જૂની, વિસરાયેલી અને પરંપરાગત રમતો જોવા અને રમવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ (ચિત્રનગરી) દ્વારા રેસકોર્ષ ખાતે તા.૧૯/૦૫/૨૦૨૪, રવિવારના રોજ “ફન સ્ટ્રીટ”નું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ કોઈને નિર્દોષ આનંદ મળે તેવી વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવેલ. આ “ફન સ્ટ્રીટ”ને જોવા અને રમવા શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળેલ.
આજના મોબાઇલ યુગમાં જ્યારે મોટાભાગના લોકો મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે આપણી વિસરાઈ ગયેલ શેરી રમતોને પુનઃજીવિત કરવા માટે “ફન સ્ટ્રીટ”માં મ્યુઝિકલ ચેર, લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડાળા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, રસ્સા ખેંચ, રંગપૂરણી, દોરડા કૂદ સહિત ૩૦થી વધુ વિસરાયેલી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. “ફન સ્ટ્રીટ”માં ભાગ લેવા માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવેલ. ગત વર્ષ બાદ ઘણા લાંબા સમય પછી આ “ફન સ્ટ્રીટ”નું આયોજન કરવામાં આવેલ હોવાથી શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો. “ફન સ્ટ્રીટ”માં ભાગ લેવા માટે ૫૦૦૦ થી વધુ લોકો હોંશભેર હાજર રહેલ હતા. જેમાં, નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, મહિલાઓ, વડીલો, વાલીઓ વગેરેએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
“ફન સ્ટ્રીટ”માં ભાગ લેનારને પ્રોત્સાહિત કરવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ “ફન સ્ટ્રીટ”ને સફળ બનાવવા માટે ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ (ચિત્રનગરી)ના જીતુભાઈ ગોટેચા સહિત તેમની ટીમના રશેષભાઈ વ્યાસ, સુરેશભાઇ રાવલ, શિવમ અગ્રવાલ, હરદેવસિંહ વાઘેલા, મુકેશભાઈ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, દિગીશભાઈ વડોદરિયા, પરેશભાઈ ધોરાજીયા, ગૌરવભાઈ ખીરૈયા, હાર્દિક વૈષ્ણવ, હર્ષિત, દેવ, ભૂમિત ,નિકેશ, વિવેક, અભય, અજય, મૌલિક ગોટેચા ઉપરાંત વિવિધ સભ્યોએ આ ફન સ્ટ્રીટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.
રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહયોગથી ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ દ્વારા આગામી તા.૨૬/૦૫/૨૦૨૪, તા.૦૨/૦૬/૨૦૨૪ તથા તા.૦૯/૦૬/૨૦૨૪, રવિવારના રોજ સવારે ૦૭:૦૦ કલાકથી ૦૯:૦૦ કલાક સુધી રેસકોર્ષ આર્ટ ગેલેરીથી સ્વિમિંગ પૂલ વચ્ચેના એરિયામાં “ફન સ્ટ્રીટ” યોજાનાર હોઈ, જેનો લાભ લેવા ઉમટી પડવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.