આ કેસની ખરી હકીકત જોતા ફરિયાદી રમેશભાઈ લવાભાઈ સોલંકી કે જે જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા હોય અને પ્રસંગોમાં રસોઈ બનાવવાનું કામ કરતા હોય અને ફરિયાદી રમેશભાઈ લવાભાઈ સોલંકી તારીખ:-૦૫/૦૩/૨૦૨૪ ના ભાડલા ગામના કેશુભાઈ લીંબાભાઇ મેટાળીયાના દીકરાના લગ્નમાં સવારે ૫:૦૦ રસોઈ બનાવવા ગયેલ અને તે જ દિવસે ઘરના અન્ય સભ્યો કમળાપુર ગામે લગ્ન પ્રસંગમાં ગયેલ હતા જેથી ઘરે કોઈ જ ન હતું.આમ ફરિયાદીએ જ્યાં રસોઈનું કામ રાખેલું હતું તે બપોરના ૨:૦૦ વાગ્યાની આસપાસ પૂરું થઈ જતા ફરિયાદી કપડાં બદલાવવા માટે આશરે બપોરે ૨:૧૫ વાગે પોતાના ઘરે પહોંચતા જોયું તો ઘરની ડેલીના દરવાજામાંથી જસદણ તાલુકાના કડુકા ગામનો આરોપી કાળુ ઉર્ફે કાળીયો ઉર્ફે ધીરુ સુરાભાઈ વાધેલાને ડેલીમાંથી નીકળતા જોયેલ તો ફરિયાદી દ્વારા આરોપીને રોકવાનો પ્રયત્ન કરેલ તો આરોપીએ ફરીયાદીને ડીસમીસ મારેલ અને ત્યાં રાખેલ જી.જે.૦૩-બી.ડી.૨૫૮૯ નંબરવાળુ મોટર સાયકલ લઈને ફૂલ સ્પીડે નીકળી ગયેલ.
આમ ફરિયાદી દ્વારા પોતાના ઘરમાં જોતા ઘરવખરીનો સામાન વેર વિખેર પડેલો હતો અને તિજોરીનો દરવાજો ખુલ્લો જોતા તેમાં રાખેલ એક જોડી સોનાની બુટ્ટી આશરે ૪ ગ્રામની જેની કિંમત આશરે ૧૫૦૦૦/- અને સોનાની ૨ ગ્રામ વીંટી જેની કિંમત આશરે ૭૦૦૦/- તથા રોકડ રૂપિયા ૯૦,૦૦૦/- આમ કુલ મળી રકમ ૧,૧૨,૦૦૦/- ની ચોરી આરોપી દ્વારા કરવામાં આવેલ.
આમ ફરિયાદી દ્વારા તથા તેમના દીકરા જયદીપ અને મિત્રો તથા ગામના લોકો દ્વારા આરોપીને શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ આરોપી મળી આવેલ નહીં.જેથી ફરીયાદી રમેશભાઈ લવાભાઈ સોલંકી દ્વારા ભાડલા પોલીસ સ્ટેશન ખાતે તારીખ:-૧૦/૦૩/૨૦૨૪ ના રોજ ફરિયાદ લખાવે છે.
આ ભાડલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રી અને પોલીસ કર્મચારીશ્રીઓ દ્વારા ચક્રો ગતિમાન કરી સક્રિય બની સઘન અને કડક તપાસ કરતા આરોપીને કાળુ ઉર્ફે કાળીયો ઉર્ફે ધીરુભાઈ વાધેલાને ગણતરીની કલાકોમાં જ પકડી પાડેલ અને જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન એડી.સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસશ્રી વી.એ.ઠક્કરની કોર્ટમાં રજુ કરી પોલીસે રીમાન્ડ માંગેલ અને નામદાર કોર્ટ દ્વારા તારીખ:-૧૨/૦૩/૨૦૨૪ અને બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલ. આમ ત્યારબાદ આરોપીના વકીલશ્રી દ્વારા જામીન અરજી મુકેલ અને કોર્ટે જામીન અરજી નામંજૂર કરી આરોપીને જેલ હવાલે કરેલ.
આમ તારીખ:-૨૪/૦૪/૨૦૨૪ ના રોજ પોલીસ અધિકારીશ્રી દ્વારા નામદાર મહેરબાન એડી.સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કરની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને ત્યારબાદ કોર્ટ કેસ ચાલેલ અને ફરિયાદી પક્ષે સરકારી વકીલ શ્રીમતી કે.એમ.ચૌધરીએ નામદાર સમક્ષ બનાવની સાચી હકીકત કોર્ટ સમક્ષ મૂકી અને ધારદાર દલીલો કરેલ અને બચાવ પક્ષના વકીલશ્રી દ્વારા આરોપીને બચાવવા માટેની દલીલો કરેલ.આમ નામદાર જજશ્રીએ બંને પક્ષની દલીલો અને આધાર પુરાવોને ધ્યાને લઈ જસદણના નામદાર મહેરબાન એડી.સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસશ્રી વી.એ.ઠક્કર દ્વારા સરકારી વકિલશ્રી શ્રીમતી કે.એમ.ચૌધરીની દલીલોને ગ્રાહય રાખી આરોપીને આઈ.પી.સી. ની કલમ ૩૮૦ ના ગુનામાં તથા આઇ.પી.સી. ની કલમ ૪૫૪ ના ગુનામાં તસ્કરીવાન ઠરાવવામાં આવેલ અને ફોજદારી કાર્યરીતી સંહિતા ૧૯૭૩ ની કલમ ૨૪૮(૨) અન્વયે બંને કલમો આધારિત ત્રણ – ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારે અને બંને કલમો અનુસાર ૫૦૦૦/- + ૫૦૦૦/- નો દંડ કરવામાં આવેલ અને દંડ ન ભરે તો બંને કલમ અનુસાર કુલ બે માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ.
આમ કોર્ટમાં કેસ કુલ ૮ માસ અને ૭ દિવસ સુધી ચાલેલ અને ઉપરોક્ત બંને કલમો આધારીત આરોપીને એકીસાથે કુલ ત્રણ વર્ષની સખત સજા ભોગવવાનો અને કુલ ૧૦,૦૦૦/- રકમનો દંડ ભરવાનો હુકમ જસદણના નામદાર મહેરબાન એડી.સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસશ્રી વી.એ.ઠક્કર દ્વારા ખુલ્લી અદાલતમાં સંભળાવવામાં આવેલ.
Author: ભાગવત ભૂમિ
Hi