વિકસિત ભારત સંકલ્પ યાત્રા – અમદાવાદ જિલ્લો
‘વર્લ્ડ સોઇલ ડે’ નિમિતે પ્રાકૃતિક ખેતી પર વક્તવ્ય યોજાયું, બાળકોએ નાટક દ્વારા ‘ધરતી બચાવો’નો મેસેજ આપ્યો
દેશભરમાં છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાના ઉમદા ધ્યેય સાથે સમગ્ર દેશમાં ‘સરકાર આપના દ્વાર’ સૂત્ર સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ચાલી રહી છે ત્યારે આજે જિલ્લાના ધોળકા તાલુકાના ખાત્રીપુર ગમે વિકસિત ભારત રથ પહોંચ્યો હતો જ્યાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
આજે ‘વર્લ્ડ સોઇલ ડે’ હોવાથી આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી પર વક્તવ્ય યોજાયું હતું. આ તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદના શ્રી ડો. ભરત પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતી મુદ્દે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત બાળકો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ વિષય પર સુંદર નાટક રજૂ કર્યું હતું. આ નાટક વડે બાળકો દ્વારા ગ્રામજનોને ધરતી બચાવોનો સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો.
આ યાત્રા પ્રસંગે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઉજ્જવલા યોજના, ખેતીવાડી યોજના જેવી અનેક યોજનાઓ વિશે માહિતગાર કરી લાભો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા.
વધુમાં, પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થી તથા મહિલાઓનું સન્માન પણ કરાયું હતું. લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રતિભાવ આપ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી, ધોળકા એપીએમસીના ચેરમેનશ્રી, ધોળકા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પંચાયતના સદસ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.