વિક્રમની ૧૫ મી સદી એટલે કે વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત પર સુલતાન જાફર મોહમદની આણ વર્તાતી હતી. ત્યારે જુનાગઢ પર કુંવર મહિપાળનું શાસન ચાલતું હતું. ચંદ્રએ આરાધેલા સોમનાથ મહાદેવ પર રા‘મહિપાલને તથા રાણી મિનલદેવીને અનન્ય શ્રદ્ધા હતી. સુલ્તાન જાફર સોમનાથ પર ચઢી આવે છે એવી જાણ થતાં રા’એ તમામ શાખાના ક્ષત્રિયોને સોમનાથની સખાતે ચઢતા કહેણ મોકલ્યા.
લાઠીથી નોંઘણજી ગોહિલના પુત્ર હમીરજી ગોહિલ પોતાના કારભારી વેણીદાસ ગોરડિયા (કપોળ વણિક)ને સાથે લઇ સોમનાથની વ્હારે ચાલી નીકળ્યા. સોમનાથને રસ્તે જતાં કુંવર હમીરજી સાથે ગોરડકાથી ત્રીસ ધોડેસ્વારો જોડાયા. વેણીદાસ ગોરડિયાના ચારેય પુત્રો ગોગન, ઘેલો, ગોઈયો અને કરશનજી તેમજ વેજલ ભટ્ટ અને મેહુર ભરવાડ પણ હમીરજી સાથે સોમનાથના રક્ષણ કાજે નીકળી પડ્યા. સૌ ક્ષત્રિય સોમનાથની વાટે જઇ રહ્યા હતા.
પ્રભાસના ગોંદરે જુનાગઢના રાજવી, વળાના ક્ષત્રિયો, ચુડાસમાઓ વગેરે ક્ષત્રિયો, ‘સોમનાથ દાદા‘ ને પોતપોતાના પ્રદેશમાં ખસેડી જવાની વાતો કરી રહ્યા હતા. તે દરમ્યાન ‘હિરાગરજી’ સામા મળ્યા. તેમણે કહ્યું કે “હું પ્રભાસથી આવું છું ‘સોમનાથ દાદા’એ મને સ્વપ્નમાં કહ્યું છે કે ‘સોમનાથ પાલખીએ ચઢે-આગળ પોઠિયો પડે-જયાં જયાં પોઠિયો જાય ત્યાં ત્યાં દાદો જાય, પોઠિયો બેહક પડે ત્યાં સ્થાપન થાય‘ (અસલ ભાષામાં) (અર્થાત સોમનાથ લિંગને પાલખીમાં પધરાવવું, આગળ તેમનો પોઠિયો ચાલે અને તેની પાછળ પાલખી ચાલે, પોઠિયો જ્યાં બેસી જાય ત્યાં લિંગનું સ્થાપન થાય.)
હિરાગરજીની આ વાત સૌને ગળે ઉતરી, અને સૌએ કહ્યું કે ‘“ભલે ભલે ‘સોમનાથ દાદા’ની મરજી હોય ત્યાં જાય.’’ ત્યાર પછી બધા પ્રભાસ પહોંચ્યાં. “દાદા”ની પાલખી તૈયાર કરાવી, ‘“દાદા’”ની બાણને (લિંગ)ને પાલખીમાં પધરાવ્યું. જ્યારે સુલ્તાનને “દાદા”ની પાલખી “ગોરડકે” પહોંચ્યાના વાવડ મળ્યા ત્યારે તેના સૈન્યે ગોરડકાને ઘેર્યું. આ વખતે ધિંગાણું થયું. તેમાં ગોઇયો (વેણીદાસ ગોરડિયાનો દીકરો) મરાયો, તેની યાદમાં ગોરડકામાં વાવ પાસે તેની ખાંભી કરવામાં આવી. આ વાવને “ગોઇયાની વાવ” કહેવામાં આવે છે જે હાલ પણ મોજુદ છે,
“સોમનાથ દાદા’”ની પાલખી આગળ ને આગળ નીકળી ગઇ છે, તેવા વાવડથી સુલતાન તેની પાછળ પડયો. ગોરડકાથી ચાલીશ કોશ દૂર ભડલી અને માલગઢના માર્ગે પાલખી પહોંચી ત્યાં સુલ્તાનનું સૈન્ય જઇ પહોંચ્યું. આ વખતે ચુડાસમાનું રક્ષકદળ જે પાલખીની ફરતે ચાલતું હતું તેમાં ઘેલો ગોરડિયો પાલખીમાંથી કૂદી પડ્યો. પાલખી આગળ વધતી ચાલી, ઘેલો ગોરડિયાની સરદારી હેઠળ સુલ્તાનના સૈન્ય સાથે આઠ દિવસ સુધી ધિંગાણું ચાલ્યું…
“ગોમન, ઘેલો, ગોઇયો, કરશન, વેજલ ભટ્ટ …
સોમનાથ, શરણે ગયા, રાખી ધારિયા વાટ….”
જ્યારે એક બાજુ ધીંગાણું ચાલતું હતું ત્યારે બીજી બાજુ ભડલી અને માલગઢથી બે કૌશ દૂર ‘‘પોઠિયો’’ બેહક પડ્યો. ત્યાં આગળ તે જ જગ્યાએ ભગવાન સોમનાથનું સ્થાપન વેજલ ભટ્ટે કરાવ્યું અને પૂજા ભણાવી. ઘેલા ગોરડિયાને અમર બનાવવા આ સ્થાનકને “ઘેલા સોમનાથ”નું નામ આપવામાં આવ્યું. ઘેલા સોમનાથની સ્થાપનાના દિવસોમાં સુલ્તાનના સૈન્યના વેરણછેરણ થયેલા સૈનિકો ત્યાં ચઢી આવ્યા અને ત્યાં જ ધિંગાણું થયું. તેમાં વેજલ ભટ્ટ મરાયા. આ વખતે દાદાના બાણ ઉપર પણ તલવારના પ્રહારો પડ્યા હતા. જે આજે પણ શિવલીંગ પર કળાય છે.
Author: ભાગવત ભૂમિ
Hi