શાસ્ત્ર અનુસાર માંસાહાર એક વ્યસન

Ø  મનુષ્યનાં શરીરની રચના જ શાકાહારી પ્રાણી તરીકે થઇ છે.

શાસ્ત્રમાં માંસાહારને એક વ્યસન ગણવામાં આવ્યું છે, શાકાહારી ખોરાક ગાયનાં દૂધ, બદામ અને ટોફૂમાંથી બી૧૨, સોયાબીનમાંથી પ્રોટીન અને સૂર્યનાં તડકામાંથી વિટામીન ડી સરળતાથી મળી રહે છે. આહાર એ માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ એ આહાર શાકાહાર કે માંસાહાર ? તે નક્કી કરવું એ એકવીસમી સદીની વૈશ્વિક જરૂરિયાત જણાય છે. માનવજીવનના વ્યક્તિગત અને વૈશ્વિક રક્ષણ માટે માંસાહાર નાબૂદ થવો એ એટલું જ આવશ્યક છે શા માટે ? જેના કેટલાંક વૈજ્ઞાનિક કારણો છે :

મનુષ્યના શરીરની રચના શાકાહારી પ્રાણી તરીકે જ થયેલી છે. મનુષ્યનાં પંજામાં નહોર હોતા નથી, મનુષ્યને અન્ન ચાવવા માટે સાધારણ દાંત હોય છે. માંસાહારી પ્રાણીનાં આંતરડાં ટૂંકાં હોય છે જ્યારે શાકાહારી પ્રાણીનાં આંતરડાં ખૂબ લાંબાં હોય છે, કારણ કે માંસાહારી પ્રાણીને માંસ પચાવવાનું હોતું નથી એટલે તરત જ શરીરની બહાર નિકાલ થઈ જાય છે જયારે શાકાહારી મનુષ્ય માંસાહાર કરે ત્યારે તેના આંતરડાં લાંબાં હોવાથી માંસનો સંપૂર્ણ નિકાલ થઈ શકતો નથી. આંતરડાના ખૂણામાં ફસાયેલું માંસ સડે છે. પરિણામે કબજિયાતથી લઈને આંતરડાનું કેન્સર જેવા જીવલેણ રોગો થાય છે. આવા અનેક તફાવતોને કારણે પ્રાકૃતિક રીતે મનુષ્ય શાકાહારી પ્રાણી તરીકે સિદ્ધ થાય છે. નોબલ પ્રાઈઝ વિજેતા પ્રસિદ્ધ નાટ્યકાર જ્યોર્જ બનાર્ડ શોને કોઈકે પૂછયું કે તમે શા માટે માંસાહાર નથી કરતા ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે ‘‘મારું પેટ એ મડદાં દફનાવવાનું કબ્રસ્તાન નથી.’’

માનવ શરીર તંત્ર લાગણીયુક્ત પ્રાણીને ગ્રહણ કરી શકતું નથી, કારણ કે જ્યારે કતલખાનામાં ગાય, મરઘી જેવા લાગણીયુક્ત પ્રાણીઓને મારવા માટે લાવવામાં આવે છે ત્યારે તેમાં ભયની લાગણી જન્મે છે. જે લાગણી તેના શરીરમાં એડ્રીનલ ગ્રંથી દ્વારા ઝેરી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. પછી જ્યારે માણસ તે ખાય છે ત્યારે તેની સીધી અસર માનવીય સ્વભાવ ઉપર પડે છે; પરિણામે માંસાહાર કરનાર વ્યક્તિ ક્રોધી, લાગણીહીન, હિંસક, ભયાનક અને ઝનૂની બનતો જાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે ‘‘માંસાહાર એ તમોગુણી આહાર છે. તમોગુણી આહાર કરનાર વ્યક્તિનો સ્વભાવ તમોગુણી બની જાય છે.’’

જ્યાં માંસાહારનું પ્રમાણ વધારે હોય ત્યાંથી જ રોગચાળા ઉત્પન્ન થાય છે. ઈશ્વરે શાકભાજી, ફળો અને અનાજ પૃથ્વી પરના તમામ જીવોનું પાલન પોષણ થાય તે માટે જ બનાવ્યા છે. તે માટે આ બધી સત્ય વાતોને સમજીને માંસાહારનો ત્યાગ કરીને શાકાહાર તરફ વળવું જોઈએ.

–         ડૉ. ગિરીશ શાહ

Leave a Comment

Read More