વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪માં રાજકોટની કે.ટી.એમ. ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન્સ દ્વારા થશે ૧૬૦ કરોડના એમ.ઓ.યુ.

વિશ્વના દેશોને ‘મેઈક ઈન ઈન્ડિયા’ સી.એન.સી. સહિતના મશીન્સ પૂરા પાડવાનો લક્ષ્યાંક

ખાસ લેખઃ સંદીપ કાનાણી

        દેશને વર્ષ ૨૦૨૭ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલર (યુ.એસ.ડી.) ઈકોનોમી બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ, મેઈક ઈન ઈન્ડિયા સહિત અનેકવિધ યોજનાઓ સાથે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ઉદ્યોગો વિશ્વકક્ષાએ સ્પર્ધા કરી શકે તે માટે વિવિધ યોજનાઓ સાથે પ્રોત્સાહન આપી રહ્યા છે. આ જ ઉપક્રમમાં વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે રાજકોટના ઉદ્યોગકારો વૈશ્વિક સ્તરે હરણફાળ ભરવાની નેમ સાથે મહત્વના પ્રોજેક્ટ સાથે સમજૂતી કરાર કરી રહ્યા છે.

        કોઈપણ દેશના વિકાસ માટે ઉદ્યોગો, ખેતી, એરોસ્પેસ, ડીફેન્સ, રેલવે, એન્જિનીયરિંગ, ઓટોમોબાઈલ, ક્રાફ્ટ એન્ડ વાલ્વ, જ્વેલરી, ટેક્સટાઈલ વગેરે જેવા ક્ષેત્રોનો મહત્વનો ફાળો હોય છે. આ બધા પાયાના ક્ષેત્રો માટે જરૂરી કોમ્પોનન્ટસ બનાવવાના મશીન્સ પૂરા પાડવાના ઉદેશ્ય સાથે રાજકોટની ‘કે.ટી.એમ. ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન્સ’ વાઈબ્રન્ટ સમિટમાં રૂપિયા ૧૬૦ કરોડના સમજૂતી કરાર કરવા જઈ રહી છે.

        આ અંગે કે.ટી.એમ. ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.કે. મકવાણાએ જણાવ્યું હતું કે, કંપનીના નવા યૂનિટ માટે પ્રથમ તબક્કામાં આશરે રૂપિયા ૮૦ કરોડનું રોકાણ જમીન, માળખાકીય સુવિધાઓ તેમજ મશીનરીમાં કરવામાં આવશે. એ પછી બીજા ત્રણ વર્ષોમાં પ્રોડક્શન, એક્સપોર્ટ, ટેન્ડર બિઝનેસની દિશામાં આગળ વધીશું. કુલ મળીને પાંચ વર્ષમાં આશરે રૂપિયા ૧૫૫ થી ૧૬૦ કરોડથી વધુના રોકાણનો અમારો લક્ષ્યાંક છે. આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ રીતે કાર્યરત થતાં ૭૦૦થી ૧૦૦૦ જેટલા લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

        નવા યુનિટ વિશે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, અમે તમામ પ્રકારના સી.એન.સી. મશીન્સ બનાવીએ છીએ. જેમ કે, સી.એન.સી.,વી.એમ.સી., વી.ટી.એલ., ડબલ કોલમ, એચ.એમ.સી. વગેરે. આ પ્રોડક્ટ કોઈ દેશના વિકાસના વિવિધ સેગમેન્ટ માટે ખૂબ ઉપયોગી અને અનિવાર્ય છે.

         તેમણે કહ્યું હતું કે, કોઈપણ દેશના વિકાસમાં ખેતી, એરોસ્પેસ, ડીફેન્સ, રેલવે, એન્જિનીયરિંગ, ઓટોમોબાઈલ, પમ્પ એન્ડ વાલ્વ, જ્વેલરી, ટેક્સટાઈલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, પાવર વગેરે જેવા પાયાના સેગમેન્ટનો ફાળો ખૂબ મહત્ત્વનો હોય છે. આ બધા સેગમેન્ટ માટે ઈનપુટસ્ કોમ્પોનન્ટ (પાર્ટસ) બનાવવા પડે, એના માટે અમારા મશીન્સની જરૂર પડે. આમ કોઈપણ દેશના વિકાસ માટે પાયાના સેગમેન્ટ માટે જે મશીનની જરૂર હોય, એ મશીન્સનું અમે ઉત્પાદન કરીએ છીએ. આમ વિશ્વના દેશોને વિકાસ માટે ઉપયોગી મશીન્સ બનાવીને આગામી દિવસોમાં તેના નિકાસનું અમારું લક્ષ્ય છે.

        વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારતને આર્થિક મહાસત્તા બનાવવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે, તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, દુનિયાના દેશો પોતાની વિભિન્ન જરૂરિયાતો માટે ભારતમાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ નિકાસની માગ વધવાની છે, ત્યારે અમારો પણ વિશ્વ બજાર સુધી પહોંચવાનો ઈરાદો છે. આ માટે ભવિષ્યમાં જરૂર પડ્યે સક્ષમ વિદેશી કંપનીઓ સાથે પણ જોડાણ કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. હાલમાં બે દેશોમાં નિકાસ શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં અન્ય દેશોમાં નિકાસનો લક્ષ્ય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

        નોંધનીય છે કે, વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૪માં કે.ટી.એમ. ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન્સના એમ.ડી. શ્રી કે.કે. મકવાણા તથા ટેક્નિકલ પાર્ટનર વિમલભાઈ કંટારિયા એમ.ઓ.યુ. સાઈન કરશે.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.