Search
Close this search box.

Follow Us

મનોરંજનનો અધૂરો સમંદર..!

*

 

-જનકસિંહ ઝાલા

ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રયોગોની હારમાળા સર્જાઈ રહી છે. હોલીવુડ અને બોલીવુડ બાદ હવે તો સાઉથની ફિલ્મોની કથાઓને પરિપ્રેક્ષ્યમાં રાખીને બીગ બજેટની ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે. જેનો હિસ્સો સારી સ્ટારકાસ્ટ ઉપરાંત આલા દરજ્જાના ગાયકો પણ રહે છે, તેમ છતાં મનોરંજનના નામે જે થાળી દર્શકો સમક્ષ પીરસવામાં આવે છે તે ક્યારેક ‘અપચો’ ઉભો કરે છે.

 

રાજકોટની જ કેપી(કલ્પેશ પલાણ) અને યુડી(ઉદયરાજ શેખવા)મોશન પિકસર્ચની ફિલ્મ જ લઈ લો જે સિનેપડદે રજૂ થઈ ચૂકી છે. ‘સમંદર’ના નામે એમણે ખોબામાં દરિયો આપવાનો પ્રયાસ અચૂક કર્યો છે પરંતુ એની ખારાશ સિનેમાહોલમાં બેઠેલા મોટાભાગના દર્શકોના ગળેથી નીચે ઉતરી શકતી નથી. ફિલ્મમાં લેખનનું પાસુ સૌથી નબળુ હોવાથી, મૂળ વાર્તા અને તેની સાથે જોડાયેલી પટકથાઓના તાણાવાણા મળતા નથી, જોનારને ઘડી બે ઘડી એવું લાગે કે, બોલીવુડની ‘ગુન્ડે’ ફિલ્મની ગુજરાતી રિમેક છે કે શું ?

 

પ્રથમ હાફ સુધી તો નક્કી જ થઈ શકતું નથી કે, આ ‘સમંદર’ નામનું જહાજ દરિયાની ઉતર, દક્ષિણ, પૂર્વ કે પશ્વિમમાંથી કઈ દિશામાં ચાલી રહ્યું છે અને એની અંદર શુ માલસામાન ભરેલો છે. આશરે 3 કલાકનો લાંબો લચક દરિયો ખેડવા છતાં આ જહાજ દર્શકોના માનસપટલ ઉપર સફળતાપૂર્વક લાંગરી શકાતું નથી. દિગ્દર્શક વિશાલ વડા વાળા અને સ્વપ્નીલ પાસે લેખનમાં હજુ ઘણા સંશોધનનો અવકાશ હતો જે ફિલ્મને છેક સુધી દર્શકોને જકડી રાખવામાં સફળ રહ્યો હોત પરંતુ આ મુદ્દેઁ નિરાશા હાથ લાગી છે.

 

વિશાલે મનોરંજનની નવી ક્ષિતિજો સર કરવા પૂરતા પ્રયત્નો કર્યા છે જો કે, ફિલ્મમાં નરમ અને ગરમનું માપ કરવામાં એકથી વધુ વાર તેમનો તોલકાંટો બેલેન્સ ગુમાવી દે છે. દરિયાના તોફાનો સામે ક્રુરતાના તાંડવનું વજન વધી જાય છે. એક પુત્ર તેના પિતાની આવી ઘાતકી હત્યા કેવી રીતે કરી શકે ? એ સવાલ પ્રેક્ષકોના મનમાં છેક સુધી ગોથા ખાતો રહે છે.

 

ફિલ્મમાં ટાઈગર ગેંગના સામ્રાજ્યને પડકારનારો એક પણ ડાલામથ્થો પોલીસ નથી, અહીં તો કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાડીને પોલીસને દરિયામાં નાખી દેવામાં છે અને કોઈને ફેર પણ પડતો નથી. માન્યું કે, આપ ગેગસ્ટારોનું સામ્રાજ્ય રજૂ કરવા ઈચ્છો છો પરંતુ તેને પડકારનો એક ખાખીધારી તો હોવો જ જોઈએને ? જે છે એને ઉપરી અધિકારી દબાવી દે છે. બાળ સરક્ષણગૃહ સુધી પહેચી ગયેલા સગીર કેદીનો લોહીવાળો શર્ટ કે જે પૂરાવા સ્વરૂપે કબજે કરવો પડે તેને બદલવાનું પણ પોલીસ ભૂલી જાય છે. માછીમાર સંઘની ચૂંટણીનું આટલું બધું ઉંડુ રાજકારણ પણ અનેક સવાલો કરે છે. ખૈર ભવિષ્યમાં આ પ્રકારના ક્ષતિરૂપી ‘હલેસા’ઓને બદલી અચૂક શકાય છે.

