ગોંડલ માર્કેટ યાર્ડમા એકજ દિવસમાં દોઢ લાખ કટ્ટાની અધધ આવક:ભાવમાં ફરી ગાબડુ પડતા ખેડૂતોની કફોડી હાલત:ડુંગળીએ ફરી ખેડૂતોને રડાવ્યા

ગોંડલ : સૌરાષ્ટ્રમાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની ડુંગળીની સૌથી વધુ આવક જોવા મળી છે.ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્કેટ યાર્ડ સતાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા યાર્ડ બહાર બંને બાજુ ડુંગળી ભરેલા વાહનોની 3 થી 4 કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી હતી.આ સાથે માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના દોઢ લાખ કટ્ટાની આવક થવા પામી હતી.યાર્ડમાં ડુંગળીની સિઝનની સૌથી વધુ આવક થતા માર્કેટ યાર્ડ ડુંગળીથી ભરચક થઈ જવા પામ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી એ પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 700/-સુધીના બોલાતા હતા.પરંતું ઓચિતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ડુંગળીની બજાર ગગડી જવા પામી હતી.આ સાથે જ ડુંગળીની બજાર રૂપિયા 500/- સુધીની થઈ જતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.

કેન્દ્ર સરકારે કરેલ ડુંગળીની નિકાસ બંધીને લઈને ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યાંની સાથે ભાવમાં તળીયે બેસી જવા પામ્યા હતા.તો બીજી તરફ ખેડૂતોની નિકાસબંધી હટાવવાની માંગ સાથેના રોષ વચ્ચે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની સૌથી વધુ આવક થતા ફરી ડુંગળીના ભાવમાં રૂપિયા 200/-નો ઘટાડો જોવા મળ્યો છે.જેમને કારણે ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં સોના કરતા ઘડામણ મોંઘું નું માહોલ સર્જાયો હતો.

આ સાથે યાર્ડમાં ડુંગળીની હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100-થી લઈને 300 સુધીના બોલાયા હતા.ડુંગળીના ભાવમાં ફરી ગાબડું પડતા માર્કેટ યાર્ડમાં વેપારીઓ, ખેડૂતો સહિતના લોકોમાં સરકાર સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક નિકાસ બંધી હટાવવામાં આવે તેવી માંગ ઉઠવાની સાથે ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More