ડેમમાં વધુ પાણી આવ્યાના મેસેજ સાથે જ તંત્રની ટીમો દોડીઃ આખરે મોકડ્રીલ હોવાનું ખૂલ્યું
રાજકોટ, તા. ૧૫ જૂન – ગોંડલમાં ગત સાંજે છ વાગ્યા આસપાસ વેરી ડેમ ઓવરફ્લો થતાં આશાપુરા ડેમમાં વધુ પાણી આવવા લાગ્યું હતું. આથી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે તત્કાલ ખસેડવા જરૂરી હતા. આ અંગે સિંચાઈ વિભાગના નાયબ ઈજનેરનો મેસેજ મળતાં જ ગોંડલ શહેર, તાલુકા મામલતદાર, ફાયર બ્રિગેડ, આરોગ્ય ખાતા, પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે ધસી ગઈ હતી. દરમિયાન આશાપુરા ડેમમાં એક યુવક ડૂબતો દેખાતા ફાયરના બે જવાનો તત્કાલ કૂદી પડ્યા હતા અને યુવકને બચાવી કાંઠે લાવ્યા હતા. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે આખરે આ કવાયત મોકડ્રીલ હોવાનું ખૂલ્યું હતું.
વરસાદની સિઝનમાં ડેમ ઓવરફ્લો થવા, ડેમમાં પાણી છલકાવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી આવતા હોવાની ઘટનાઓ સર્જાતી હોય છે, ત્યારે આ સંદર્ભે ગોંડલમાં તંત્રની સજ્જતા ચકાસવા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે અંતર્ગત ગત સાંજે ગોંડલના સરદાર સહભાગી સિંચાઈ પેટા વિભાગના નાયબ ઈજનેરે ટેલિફોનથી મેસેજ પાસ કર્યો હતો કે, ગોંડલનો વેરી ડેમ ઓવરફ્લો થયો છે અને તેના કારણે નીચાણમાં આવતા આશાપુરા ડેમમાં એકાએક વધુ પાણી આવવાથી લોકોને સતર્ક કરવા જરૂરી છે.
આ મેસેજ મળતાં જ ગોંડલ સિટી મામલતદાર શ્રી ડી.ડી. ભટ્ટ, ગોંડલ તાલુકા મામલતદાર શ્રી રાહુલ ડોડિયા, ગોંડલ નગરપાલિકાના ઓફિસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ગોંડલની સરકારી હોસ્પિટલ તેમજ ડિઝાસ્ટરની ટીમનો સ્ટાફ બચાવકાર્યના સાધન સરંજામ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ વખતે પાણીમાં એક યુવક ડૂબતો હોવાનું સામે આવતાં, ફાયર બ્રિગેડના બે જવાનો તત્કાલ કૂદી પડ્યા હતા અને તેને બચાવીને કાંઠે લાવ્યા હતા. જ્યાં નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં આ યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ સમયે તંત્રની તમામ ટીમોએ પોત-પોતાની કામગીરી સંભાળી લીધી હતી. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ સમગ્ર કવાયતની સમીક્ષા કરવામાં આવી હતી.
0000
સંદીપ
Author: ભાગવત ભૂમિ
Hi