વરસાદ બાદ પડેલા વીજ પોલ ઉભા કરવા અને તાર જોડાણ સહિતની કામગીરી પૂરજોશમાં
મોરબી, તા. ૨૯ ઓગસ્ટ
મોરબી જિલ્લામાં હાલ વરસાદ બાદની પરિસ્થિતિમાં જિલ્લામાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરાવી સ્થિતિ યથાવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
રેડ એલર્ટના પગલે મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જન જીવન ખોરવાયું હતું. વીજ તાર તૂટવાના અને વીજપોલ ધરાશાઇ થવાના પગલે જિલ્લાના કેટલાક ફીડરો હેઠળના સ્થળોએ વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. ચાલુ વરસાદે પણ પીજીવીસીએલના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા હતા. આજ સવાર સુધીમાં લગભગ તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. જે સ્થળોએ વોટર લોગિંગના કારણે વીજ પુરવઠો શરૂ કરી શકાયો નથી અને ખાસ કરીને માળીયા વિસ્તારના ગામોમાં જ્યાં પાણીના ભારે પ્રવાહના કારણે વીજપોલ ધરાશાઈ થતા તેમજ વીજતાર તૂટી જતા જે વીજ પુરવઠો ખોરવાયો હતો તેને પણ હાલ ફરી શરૂ કરી દેવા માટેની જહેમત કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.
પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે આ થાંભલાઓ ઉભા કરી વીજ તાર જોડીને વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.