ભાજપનું શાસન કોંગ્રેસની જેમ ૭૦ વર્ષ સુધી રહેશે?

કોણ જાણે મને એમ કેમ લાગે છે કે આ પ્રશ્નકર્તા ભાજપનાં શાસનથી દુઃખી છે અને એમ જતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કોંગ્રેસે જે ૭૦ વર્ષ શાસન કર્યું તે ભારતનો સુવર્ણકાળ હતો અને ભાજપના આ કટાક્ષભર્યા શાસનનું આયુષ્ય કેટલું છે એવો એમનો ગર્ભિત પ્રશ્ન છે?

જે ઉદ્દેશ હોય તે, હું જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. જવાબની શરુઆતમાં એ ચોખવટ કરવી જરુરી છે કે કોંગ્રેસે ૭૦ વર્ષ સુધી શાસન કર્યું તે બહુ મોટી ગેરમાન્યતા છે. માટે જો તમે કોંગ્રેસના ચાહક હોવ અને તે પક્ષના આ છેલ્લા ૬.૫ વર્ષથી સત્તાની બહાર રહેવાથી વ્યથિત થયા હોવ તો જરા તમારી જાતને સાંત્વના અપજો કે આવું ભારતની આઝાદી પછી પહેલી વખત બન્યું નથી. ભારતની આઝાદી વખતે ૧૯૪૭માં જે સરકાર બની તેને લોકશાહીની સરકાર ન કહી શકાય કેમકે તે અંગ્રેજોએ નિમેલી અને કોંગ્રેસ પક્ષે ઘડેલી સરકાર હતી. ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીને દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પછી પહેલી ચૂંટણી ૧૯૫૨માં (ચૂંટણી શરુ થઈ હતી ૧૯૫૧ના અંતમાં પણ પતી ફેબ્રુઆરી ૧૯૫૨માં) સંપન્ન થઈ અને કોંગ્રેસની જનતા વડે ચુંટાયેલી સરકાર સૌપ્રથમ વખત ૧૯૫૨માં બની અને ૧૯૭૧ની ચૂંટણી સુધીની પાંચેય ચૂંટણીઓમાં બહુમતિ મેળવી ને કોંગ્રેસ પક્ષ સરકાર રચતો રહ્યો, એટલે કે કુલ ૨૫ વર્ષ સુધી સતત રાજ કર્યું. જો કે આ પચીસ વર્ષ પૈકીના છેલ્લા પોણા બે વર્ષ (૨૧ મહિના) શ્રીમતિ ઇંદિરા ગાંધીએ લાદેલી ઇમરજન્સીના હતા એટલે ખરા અર્થમાં તો કોંગ્રેસ પક્ષે ૨૩ વર્ષ જ રાજ કર્યું એમ કહેવાય, પણ આપણે એ ૨૧ મહિના પણ જનતાની સહમતિથી રાજ કર્યું એમ ગણી લઈએ તો કુલ ૨૫ વર્ષનું આ લગાતાર શાસન હતું. ૧૯૭૭માં જે ચૂંટણી યોજાઈ તેમાં જનતા પાર્ટીને મહુમતિ મળી અને તે પક્ષે ૧૯૮૦ સુધી શાસન કર્યું. આ જનતા પાર્ટીને કોંગ્રેસ સાથે કોઈ સાંઠગાંઠ કે નહાવા-નિચેવવાનો પણ સંબંધ નહોતો એટલે એ ત્રણ વર્ષનું શાસન કોંગ્રેસનું ગણી ન શકીએ. ૧૯૮૦ અને ૧૯૮૪માં જે ચૂંટણીઓ યોજાઈ તેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળી હતી એટલે એ નવ વર્ષ કોંગ્રેસનાં શાસનમાં ઉમેરી શકીએ અને પરિણામે કોંગ્રેસનું એકહથ્થુ શાસન કુલ ૩૪ વર્ષનું થયું. ત્યાર બાદની બે લોકસભાઓ (૧૯૮૯ અને ૧૯૯૧)માં અને ત્યારથી માંડી ને આજ સુધીની કોઈ પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતિ મળી નથી એટલે ખરા અર્થમાં તો કોંગ્રેસનું શાસન ફક્ત ૩૪ વર્ષનું જ ગણી શકાય. પરંતુ કોંગ્રેસ પક્ષે અન્ય પક્ષોના ટેકાથી કે ભાગીદારીથી ૧૯૮૯-૯૬ અને ૨૦૦૪-૧૪ એમ કુલ ૭+૧૦=૧૭ વર્ષ મિશ્ર સરકારો બનાવી ને ભારત દેશમાં શાસન કર્યું. આમ સરવાળે કુલ તો ૫૧ વર્ષનું શાસન કોંગ્રેસનું કહી શકાય ૭૦ વર્ષ નહિ.

હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી/પક્ષ (ભાજપા/ભાજપ)ની, તો ભાજપે ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯ એમ ત્રણ વખત થયેલી ચૂંટણીમાં અન્ય પક્ષોના ટેકા/ભાગીદારીથી સરકાર રચી હતી જે ૨૦૦૪ સુધી ચાલી, આમ ભાજપનો પ્રથમ શાસનકાળ ૮ વર્ષનો ગણાય અને હાલમાં ૨૦૧૪થી ભાજપ સ્પષ્ટ બહુમતિથી બે ચૂંટણીઓ જીત્યો છે, ૨૦૧૪ અને ૨૦૧૯, માટે આજે ૨૦૨૧ના અંત સુધીમાં આ સરકારના ૭ વર્ષ એ પેલા ૮ વર્ષમાં ઉમેરીએ તો ભાજપનો કુલ શાસનકાળ ૧૫ વર્ષનો થયો કહેવાય.

મનુષ્યનો સ્વભાવ છે કે તેને વારંવાર બદલાવ જોઈએ છે માટે જ દર ૧૦-૧૫ વરસે આપણી જનતા સરકારો બદલતી આવી છે. ભાજપના (મોદી સરકારના) છેલ્લા સાત વર્ષના શાસનથી ભારતની મોટા ભાગની જનતા ખુશ છે કેમકે આ સરકારે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. લોકો ભાવવધારાની જે ફરિયાદ કરે છે તે દરેક સરકારમાં થતી આવી છે, વિશ્વના દરેક દેશમાં ભાવવધારો થતો જ રહે છે અને થતો રહ્યો છે. ભારત દેશ કોઈ અપવાદ નથી. કોરોના મહામારી એ દુનિયા આખીનું અર્થતંત્ર ખોરવી નાખ્યું છે તેમાં ભારત જેવા દેશની આજની હાલત ભલે તમે સ્વીકારો કે ન સ્વીકારો વિશ્વના ધનાઢ્ય દેશો કરતા ઘણી સારી છે. હાલની ભાજપની સરકારે, આપણા વડાપ્રધાને અને તેમના આખા મંત્રીમંડળે તથા ભારત દેશના ઔષધનિર્માણક્ષેત્રના ઉદ્યોગો અને તબિબિક્ષેત્રના લોકોએ કોરોનાકાળમાં લોકોની શક્ય તેટલી બધી જ કાળજી લીધી છે. ભારત દેશમાં જો લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે તો દુનિયાનો એક દેશ એવો બતાવો જ્યાં લોકોએ જીવ ન ગુમાવ્યા હોય. માટે કોરોના જે કુદરતી અને મનુષ્યની પહોંચ બહારની આફત છે તેનું સુપેરે નિયંત્રણ કરવા બદલ આ સરકારને જશ આપવો જ જોઈએ.

આવી સુઘડ અને સ્વચ્છ વહિવટ કરતી સરકાર ૨૦૨૪ અને ૨૦૨૯ એમ હજુ બીજા બે સત્ર માટે ચુંટાવી જોઈએ. દેશમાં જે લોકો કાળુનાણું ૨૦૧૪ પહેલા સહેલાઈથી કમાઈ લેતા હતા, વેપાર-વાણિજ્યમાં કરચોરી કે કરબચત કરી લેતા હતા તેઓ જ અત્યારે સરકારની હાયહાય કરે છે કેમકે હવે તેમણે કાયદેસર નોકરિયાત વર્ગની જેમ પોતાની આવક પર સમકક્ષ નોકરિયાત જેવો કર (ટેક્સ) ભરવો પડે છે. જે વ્યક્તિએ આજીવન નોકરી જ કરી હોય અને એના પગારમાંથી દર મહિને આવકવેરો (ઇન્કમ ટેક્સ) કપાઈ જતો હોય શું તે મધ્યમવર્ગની વ્યક્તિને આ નવી નીતિ નહિ ગમતી હોય જેમાં ધંધાદાર પણ એના જેટલો જ ટેક્સ ભરે છે? નાગરિક સમાનતાનો આ યુગ જે વિશ્વ આખામાં છે, વિશ્વના વિકસિત દેશોમાં ધંધો હોય કે નોકરી કરચોરી કરવાનો અવકાશ હોતો નથી, સરકારને દરેકની આવકમાંથી યથોચિત કર મળતો જ હોય છે અને માટે જ તે દેશની સરકારો એમની આમજનતા માટે લોકકલ્યાણના કાર્યો કરી શકે છે અને એમ જ તેઓ સમૃદ્ધ થયા છે. ભારત દેશમાં પણ જો ૧૫-૨૦ વર્ષ સુધી સૌકોઈ નીતિમત્તાથી કર ભરતા રહે તો આપણા દેશનો પણ સુવર્ણકાળ દૂર નથી.

તો મારા ભાઈ, કોંગ્રેસની ચિંતા છોડો, એ પક્ષની આવરદા હવે ખૂટી ગઈ છે. આ સરકાર જે પ્રમાણિકતાથી કામ કરી રહી છે તેને સાથ અને સહકાર આપો અને આશા રાખો કે આ જ ભાજપ થોડો લાંબો સમપ સત્તામાં રહે. એમાં જ તમારું અને તમારી ભાવી પેઢીનું ભલું છે. બાકી હું કોઈ ભવિષ્યવેત્તા તો છું નહિ કે જણાવી શકું કે ભાજપ ૭૦ કે પછી કોંગ્રેસની જેમ ૫૧ વર્ષ શાસન કરશે કે નહિ.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More