Search
Close this search box.

Follow Us

નવાગામમાં ભાજપના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ સમરાંગણ બન્યો: ક્ષત્રિય સમાજે ખુરશીઓ ઉંધી વાળી બેનર ફાડયા સૌરાષ્ટ્રમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ બેકાબુ: ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન

ભાવનગરમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા: મોરબીમાં ઉપવાસ આંદોલન

ભગવત ભૂમિ સમાચાર

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટીપ્પણીના મુદ્દે ક્ષત્રિય સમાજનું આંદોલન રાજકોટના સીમાડા પાર કરી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રસર્યુ છે.તેની સાથોસાથ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ધર્મરથે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પરિભ્રમણ શરૂ કર્યુ છે. ક્ષત્રિય સમાજના સદસ્યોને ભાજપ વિરૂદ્ધ મતદાનના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે.

શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની સભાઓ અને ભાજપના ઉમેદવારો સામે વિરોધ પ્રદર્શનો દ્વારા હોબાળો મચાવાતા નેતાઓની હાલત કફોડી બની રહી છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મોરબી-ભાવનગરમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવેલ હતાં. જયારે જામનગર-ભાવનગરમાં ભાજપના ઉમેદવારના કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ક્ષત્રિય સમાજના યુવાનો બે હંગામો કર્યો હતો.

જામનગર:-
જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપ સામે વિરોધ વંટોળ થંભવાનું નામ લેતો નથી. જિલ્લાના અનેક વિસ્તારોમાં ભાજપના ચૂૂંટણી પ્રચાર કાર્યક્રમોના સ્થળે રાજપૂત સમાજના લોકો દ્વારા વિરોધની ઘટના બની ચુકી છે. ગઇકાલે જામનગરમાં બે સ્થળે તથા કાલાવડમાં પણ ભાજપના વિરોધમાં રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતાં. ખાસ કરીને જામનગર શહેરના વોર્ડ નં.4માં આવતા નવાગામ ઘેડમાં વોર્ડ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉગ્ર વિરોધના કારણે પડતું મુકવાની ભાજપને ફરજ પડી હતી. અહીં રોષે ભરાયેલા દેખાવકારોએ ખુરશીઓ ઉંધી વાળી દીધી હતી અને ભાજપનું બેનર પણ ફાડી નાંખ્યું હતું.

કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ વિશેના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજની અંદર ભારે રોષ ભભૂકી રહ્યો છે. જામનગર સહિત સમગ્ર ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ભાજપનો વિરોધ થઇ રહ્યો છે. જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો અત્યાર સુધીમાં ભાજપના ચૂંટણી પ્રચારના કાર્યક્રમ સમયે વિરોધ થવાની એકાદ ડઝન જેટલી ઘટના નોંધાઇ ચુકી છે.

આમ છતાં રાજપૂત સમાજના વિરોધનું વાવાઝોડું નબળું પડવાનું નામ લેતું નથી. ખાસ કરીને ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની ભાજપ સમર્થિત રાજપૂત આગેવાનો સાથેની બેઠક બાદ વિવાદ ઢીલો પડવાને બદલે ઉલ્ટાનો વધુ ઉગ્ર બની રહ્યો છે. ગઇકાલે ભાજપના ચૂંટણી કાર્યક્રમના સ્થળે વિરોધની વધુ ત્રણ ઘટનાઓ બની છે.

જામનગરની વાત કરીએ તો વોર્ડ નં.4ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગઇકાલે સાંજે 7:00 વાગ્યે નવાગામ ઘેડ વિસ્તારમાં રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ રાજપૂત સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ધસી આવ્યા હતાં અને ભાજપ અને રૂપાલા વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં. રોષ એટલો હતો કે આંદોલનકારીઓએ કાર્યક્રમમાં કાર્યકરો માટે રાખવામાં આવેલી ખુરશીઓ પણ ઉંધી વાળી દીધી હતી અને ભાજપના કાર્યક્રમનું એક બેનર પણ ફાડી નાંખ્યું હતું. મોટી સંખ્યામાં દેખાવકારો હોવાથી તેઓને કાર્યક્રમ સ્થળેથી દૂર ખસેડવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. આ હોબાળો 15 થી 20 મિનિટ સુધી ચાલુ રહેતાં આખરે ભાજપે આ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.

આ ઉપરાંત જામનગરમાં જોગર્સ પાર્ક નજીક પાર્ક કોલોનીમાં આર.બી.એલ. બેન્ક પાસે ભાજપના વોર્ડ નં.5ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. રાત્રે આઠ વાગ્યે આ કાર્યક્રમ શરૂ થયો હતો અને આ વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાનું ભાષણ પુરૂં થવાની તૈયારીમાં હતું ત્યારે જ રાજપૂત યુવકો અને મહિલાઓ દ્વારા જય ભવાનીના નારા લગાવી અને ભાજપ તથા રૂપાલા વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. અહિં પણ પોલીસે આ દેખાવકારોને ખસેડવા પડ્યાં હતાં.

આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડમાં પણ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર સાંભળવા મળ્યાં હતાં. અહીં પણ ભાજપના ચૂંટણી પ્રચાર વખતે રાજપૂત સમાજના લોકોએ ભારે સુત્રોચ્ચાર અને દેકારો કરતાં પોલીસે બે બસમાં આ દેખાવકારોને લઇ જવા પડ્યાં હતાં.

આમ જામનગર શહેર અને જિલ્લામાં રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરોધી આંદોલન જોર પકડી રહ્યું છે. નાના-મોટા દરેક કાર્યક્રમ માટે પોલીસના કાફલાને ભાજપે તૈનાત કરવો પડે છે. આ સ્થિતિ આગામી દિવસોમાં શું રંગ લાવશે? તે જોવાનું રહ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે મે ના રોજ જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે સાંજે એક ચૂંટણી સભાને સંબોધવા આવી રહ્યાં છે. વડાપ્રધાનની આ સભામાં કોઇ વિરોધ ન થાય તેની તકેદારી વહીવટી અને સુરક્ષા તંત્ર માટે મોટો પડકાર બની રહી હોય તેમ લાગે છે.

ભાવનગર:-
ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ એક મહિના બાદ પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.  ભાવનગરમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણીની હાજરીમાં ક્ષત્રિય સમાજના યુવકોએ કાળા વાવટા ફરકારી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અચાનક ક્ષત્રિય સમાજના યુવકો દોડી આવતા પોલીસકર્મીઓમાં પણ દોડધામ મચી હતી. પોલીસે વિરોધ કરી રહેલા યુવકોને ડીટેઈન કર્યા હતા.

ભાવનગર શહેરના કાળિયાબીડ-સિદસર વોર્ડમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જ ક્ષત્રિય સમાજના 50 જેટલા યુવકોએ આવી કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું.

રૂપાલા હાય…હાયના નારા લગાવ્યા ભાવનગરમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા રૂપાલા હાય…હાયના નારા લગાવી રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્થળ પર હાજર પોલીસ જવાનો દ્વારા વિરોધ કરી રહેલા યુવકોને ડીટેઈન કરી લઈ જવામાં આવ્યા હતા.

મોરબી:-
છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ધર્મ રથ કાઢીને ગામડે ગામડે જઈને લોકોને ભાજપની વિરોધમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે તેવામાં આજે મોરબીમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા ઉમા ટાઉનશિપ પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે અને મહિલાઓએ પરસોતમ રૂપાલાની ધૂન બોલાવી હતી

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે અશોભનીય ટિપ્પણી કરી હતી તેને લઈને તેની સામે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તે હવે ભાજપ સામે શરૂ થઈ ગયેલ છે કેમ કે, ભાજપે તેના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરેલ નથી અને હવે ભાજપની વિરોધમાં મતદાન કરવામાં આવે તેના માટે ગામડે ગામડે જઈને લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યાર બાદ હવે ધર્મ રથ બાદ મોરબી ક્ષત્રિય સમાજના બહેનો દ્વારામોરબીમાં ઉમા ટાઉનશિપની સામે આવેલ પંચમુખ હનુમાન મંદિરે પ્રતીક ઉપવાસ કર્યા છે

અમરેલી:-
કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિષે કરેલી ટિપ્પણી હવે તેના ગળાનું હાડકું બની ગયું છે. જે નથી ગળાથી નીચે ઉતરતું કે નથી બહાર નીકળતું, ત્યારે રૂપાલાએ કરેલ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજનો રોષ દિવસેને દિવસે શમાવવાના બદલે સમગ્ર ગુજરાતમાં ઉગ્ર બનતો જાય છે. ત્યારે આ રોષ હવે રૂપાલાના હોમટાઉન સમા અમરેલી લોકસભા મત વિસ્તારમાં પણ ભભુકી ઉઠ્યો છે. ત્યારે ગઈકાલે જેસર પંથકમાં ભાજપની સભા કરવા ગયેલાં ભાજપી ધારાસભ્ય સભા કર્યા વગર પરત ફરવા મજબૂર બન્યા હતા. જ્યારે રોષે ભરાયેલા ક્ષત્રિય યુવકોએ ભાજપ વિરૂધ્ધ મતદાન કરવા અને દસ લોકોને પણ કોંગ્રેસમાં મતદાન કરાવવાના શપથ લીધા હતા.

હાલ લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર ચરમસીમા છે ત્યારે સાવરકુંડલાના ભાજપી ધારાસભ્ય મહેશ કસવાલા, સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપક માલાણી સહિતના લોકો ભાજપના પ્રચાર માટે જેસર તાલુકાના જડકલા, કાંત્રોડી, હિપાવડલી ગામમાં  પહોંચ્યા હતા ત્યારે આ ભાજપ આગેવાનો મીટીંગ શરૂ કરે તે પહેલાં જ ક્ષત્રિય યુવાનોએ ત્યાં પહોંચી અને ભાજપનો વિરોધ કર્યો હતો અને ધારાસભ્ય મહેશ કસવાળા સામે રૂપાલા વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી અને જય ભવાનીના નારા લગાવ્યા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More