ગોંડલમાં સગર્ભા મુસ્‍કાનને માવતરેથી બે લાખ લાવવાનું કહી પતિ-સાસુ-દિયરે પેટમાં પાટા માર્યા

 

 

પહેલો પતિ નશો કરી ત્રાસ ગુજારતો હતોઃ પાંચ વર્ષ પહેલા બીજી શાદી કરી તો તે દહેજ ભુખ્‍યો નીકળ્‍યોઃ રાજકોટ માવતર ધરાવતી પરિણીતાને સારવાર માટે દાખલ કરાઇ

 

 

રાજકોટ તા. ૧૧: દહેજ માટે અમુક પરિણીતાઓને સાસરિયા ત્રાસ આપતાં હોવાના કિસ્‍સા અવાર-નવાર પોલીસ દફતરે નોંધાય છે. દરમિયાન રાજકોટ માવતર ધરાવતી પરિણીતાને ગોંડલમાં પતિ-સાસુ-દિયરે તેણી સગર્ભા હોઇ છતાં પેટમાં ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું છે. માવતરેથી બે લાખ રૂપિયા લઇ આવવાનું કહી સિતમ ગુજારાયાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

 

જાણવા મળ્‍યા મુજબ ગોંડલમાં કંટોલીયા રોડ પર ખાડા નજીક રહેતી મુસ્‍કાનબેન શાહરૂખ ધંધુકીયા (ઉ.વ.૨૪)ને રાતે તેના પતિ શાહરૂખ, સાસુ નસરીનબેન અને દિયર અનીશે મારકુટ કરતાં તેમજ પેટમાં ઢીકાપાટુ મારતાં તેણીને દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ આ અંગે ગોંડલ પોલીસને જાણ કરી હતી.મુસ્‍કાનબેનના પિતા હયાત નથી. તેના માતા અમરૂનીશાબેન અકબરભાઇ રાજકોટ ભાવનગર રોડ સિલ્‍વર બેકરી નજીક રહે છે. તેમણે કહ્યું હતું કે મારી દિકરીના પ્રથમ લગ્ન થયા બાદ પતિ દારૂ પી મારકુટ કરતો હોઇ તલ્લાક લીધા હતાં. એ પછી આજથી પાંચ વર્ષ પહેલા સગા મારફત ગોંડલના શાહરૂખ સાથે મુસ્‍કાનની બીજી શાદી થઇ હતી. તેણીને શાહરૂખ થકી એક પુત્ર છે અને હાલમાં પણ પેટમાં ચાર માસનો ગર્ભ છે. લગ્ન થયા ત્‍યારથી તેનો પતિ, સાસુ સહિતના માવતરેથી કંઇને કંઇ લઇ આવવા દબાણ કરે છે. હાલમાં તેને મકાન લેવુ હોઇ તેના માટે બે લાખ લઇ આવવાનું કહી ઝઘડો ચાલુ કર્યો હતો અને ગઇકાલે રાતે પણ આ કારણે મારકુટ કરી હતી. તેણી સગર્ભા હોઇ પેટમાં દુઃખાવો ઉપડતાં દાખલ કરવી પડી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

Leave a Comment

Read More