રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં શહેરકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

આપણો તિરંગો, આપણું ગૌરવ”

૭૮માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપતા
રાજકોટ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી

-: નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી :-

રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે મિશન મોડમાં કામ કરી રહી છે

રાજકોટ જિલ્લાના ઉદ્યોગો “ઝીરો ઇફેક્ટ – ઝીરો ડિફેક્ટ” – ઝેડ સર્ટિફિકેટ સાથે દેશભરમાં મોખરે

– “વિકસિત ભારત”ના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાની દરેક નાગરિકની જવાબદારી

૦૦૦૦૦૦૦૦૦૦૦

માર્ચપાસ્ટ અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ
સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરાયું

 

રાજકોટ, તા. ૧૫ ઓગસ્ટ – રાજકોટ શહેરમાં ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં ૭૮માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી હતી. તેમણે ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રગાન કરીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો પાસેથી સ્વતંત્રતા પર્વનું અભિવાદન ઝીલ્યું હતું.

              આ તકે સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતા નિવાસી અધિક કલેક્ટરશ્રી ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, આઝાદી માટે દેશના અનેક નામી-અનામી વીર સપૂતોએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા હતા. આજનો દિવસ એ તમામ વીરસપૂતોને વંદન કરવાનો અવસર છે. આજે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘‘હર ઘર તિરંગા’’ અભિયાનના માધ્યમથી દેશવાસીઓમાં દેશભક્તિની ચેતના જગાવી છે. જેવી રીતે દેશની આઝાદીના સંઘર્ષમાં જન-જન જોડાયા હતા, તેવી જ રીતે દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે પ્રતિબદ્ધ થવાનું છે.

              શ્રી ચેતન ગાંધીએ રાજકોટ જિલ્લાની વાત કરતા કહ્યું હતું કે, ખેડૂતબંધુઓના આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-‘૨૪માં સ્માર્ટ ફોન યોજનામાં ૮૬૮ લાભાર્થીને ૫૧.૨૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ખેડૂત ખાતેદાર વીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-‘૨૪માં ૧૧૪ લાભાર્થીઓને રૂપિયા ૨૨૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ બાળકો, કિશોરીઓ અને માતાઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આઈ.સી.ડી.એસ. વિભાગ મહત્વની કામગીરી કરી રહ્યું છે. “ટેક હોમ રાશન યોજના” અંતર્ગત જુલાઈ-૨૦૨૪માં ૧૬,૮૬૧ લાભાર્થી માતાઓ, ૩૦,૫૯૮ કિશોરીઓ તથા ૪૩,૭૫૧ લાભાર્થી બાળકોને બાલશક્તિ પેકેટનો લાભ આપવામાં આવ્યો હતો.

             વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને સતત સુદ્રઢ બનાવાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં હાલ ૧ એઈમ્સ, ૧ મેડિકલ કોલેજ, ૧ જિલ્લા હોસ્પિટલ, ૫ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૪૭ પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન મંદિર કાર્યરત છે. ઉપરાંત, ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જિલ્લો દેશભરમાં નામ રોશન કરી રહ્યો છે. ‘‘ઝીરો ઈફેક્ટ – ઝીરો ડિફેક્ટ’’ – ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટના ઉદ્યોગો દેશમાં મોખરે છે. રાજકોટ જિલ્લામાં ૯૬૯૨ જેટલા ઝેડ સર્ટી. લેવામાં આવ્યા છે. જ્યારે પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ ૫૯,૫૧૪ જેટલી અરજીઓ રાજકોટ જિલ્લામાં આવી છે. આમ, રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે મિશન મોડમાં કામ કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

             આ કાર્યક્રમમાં પ્લાટૂન કમાન્ડરશ્રી વી.પી. સરવૈયાની આગેવાની હેઠળ યોજાયેલી પરેડ અને માર્ચપાસ્ટમાં હથિયારધારી પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તથા એન.સી.સી.ના છાત્રો જોડાયા હતાં. સ્વાતંત્ર્ય સેનાનીઓ સ્વ. શ્રીકાંતભાઈ ત્રિવેદી, સ્વ. ભીખાભાઈ શાહ, સ્વ. સ્વ. મનહરલાલ દવે, સ્વ. સાકરલાલ મહેતા, સ્વ. મોહનલાલ ટાંક, સ્વ. ધીરજલાલ રાવલ, સ્વ. રતિલાલ શાહ, સ્વ. નટવરલાલ રતનેશ્વર, સ્વ. મનસુખભાઈ વિઠ્ઠલાણીના પરિવારજનોનું સુતરની આંટી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

           સ્વતંત્રતા દિવસના અનુસંધાને વિદ્યાર્થીઓએ “હમે દેખની હૈ આઝાદી”, “લહેરાતા પરચમ હર દિશા”, “એક તેરા નામ હૈ સાચા માં”, “સુજલામ્ સુફલામ્ મલયજ શિતલામ્” જેવા રાષ્ટ્રભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કરીને માતૃવંદના કરી હતી. મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા ૬ જેટલા કર્મયોગીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ તેમજ રાજ્ય સરકારના લોકમાધ્યમોના કલાકારશ્રી પ્રવીણદાન ગઢવી સહિત અન્ય ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા ૩ વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથેસાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનારી ૪ શાળાઓને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાઇ હતી. તેમજ શાળાના મેદાનમાં પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરેશભાઈ રાવલએ કર્યું હતું.

           આ કાર્યક્રમમાં સાંસદશ્રીઓ પરસોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ડો. દર્શિતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડ, પ્રાંત અધિકારીશ્રી ચાંદનીબેન પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજશ્રી વંગવાણી,  સહિતના અધિકારીઓ અને નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતાં.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More