બોટાદ જિલ્લાના ગઢાડાના વિનોદભાઈ શિયાળની પ્રતિષ્ઠિત ગણાતા ચિત્રકૂટ એવોર્ડ માટે થઈ પસંદગી

 

તા.15મી જાન્યુઆરીએ તલગાજરડમાં યોજાશે સન્માન કાર્યક્રમ

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતા શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ માટે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શ્રી બ્રાન્ચ શાળા નં-6માં ફરજ બજાવતા ઉપ શિક્ષક શ્રી વિનોદભાઈ રૈયાભાઈ શિયાળની પસંદગી થતાં આગામી તા. 15 જાન્યુઆરી 2025 ના રોજ તલગાજરડાના ચિત્રકૂટ ધામ મુકામે પૂજ્ય મોરારિબાપુ તથા મહાનુભાવોના વરદહસ્તે ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
વિશ્વ વંદનીય મોરારીબાપુ દ્વારા દર વર્ષે જાન્યુઆરીના મધ્યમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા દીઠ શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરતા એક-એક શિક્ષકોને તલગાજરડા મુકામે ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરાતા હોય છે. આ વર્ષે બોટાદ જિલ્લામાંથી ગઢડા(સ્વા.) તાલુકાની શ્રી બ્રાન્ચ શાળા નં-6માં ફરજ બજાવતાં ભાષા શિક્ષકશ્રી વિનોદભાઈ રૈયાભાઈ શિયાળની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થઈ છે. તેમોની ઉત્કૃષ્ઠ કામગીરીની શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી છે. જે અભિનંદનને પાત્ર છે.
આ દિવસે તલગાજરડાના ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને રાજ્યના 34 પ્રાથમિક શિક્ષક ભાઈઓ-બહેનોને પૂજ્ય મોરારિબાપુ દ્વારા આ એવોર્ડ આપીને ભાવ વંદના કરવામાં આવશે. રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે. જેમાં દરેક જિલ્લામાંથી આવેલ શ્રેષ્ઠ શિક્ષકોની ફાઇલમાંથી રાજ્ય પસંદગી સમિતિ દ્વારા મહોર મારવામાં આવે છે. ચિત્રકૂટ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને મોરારિબાપુ દ્વારા પ્રત્યેકને 25000/-રૂપિયાનો ચેક, કાળી કામળી, સૂત્રમાળા, રામનામી તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવે છે. સાથે પૂજ્ય સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરવામાં આવે છે.
બોટાદ જિલ્લામાંથી વિનોદભાઈ શિયાળની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. તેઓ છેલ્લા 24 વર્ષ શિક્ષણનો ભેખ ધારણ કરીને ઉત્તમ શૈક્ષણિક કાર્યની સાથે-સાથે અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહ્યા છે. તેઓને આ વર્ષે ગુજરાત સીને મીડિયા એવોર્ડ, તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક સન્માન, ધ ઓપન પેઇજ સન્માન, ગુરુ વંદના સન્માન, સમન્વય ગોષ્ઠી સન્માન, સમાજ ગૌરવ એવોર્ડ, તાલુકા શ્રેષ્ઠ શાળા(ભારોલી પ્રા. શાળા) જેવા અનેક એવોર્ડ તેમને મળી ચૂકેલ છે. આ ઉપરાંત અમદાવાદ પારિજાત એવોર્ડમાં પણ તેઓ આ વર્ષે પસંદગી પામેલ છે. તેમની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થતા બોટાદ જિલ્લા પ્રાથમિક સંઘ તેમજ ગઢડા તાલુકા પ્રાથમિક સંઘ અને અન્ય શિક્ષણપ્રેમી મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા છે.
પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે તેને સાર્વત્રિક કહેવત કનિષ્ઠ બનાવવા ના પ્રયાસમાં પોતાને ફાળે આવેલી કર્તવ્ય પાલનમાં નિસ્વાર્થ શ્રી ફાળો આપે યોગદાન આપનાર પ્રાથમિક શિક્ષકો સાચા શિલ્પીઓ છે ત્યારે પૂજ્ય મોરારીબાપુ દ્વારા પ્રતિ વર્ષ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને એનાયત થાય છે.આ એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવંતો અને મૂલ્યવાન ગણય છે.

Leave a Comment

Read More