ઘણી વખત કોઈ અજાણ્યા યુટ્યુબર આપણા શહેરના વિડિયો બનાવી જાય અને આપણે જોઈએ ત્યારે ખબર પડે કે લે આવું કાંઈ આપણા જ શહેરમાં છે અને મને ખબર પણ નથી.
આમાં એ જરૂરી નથી કે હેરિટેજ વોક જ કરવાનું હોય કે બાગ બગીચામાં જવાનું હોય.
આજે શહેરોના ભૌગોલિક પથારા એવડા મોટા થયા છે કે જે વિસ્તારમાં રહેતા કે કાર્યસ્થળ હોય એ સિવાય બહુ ઓછું ફર્યા હશું.
આમ તો આ સાધારણ વાત લાગશે. પણ મહિને એક વખત આ કરવા જેવું છે. ખોટું નથી કહેતો. આજે તો આપણી પાસે ગુગલ મેપ જેવી હાથવગી સગવડ છે. જ્યાં જવું હોય ત્યાં મેપ લોકેશન એક્સપ્લોર કરીને શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચી જઇને એ વિસ્તારમાં ફરવાની મજા આવશે.
જો આપણા શહેરમાં સિટી બસ સેવા હોય તો એમાં પણ એન્ડ ટુ એન્ડ ફરવાનો અનુભવ કરી જોજો. આવી રીતે તમે તમારા જ શહેરમાં નહીં ફર્યા હોય.
મારા જુના નવા અનુભવો:
બાળપણમાં મુંબઈમાં અમારા બિલ્ડિંગ સામે એક પારસી પરીવારના વડીલને એવો શોખ હતો કે વીસ બાવીસ બાળકોને મુંબઈ દર્શન કરવા લઇ જતા. એ સમયે પ્રથમ વખત બેલાર્ડ એસ્ટેટ, કોલાબા, વાલકેશ્વર વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ બાણગંગા મંદિર પરિસર મુલાકાત લીધી હતી. મારા પપ્પા અમને ભુલેશ્વર, કાલબાદેવી અને એવા જુના વિસ્તારમાં પગપાળા ફરવા માટે લઈ જતા.
જામનગરમાં રંગમતી નદીના કાંઠે (ત્યાં જવાનો રસ્તો સેન્ટ્રલ બેંકની સામેથી સાંકડી ગલીમાંથી પસાર થઈ નદીના કાંઠે) શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર કે એનાથી આગળ જતાં પૌરાણિક શિવાલય શ્રી મણિકર્ણિકેશ્વર મહાદેવ મંદિર ઘણી વખત ગયો છું.
અમદાવાદમાં સોલા ગામમાં અનાયસે જ પહોંચી ગયા હતા અને સોલા ગામમાં પોળ, ગામનો માઢ, કાષ્ઠ ચબુતરા અને મહાકાલી મંદિર. જાણે ગોળનું ગાડું મળી ગયું.
ગુગલ મેપની શોધખોળ વખતે અમદાવાદમાં શાહીબાગ ડફનાળા વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર નજીક સદીઓ જુનું શ્રી ખડગધારેશ્વર મહાદેવ મંદિર દર્શનનો લાભ લીધો હતો.
ભદ્ર વિસ્તારમાં નાનકડું મહારાષ્ટ્ર પણ વસેલું છે એમાં ફરવાની મજા છે. લાલ દરવાજા બસ સ્ટેન્ડ પાછળ થોડું ચાલતા આગળ છત્રપતિ મહારાજ શ્રી શિવાજી મહારાજનું સ્મારક છે અને પંઢરપુરના વિઠ્ઠલનાથજી મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિર છે.
આવું બધું તો છે જ. પણ આ ઉપરાંત ક્યારેક શહેરના જ આપણા માટે અજાણ્યા વિસ્તારમાં ફરીને એ વિસ્તારનું જાણીતું વ્યંજન માણવાની મજા છે. ભદ્ર વિસ્તારમાં વર્ષોથી પ્રખ્યાત ઉડુપી રેસ્ટોરન્ટ છે. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન વાનગીઓ.
આ એકવાર શરૂ કરવાની જરૂર છે. પછી આપોઆપ થયા કરશે.
નોંધઃ ફોટાઓ અમદાવાદમાં પાડેલા છે અને અલગ અલગ ફોટોગ્રાફરે ક્લિક કરેલા છે. દરેકની ક્રેડિટ એમની છે. મેં ફક્ત અહીં રજૂ કર્યા છે.
#આ_તો_એક_વાત #મજ્જાની_લાઈફ #મિતેષપાઠક #અનુભવોક્તિ #d202412 #exploremore #tourism #localtourism
Author: ભાગવત ભૂમિ
Hi