 

ફિલ્મમાં સિનેમેટ્રોગ્રાફી અને ખાસ તો દરિયા ઉપરના ડ્રોન શોર્ટ વખાણવાલાયક છે. કેમેરામેનનું ઈનોવેશન ખરેખર પોરબંદરના દરિયાકાંઠાને જીવંત કરી દે છે. મિહિર ફિચડીયા તે માટે પ્રશંસાને પાત્ર છે. ફિલ્મના મુખ્ય પાત્ર એવા ઉદયની ભૂમિકામાં મયુર ચૌહાણ અને સલમાનના રોલમાં જગજીતસિંહ વાઢેરનો ‘સ્વેગ’ દર્શકોને અમૂક દ્રશ્યોમાં આકર્ષિત અચૂક કરે છે, પરંતુ સવાંદો ઉપર પકડ જમાવવાને બદલે દારૂની બોટલો પકડવાનું કામ તેમણે વધુ કરી નાખ્યું છે. બન્ને ‘દરિયાછોરુ’ છે કે ‘દારુછોરુ’ એ જ ખબર પડતી નથી. ખારવાઓને વ્યસન હોય એ માન્યું પણ એટલી બધી ‘પ્યાસ’ પણ ન હોય આખી ફિલ્મમાં લખેલું આવે કે, ધુમ્રપાન અને દારૂનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અહીં સમુંદરના મોજા કરતા સિગરેટના ધુમાડાં વધુ ઉછળે છે.

 

અલબત મારી દ્રષ્ટિએ ફિલ્મનું સૌથી વખાણવાલાયક કોઈ દ્રશ્ય હોય તો મધદરિયે સુલતાન અને રાણીનો રોમેન્ટીક સીન છે. માછલી ઉપર પોતાના નામનો સિક્કો મારીને સુલતાન રાણીના દિલમાં પણ અંકિત થઈ જાય છે. બન્નેના પ્રેમનો ચમકારો લોકોના હૃદયમાં મોતી પોરવી દે છે. રિવા રાચ્છનું નિર્દોષ હાસ્ય દરિયાના મોજાઓ સાથે દર્શકોને પણ તરબોળ કરી દે છે. દીક્ષા જોશીનું પાત્ર દબાયેલુ લાગે છે.

 

અરજણ પરમારની ભૂમિકામાં ચેતન ધાનાણીએ જીવ રેડયો છે તો ઈમ્તિયાઝ મેમણની ભૂમિકામાં ધમેન્દ્ર ગોહિલ પણ ભૂતો ન ભવિષ્યતિ એવા કસૂંબાના દાદૂ ભગતના પાત્રની બરાબરી સુધી પહોચી જાય છે. જો કે, અહીં તેઓ એક અલગ જ રૂપમાં આપને જોવા મળે છે. કસૂંબાના જાદવભા એવા મયૂર સોનેજીએ અહીં ઉદયના પિતાની ભૂમિકાને પૂરતો ન્યાય આપ્યો છે.

 

ફિલ્મનું સૌથી જમા પાસુ કેદાર-ભાર્ગવનું સંગીત છે. બી પ્રાંકના મુખે ગવાયેલુ ‘તુ મારો દરિયો’ હજી મનમાં ગુંજી રહ્યું છે. આદિત્ય ગઢવી અને નકાશ અઝીઝના કંઠે ગવાયેલુ ‘માર હલેસા’;..એક નવું જોમ ઉભુ કરે છે. ભાર્ગવ પુરોહિતને પણ આવા સુંદર ગીતો લખવા બદલ ધન્યવાદ. હું આ ફિલ્મને પાંચમાંથી 3 રેટ આપું છું. જો કે, આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. આપ ખુદ સમંદરની યાત્રા કરીને આપની પ્રતિક્રિયા રજૂ કરી શકો છો. અસ્તું :

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More