પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડ મેળવી ઓલપાડ તાલુકાનું નામ રોશન કરતાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતા

(સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપુનાં હસ્તે રાકેશ મહેતા સહિત રાજ્યનાં કુલ 35 શિક્ષક ભાઈ-બહેનો સન્માનિત)

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન આજરોજ ચિત્રકૂટ ધામ, તલગાજરડા કેન્દ્રવર્તી શાળા તા. મહુવા જી. ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. વર્ષ 2000 થી શરૂ કરાયેલા આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજ્યનાં 33 જિલ્લા તથા 2 નગરપાલિકા મળી કુલ 35 પ્રાથમિક ભાઈ-બહેનોને એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રાજયકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ તથા સ્થાનિક અધિકારી-પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
દરેક જિલ્લામાંથી એક પ્રાથમિક શિક્ષકને પ્રતિવર્ષ આ એવોર્ડ અપવામાં આવે છે. જે પૈકી સુરત જિલ્લામાંથી પુરસ્કૃત શિક્ષક તરીકે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાની પસંદગી થવા પામી હતી. જેમને સદર સમારોહમાં સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપુનાં વરદ હસ્તે પ્રશસ્તિપત્ર, 25 હજારની ધનરાશિ, કાળી કામળી, સૂત્રમાલા તેમજ રામનામી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સાથે પૂજ્ય સીતારામબાપુ અધેવાડા દ્વારા પણ આ પ્રતિભાવંત શિક્ષકને શાલ તથા સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ચિત્રકૂટ એવોર્ડ મેળવી ઓલપાડ સહિત સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કરનાર રાકેશ મહેતાને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તેમજ જિલ્લા સંઘનાં હોદ્દેદારો, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર ઉપરાંત બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ સહિત મિત્રમંડળે તેમની ઝળહળતી ઉપલબ્ધિને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Leave a Comment

Read More