ને પાછા બેશરમ બોર્ડ લગાડ્યા છે “ભયજનક ખાડો”. ને એમાં લખ્યું છે કે “રાહદારીઓએ અહીં આવવું નહિ ને એમને કંઇ પણ થશે તો અમારી જવાબદારી રહેશે નહિ ! ” લે કેમ વળી ? બાજુમાં ભરચક્ક ટ્રાફિકવાળા રસ્તા છે. જવાબદારી તો જે બાંધકામ કરે એની જ હોય ને ના સમજે તો કાન પકડીને કૂકડા બનાવીને તંત્રે કાયદાઓ ભણાવવાના હોય એમને. પછી કાગારોળ કરે બધા કે યુવાધન વિદેશ જતું રહે છે. આવી રીતે સરેઆમ દિવસો સુધી ન્યુયોર્ક, પેરિસ, ટોકિયો, શિકાગો, બર્લિન, લંડન, વિએના, સિંગાપોર, મિલાન, મેલબોર્ન, દુબઈ અરે ક્યાંય પણ ખુલ્લું ખોદકામ કદી જોયું નથી. આવી ચાલુ બાંધકામની સાઈટ ફરતી ફરજિયાત ફેન્સિંગ હોય. મોટી ઇમારતો ઉપર પણ કપડાં હોય. ક્યારેક તો સુશોભન સાથે આખી સાઈટ જ ઢાંકી દેવાઈ હોય. આમાં તો ગરમીમાં રોજ ધૂળ ઉડ્યા કરે. રાતના ખાડો દેખાય પણ નહી ત્યારે શું અક્ષરોમાં રોશની થવાની છે ? ને ભૂલ તમારી ને પડી જાય કોઈ રાહદારી તો એની જવાબદારી ! હદ છે ને ! પબ્લિકને મોજમસ્તીથી શૃંગારિક રીતે ઓછાં ને આછા વસ્ત્રો પહેરતી યુવતીઓ અશ્લીલ લાગે છે. ( યુવતીઓ જ. યુવકો નહી ! ) આમાં ચોખ્ખી નાગાઈ નથી દેખાતી બેફિકરાઈ, ગુમાન અને મિલીભગતની ! કોઈક હીરોઈનનું પોસ્ટર કોઈને નડે નહી એવી જગ્યાએ લાગ્યું હોત તો સંસ્કૃતિના નામે હોબાળો કરી નાખત ટોળા. અહીં આવા પાટિયાં જોખમી રીતે લાગેલા છે ત્યાં કાળો કાગડો ય વિરોધ કરવા ફરકતો નથી. આ જ છે ખરો ભયજનક ખાડો જે નીંભર લોકોની ખોપરીમાં પડી ગયો છે !
~ *જય વસાવડા* #JV