા છે. સુરવો ડેમના ત્રણ દરવાજા ૦.૧ મીટર, મોતીસર ડેમના ત્રણ દરવાજા ૦.૬૦ ડિગ્રી,છાપરવાડી-૨ ડેમના બે દરવાજા ૧.૫ મીટ, કરમાળ ડેમના બે દરવાજા ૦.૬ મીટર, કર્ણુકી ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો છે. ખોડાપીપર ડેમ પણ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે.
જ્યારે ફોફળ ડેમ હાલ ૧.૫૮૫ મીટર ઓવરફ્લો જ્યારે આજી-૧ ડેમ ૧.૨૫ મીટર ઓવરફ્લો, સોડવદર ડેમ ૦.૭૫ મીટર ઓવર ફ્લો થઈ રહ્યા છે. જ્યારે ગોંડલી ડેમ, વાછપરી ડેમ તથા વેરી ડેમ, ફાડદંગ બેટી,લાલપરી ડેમ ૦.૩ મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે. જ્યારે છાપરવાડી-૧ ડેમ ૦.૨૫ મીટર, ઈશ્વરીયા ડેમ ૦.૫ મીટર ઓવરફ્લો થઈ રહ્યા છે.
ઉપરાંત વેણુ-૨ ડેમ ૮૬.૬૯ ટકા ભરાયો છે અને તેના આઠ દરવાજા ૪.૮ મીટર ખુલ્લા છે. આજી-૨ ડેમ ૭૩.૨૯ ટકા ભરાયેલો છે અને તેના છ દરવાજા દોઢ મીટર ખુલ્લા છે. આજી-૩ ડેમ ૯૧.૭૭ ટકા ભરાઈ જતાં પાંચ દરવાજા ૨.૪ મીટર ખોલવામાં આવ્યા છે. ડોંડી-૧ ડેમ ૬૫.૭૯ ટકા ભરાતા એક દરવાજો ત્રણ મીટર ખોલાયો છે. ન્યારી-૧ ડેમ ૮૬.૮૬ મીટર ભરાયો હોવાથી બે દરવાજા ૦.૬ મીટર ખુલ્લા છે. ન્યારી-૨ ડેમ ૯૦.૫૯ ટકા ભરાયો હોવાથી સાત દરવાજા ૦.૯ મીટર ખુલ્લા છે. ઉપરાંત ભાદર-૨ ડેમ ૮૮.૫૭ ટકા ભરાયો હોવાથઈ ૧૭ દરવાજા ૧.૨ મીટર ખોલાયા છે. માલગઢ ડેમ હાલ ૫૧.૫૭ ટકા જ્યારે ઘેલો સોમનાથ ૧૮.૦૪ ટકા ભરાયો છે.
મહત્ત્વનું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ન્યારી-૧ ડેમમાં ૦.૮૨ ફુટ, ઘેલો સોમનાથ ડેમમાં ૨.૩૦ ફુટ જ્યારે માલગઢ ડેમમાં ૦.૮૨ ફુટ જળસ્તરમાં વધારો થયો છે.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ મોજ ડેમના ક્ષેત્રમાં ૧૧૩૫ મિલિમીટર (૪૪.૬૯ ઈંચ), ફોફળ ડેમ ક્ષેત્રમાં ૧૦૧૦ મિ.મિ. (૩૯.૭૬ ઈંચ), સોડવદર ડેમ ક્ષેત્રમાં ૧૦૫૭ મિ.મિ. (૪૧.૬૧ ઈંચ), છાપરવાડી-૨ ડેમ ક્ષેત્રમાં ૧૦૪૪ મિ.મિ (૪૧.૧૦ ઈંચ). જ્યારે ભાદર-૨ ડેમ ક્ષેત્રમાં ૧૦૨૦ મિ.મિ. (૪૦.૧૬ ઈંચ) નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઘેલો સોમનાથ ડેમ ક્ષેત્રમાં ૧૨૦ મિ.મિ. (૪.૭૨ ઈંચ) વરસ્યો છે. ત્યારપછીના ક્રમમાં માલગઢ ડેમ ક્ષેત્રમાં ૩૧૫ મિ.મિ. (૧૨.૪૦ ઈંચ) વરસાદ વરસ્યો છે.