મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા

 

*ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાઓએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત થાય છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*રાજકોટ, તા.૧૫ ડિસેમ્બર:*

 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે યોજાયેલા ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી. તેમણે આશ્રમના મહંતશ્રી લાલબાપુના આશીર્વાદ પણ આ તકે લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, ” ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત બને છે”. છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે સંતોના આશીર્વાદથી જન કલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “માગશર પૂર્ણિમાના પવિત્ર દિવસે

પૂજ્ય લાલબાપુ સમા ગુરૂવર્યના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે, એ મારે મન ખૂબ મહત્વનું છે. ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્વનો હોય છે”. આ સાથે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરૂ પૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ આયોજકોને બિરદાવ્યા હતા.

 

આ તકે આશ્રમના મહંત શ્રી લાલબાપુએ જણાવ્યું હતું કે, ” સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્કારનું મહત્વ વધુ હોય છે, સંસ્કારનુ સિંચન આધ્યાત્મિકતાથી થાય છે”. આ તકે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી હતી.

ગુરૂપૂજનના આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શ્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્યશ્રીઓ શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી રિવાબા જાડેજા અને શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ, અગ્રણી શ્રી રવિભાઈ માકડીયા, શ્રી અલ્પેશ ઢોલરીયા તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000000

Leave a Comment

Read More