૦૦૦૦૦૦
કેબિનેટ મંત્રીશ્રી શ્રી મુળુભાઈ બેરા:-
સુરેન્દ્રનગર જિલ્લા માટે જે કંઈ જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ
અંદાજીત રૂ.૨.૦૭ કરોડના જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તથા રૂ.૨૬.૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત થવાથી ઝાલાવાડવાસીઓને નવી આંતરમાળખાકીય સુવિધાઓનો લાભ મળશે
સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો બનાવવા માટે દરેક નાગરિક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરે
૦૦૦૦૦૦
ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે, લોકો રાત્રે પણ બેસવા જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે” -નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા
૦૦૦૦૦
સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાયો હતો.
આ તકે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આપણી આઝાદીની ભવ્ય ઇમારતના પાયામાં જેમના બલિદાનની ગાથા છે એવા નામી-અનામી, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, નગરજનોને સ્વાતંત્ર્ય પર્વ અને પતેતીની શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રોજબરોજ અનેક વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાત આજે દેશના વિકાસનાં ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવા જઈ રહી છે ત્યારે ઝાલાવાડવાસીઓને મહાનગરપાલિકાઓમાં હોય તેવી સુખાકારીને સગવડો મળી રહે તે માટે સુરેન્દ્રનગર – દુધરેજ – વઢવાણ સંયુક્ત નગરપાલિકાની વણથંભી વિકાસ યાત્રામાં આજરોજ જુદા જુદા લોકાર્પણ અને ખાતમૂર્હતના કામો કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ટાગોરબાગ અને ધોળીધજા ખાતેના વિકાસકામોના આયોજન કરી એક સાથે જ ખાતમુહૂર્ત કરી કામ વહેલીતકે પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવશે. પ્રવાસન વિભાગમાંથી કે અન્ય વિભાગમાંથી પણ સુરેન્દ્રનગર જિલ્લા માટે જે કંઈ જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે. આમ, આજે અંદાજીત રૂ.૨.૦૭ કરોડના જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તથા રૂ.૨૬.૪૦ કરોડના કામોનું ખાતમુહુર્ત થવાથી ઝાલાવાડવાસીઓને નવી આંતરમાળખાકીય સુવિધાઓનો લાભ મળશે અને તેથી જીવનધોરણ પણ ઊંચું આવશે.
તેઓએ ઝાલાવાડવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ “એક પેડ મા કે નામ” અભિયાન શરૂ કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવા માટે દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. વન વિભાગ પણ દરેક રીતે મદદ કરશે. આથી લોકોના સહયોગ અને લોક ભાગીદારી થકી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેની જાળવણી થાય તે અનિવાર્ય છે. તદુપરાંત, લોક હિતાર્થે થતાં તમામ વિકાસ કામો ગુણવત્તાયુક્ત થાય તે જરૂરી છે. વિકાસ કામો થયા બાદ તેની યોગ્ય જાળવણી થાય તે દરેક જાગૃત નાગરિકે જોવું જોઈએ.
આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, આજના શુભ દિને સુરેન્દ્રનગરવાસીઓને વિશેષ વિકાસ કામોના લાભો મળવાના છે. નાગરિકોની સુખાકારી સુવિધામાં વધારો કરતા અનેક વિકાસ કામોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. ધોળીધજા ડેમ સરકારની મદદથી હંમેશા ભરાયેલો રહે અને ડેમની ફરતે સુંદર મજાનું લાઇટિંગ થાય, લોકો રાત્રે પણ ત્યાં બેસવા જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ તકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી બસ પરિવહન યોજના અંતર્ગત ૮ સિટી બસોને લીલી ઝંડી આપી ઝાલાવાડવાસીઓ માટે લોકાર્પિત કરવામાં આવી હતી.
દિપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા દ્વારા મહાનુભાવોનું સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રૂા. ૨૦૭.૭૯ લાખનાં ખર્ચે નવનિર્મિત સ્નાનાગાર, લાયબ્રેરી, જીમ તથા અમૃત ૨.૦ હેઠળ નવનિર્મિત કવિશ્રી દલપતરામ બાગનું લોકાર્પણ તેમજ જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતિયાપરા સુધી લોઅર લેવલ પુલ (બ્રિજ) અને અમૃત-૨.૦ યોજના અંતર્ગત ૫૦ લાખ લીટરનો સમ્પ, રાઈઝીંગ મેઈન લાઈન, પંપ હાઉસ, મશીનરીની કામગીરી અને ૧૦ લાખ લીટરની ઈએસઆર ટાંકી, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે કામગીરીનાં અંદાજે રૂા. ૨૬૪૦.૮૪ લાખનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ, નગરપાલીકાની જુદી જુદી સમિતિના ચેરમેન, સદસ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ, સર્વે અગ્રણીશ્રીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, શંકરભાઈ વેગડ સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી કે. સી. સંપટ, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી નિકુંજ ધુળા, ચીફ ઓફિસર શ્રી સાગર રાડીયા સહિત સંબધિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi