આંગણથી આંગણવાડી સુધી રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિના મંત્રને અનુસરતા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ કિચન ગાર્ડનના અનોખા પ્રયાસને બિરદાવતા કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા

જિલ્લા સેવા સદનના આંગણાથી ભૂલકાંઓના સ્વાસ્થ્ય અને પોષણની દરકાર લેવાનો ઉત્તમ પ્રયાસ: મંત્રીશ્રી

આંગણવાડીના બહેનોને પ્રાકૃતિક ઢબે ઉછેરેલા શાકભાજી વિતરણ કરાયા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અન્વયે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ માટે ‘મિશન મૉડ’ પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમના મંત્રને અનુસરતા બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના નેતૃત્વમાં બોટાદ જિલ્લા સેવા સદન ખાતે તૈયાર કરવામાં આવેલા “કિચન ગાર્ડન” રૂપે નવતર પ્રયોગને મંત્રીશ્રીએ બિરદાવ્યો હતો.

               મંત્રીશ્રીના હસ્તે પ્રાકૃતિક કૃષિ થકી ઉગેલા શાકભાજીનું વિતરણ આંગણવાડીઓને કરવામાં આવ્યું હતું. જેથી આંગણવાડીએ જતાં બાળકોને પ્રાકૃતિક કૃષિ થકી ઉગેલા શાકભાજીરૂપે પોષણયુક્ત આહારનો ઉપહાર મળશે. તથા તેમના સ્વાસ્થ્યના સ્તરમાં પણ સુધારો થશે. આ કિચન ગાર્ડનમાં મરચા, ટામેટા, દૂધી, કોથમરી, મૂળા, બીટ સહિતના કંદમૂળ અને શાકભાજીનું વાવેતર કરાયું છે, જેની જીવામૃતના ઉપયોગ થકી બાગાયત વિભાગ દ્વારા નિરંતર માવજત લેવામાં આવી રહી છે.

કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિને ખૂબ જ મહત્વ આપે છે. ત્યારે તેમના પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહવાનને સ્વીકારતા અને ખરા અર્થમાં સાકાર કરતા જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદનના આંગણામાં જ પ્રાકૃતિક રીતે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગ હેઠળ તૈયાર કરવામાં આવેલા કિચન ગાર્ડનના શાકભાજી બાળકોના ખોરાકમાં ઉપયોગી થશે જેથી તેમને પોષણયુક્ત આહાર મળી રહેશે. જેથી જિલ્લા સેવા સદનના આંગણાથી બાળકોની થાળી સુધી પોષણનો સ્વાદ પહોંચશે તેવો મને વિશ્વાસ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

             આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા, એસ.પી.શ્રી કે. એફ. બળોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી. એલ. ઝણકાત, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ, પાલજીભાઈ પરમાર સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More