લોકોની સમસ્યા બાબતે મંત્રીશ્રીએ પૃચ્છા કરી ખેતીમાં નુકસાન તથા પશુ મૃત્યુ અંગે તાત્કાલીક સર્વે કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી
૦ :: ૦૦૦ :: ૦
મોરબી, તા. ૨૯ ઓગસ્ટ
મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા ભારે વરસાદના પગલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામ તેમજ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તેમણે માળીયાના ફતેપર તેમજ માળીયા ગામની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ બે દિવસથી મોરબી જિલ્લામાં જ રહીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે તેમજ જિલ્લાની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે, ત્યારે મંત્રીશ્રીએ આજે માળીયા તાલુકામાં માળીયા અને ફતેપર ગામની મુલાકાત લઈ પુર દરમિયાન ત્યાંની સ્થિતિ અને હાલની સ્થિતિ અંગે નિરીક્ષણ કરી ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રીએ આ મુલાકાતમાં સ્થાનિક લોકો સાથે તેમના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ સહિતની બાબતો અંગે વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત ખેતી અને પશુધન સહિતની બાબતોએ લોકોને થયેલ નુકસાન સંદર્ભે પણ સંવેદના દાખવી પૃચ્છા કરી હતી.
મંત્રીશ્રીએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને વીજ પુરવઠો પૂર્વવત કરવા તથા ખેતીમાં થયેલી નુકસાન તેમજ પશુમૃત્યુ અંગે તાત્કાલિક સર્વે કરી મળવાપાત્ર સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સાથે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, માળીયા મામલતદારશ્રી કે.વી. સાનિયા સહિતના અધિકારીશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.