ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મનાં વધામણા કરવા માટે જન્માષ્ટમીના પાવનપર્વના ભાગરૂપે ‘નંદોત્સવ-2024’ કાર્યક્રમની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રીકૃષ્ણની લીલા દર્શાવતી સાત જેટલી કૃતિઓ રજૂ થઇ હતી. જેમાં પ્રિ સ્કૂલના નાના-નાના ભૂલકાઓ કૃષ્ણ, રાધા, ગોવાળીયા, સુદામાનાં વેશમાં આવ્યા હતા. શ્રી કૃષ્ણની રાસલીલા જાણે વૃંદાવનમાં રમાતી હોય તેવું વાતાવરણ સ્કૂલના પટાંગણમાં ઉભું થયું હતું. તેમજ વેલ્યુ એજ્યુકેશન અભ્યાસનો એક ભાગ સમજીને વિદ્યાર્થીઓએ ઇવેન્ટ દ્વારા ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય વિશે સમજૂતી આપી અને ગીતા ઉપદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સુદામા અને કૃષ્ણ ભગવાનની મિત્રતાના નાટક દ્વારા મૈત્રી પ્રેમ, ધર્મ, મર્યાદા તેમજ અભિમાન ત્યાગ વગેરે બાબતો સમજાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં કૃષ્ણ ભગવાનની આરતીની સાથો-સાથ મટકી ફોડી કૃષ્ણ જન્મનાં વધામણાં પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે આખું પરિસર ગોકુળમય બની ગયું હતું. ચારે તરફ શ્રી કૃષ્ણ જન્મના વધામણા સ્વરૂપે પરિસર રંગોથી ખીલી ઊઠ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્થાનાં ચેરમેન સંદિપસર છોટાળા તેમજ આચાર્યા કિરણબેન છોટાળા દ્વારા સર્વ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ દરેકને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi