Search
Close this search box.

Follow Us

આકાશવાણી રાજકોટ નો ૭૦ માં મંગલ વર્ષમાં પ્રવેશ સૌરાષ્ટ્રની લોક્સંસ્કૃતિનું કેન્દ્ર આકાશવાણી રાજકોટ અનેક માધ્યમોની વચ્ચે પણ અડીખમ પ્રસારણ સારથી આકાશવાણી રાજકોટ

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે: લાખો શ્રોતાઓનું પ્રેમનું હુંફાળુ કેન્દ્ર તા.૪થી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ૭૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આકાશવાણી રાજકોટ સ્ટેશન મીડીયમ વેવ ૩૭૦.3 મીટર્સ એટલે કે ૮૧૦ કી.હર્ટઝ પરથી ૮૦૦ રેડીયલ માઈલ સુધીના પ્રસારણ વડે ૪ કરોડથી વધુ વસતીને કવર કરે છે

૪ જાન્યુઆરી ૧૯૫૫માં પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ , શ્રી જયમલ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં ૪ જાન્યુઆરી ૧૯૫૫માં રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો. આજે 69 વર્ષના લાંબા સમયગાળા બાદ પણ લાખો શ્રોતાઓના હૃદયમાં પ્રેમથી મનભાવન રાજકોટ આકાશવાણી કેન્દ્ર અનેક ઉતાર-ચડાવ પછી પણ અડીખમ છે.

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા ૧૯૩૯માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું જે આઝાદી બાદ સરકારશ્રીને સોપી દિધેલ ૧૯૪૯માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જયારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની ૧૯૫૫માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.આજે રાજકોટ આકાશવાણી કેન્દ્રનો ૭૦મો સ્થાપના દિવસ છે અને તેના ભાગરૂપે વિવિધતાસભર અનેક કાર્યક્રમો દ્વારા રાજકોટ આકાશવાણી કેન્દ્ર ઉત્સાહભેર ઉજવણી કરવા જઇ રહ્યું છે. રાજકોટના રેડિયો સ્ટેશનની સ્થાપનાનો એક રોચક ઇતિહાસ છે.

રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપનાએ સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. રાજકોટ ખાતે ૧ કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું. રાજકોટ સ્ટેશનથી સૌપ્રથમ પ્રસારિત થનાર કાર્યક્રમ ગામનો ચોરો હતો. ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઇને ૧૩ જુલાઇ ૧૯૮૭માં ૩૦૦ કિલો વોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઇ, જેના દ્વારા ખેતીવિષયક, શૈક્ષણિક અને મનોરંજક પ્રોગામનું પ્રસારણ કરવામાં આવે છે. હાલ રાજકોટથી મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ પ્રસારણ કરવામાં આવે છે. અને રાજકોટ આકાશવાણીનું પ્રસારણ હાલ અત્યાધુનિક DRM ટ્રાન્સમીટર પરથી પણ થઈ રહ્યું છે.

પ્રવર્તમાન સમયમાં પણ આકાશવાણી રાજકોટ કેન્દ્ર ૬૯ વર્ષ બાદ પહેલા જેવી જ લોકપ્રિયતા ધરાવે છે, ઉપરાંત સૌનિકો, ખેડૂતો, મહિલાઓ,બાળકો અને યુવાનોમાં પણ આકાશવાણી રાજકોટ વર્ષોથી જાણીતું ને માનીતું રહ્યું છે. આકાશવાણી રાજકોટ કેન્દ્ર ટેક્નોલોજી અને સોશીયલ મિડીયામાં કદમથી કદમ મેળવીને અગ્રેસર છે, આકાશવાણી રાજકોટનું ફેસબુક પેઇજ ૩૫૦૦થી વધુ લાઇક્સ ધરાવે છે, આ ઉપરાંત શ્રોતાઓ ડિજીટલ પ્લેટફોર્મ પર NewsOnAir નામની એપ પર આંગળીના ટેરવે હવે રાજકોટ આકાશવાણી કેન્દ્ર તેમજ વિવિધભારતી અને દેશભરના અન્ય સ્ટેશનો પર પ્રસારીત થતા કાર્યક્રમો માણી શકે છે.તો બીજી બાજુ “ AKASHVANI RAJKOT “ નામની આકાશવાણી રાજકોટની યુ-ટ્યુબ ચેનલ પણ કાર્યરત છે જેના ૨૦,૦૦૦થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. જ્યાં દરરોજ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા તમામ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવી રહ્યા છે, સાથે શ્રોતાઓને આકાશવાણી રાજકોટના જૂના અને લોકપ્રિય કાર્યક્રમો ત્યાં સાંભળવા મળી રહ્યા છે. આ તમામ કાર્યક્રમો ડિજીટલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આકાશવાણી રાજકોટના તકનીકી ,વહીવટી, અને કાર્યક્રમની ટીમનો સિંહફાળો છે.

આકાશવાણી રાજકોટ ના કેન્દ્ર અધ્ય્ક્ષ ddg (eng) શ્રી રમેશચંદ્ર અહિરવાર , ઉપ નિદેશક તકનીકી શ્રી પ્રવીણ ભંખોડિયા કાર્યક્રમ અધ્યક્ષ શ્રી હિતેષ માવાણી , પ્રશાસનિક અધિકારી ભાવેશ ચૌહાણ અને સહયોગી ટીમ આ મંગલમય દિવસે, સ્ટાફ, કર્મચારી મિત્રો અને શ્રોતાઓને લાખ લાખ શુભેચ્છાઓ પાઠવે છે.

આકાશવાણી રાજકોટ કેન્દ્રને અત્યાર સુધી ૩૦થી વધુ રાષ્ટ્રિય એવોર્ડ મળેલ છે 3 વર્ષ પહેલાતો એક જ વર્ષમાં પાંચ રાષ્ટ્રીય એવોર્ડ મળતા રાજકોટનું નામ સમગ્ર દેશમાં રોશન કરેલ છે. ૨૦૧૯ના વર્ષે સંત શ્રી મોરારીબાપુના વરદ્ હસ્તે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ એવોર્ડ પણ મળેલ હતો.

આકાશવાણી રાજકોટ કેન્દ્રનાં કેટલાક મહત્વનાં કાર્યક્રમો જૂની પેઢી-નવી પેઢીને સાંકળે છે ત્યારે અર્ચના-રત્નકણીકા, સહિયર , સંતવાણી, સોનાવાટકડી, ગામનો ચોરો, જયભારતી, યુવવાણી, બાલસભા જેવા વિવિધ કાર્યક્રમો શ્રોતાઓને આજેય મનોરંજન પૂરું પાડી રહ્યા છે. સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિ ને રાસ-ગરબા-ભજનોને આજે પણ આકાશવાણી-રાજકોટ કેન્દ્રએ જીવંત રાખ્યા છે

આકાશવાણી રાજકોટનાં 3 પાયાના પથ્થર એટલે તંત્ર, મંત્ર અને યંત્ર . તંત્ર એટલે કે વહીવટી પાંખના મિત્રો કે જેમાં વરિષ્ઠ પ્રશાસન અધિકારી ભાવેશ ચૌહાણ અને પ્રશાસન અધિકારીઓ શ્રી વિજયસિંહ પરમાર અને શ્રી જયેશ બેનાણી ના નેતૃત્વ માં સ્ટાફની ,શ્રોતાઓની,વકતાઓની અને કલાકારોની આર્થીક,વહીવટી અને અન્ય વ્યવસ્થાઓ જોવાઈ રહી છે. મંત્ર એટલે આકાશવાણી રાજકોટનો કાર્યક્રમ વિભાગ કે જે અવનવા કાર્યક્રમોના નિર્માણ દ્વારા શ્રોતાઓ માટે માહિતી અને મનોરંજન પુરા પાડે છે. વર્તમાન કાર્યક્રમ અધ્યક્ષ શ્રી હિતેષ માવાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ અધિકારીઓ પ્રેરક વૈદ્ય ( ગુજરાતી સાહિત્ય ), ઓજસ મંકોડી ( વિજ્ઞાપન પ્રસારણ )સુધીર દત્તા ( સંકલનને ગ્રામ્ય પ્રસારણ તથા આરોગ્ય વિભાગ ) અટલ શર્મા ( સંગીત કાર્યક્રમો ) અને ભરત કરમટા ( યુવવાણી વિભાગ ) તથા મ્યુઝિક કમ્પોઝર ડો. ભરત પટેલ ( સંગીત નિયોજન ) સમગ્ર કાર્યક્રમોની ને પ્રસારણની ધુરા સંભાળી રહ્યા છે.જયારે શ્રોતાઓ સુધીના માઈક્રોફોન યાત્રીઓ તરીકે શ્રી રાજુ યાજ્ઞિક અને શ્રી ઉદય મેઘાણી જવાબદારી સંભાળી રહ્યા છે. જયારે યંત્ર પાંખ માં DDG શ્રી અહિરવાર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપ નિદેશક તકનીકી શ્રી પ્રવીણ ભંખોડિયા , આસિસ્ટન્ટ એન્જીનીયરો સુ.શ્રી આશા ત્રિવેદી , શ્રી દીપક ચોરસિયા અને શ્રી નિગમ ઉપાધ્યાય સમગ્ર પ્રસારણનું યાંત્રિક માળખું જોઈ રહ્યા છે.

આકાશવાણી રાજકોટ ના ૬૮માં સ્થાપના દિવસને અનુલક્ષી ને અનેક વિધ રસપ્રચુર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.4 થી જાન્યુ.ને ગુરુવાર ના રોજ સવારે ૧૦ વાગ્યે બાલસભા ના સંભારણા તથા બપોરે 12.૩૦ વાગ્યે સહિયર કાર્યક્રમમાં નારીજગત ના સંભારણા રજુ થઇ રહ્યા છે. જયારે અન્ય સમયે બીજા વિશેષ કાર્યક્રમો પણ પ્રસારિત થશે જેમાં રાત્રે ૧૦ વાગ્યે સંગીત નિયોજક ડો.ભરત પટેલ પ્રસ્તુત વિશેષ સાંગીતિક કાર્યક્રમ રજુ થશે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More