ભારત અને ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ૧૭ મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન,

ભારતને મળ્યા ૦૩ ગોલ્ડ, ૦૨ સિલ્વર મેડલ, ૦૩ બ્રોન્ઝ મેડલ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ધોરાજીનાં પાટણવાવનાં રૂદ્ર પેથાણીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ

એમ ત્રણ મેડલ જીતી વગાડ્યો ભારતનો ડંકો

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ભારતીય ટીમમાંથી ત્રણેય કેટેગરીમાં મેડલ

મેળવનાર એકમાત્ર રૂદ્ર બન્યો આ વર્ષનો નેશનલ ટોપર

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૨૩ ઓગસ્ટ – રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનાં મૂળ પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએ તાજેતરમાં તા. ૦૮ થી ૧૭ ઓગસ્ટ સુધી બેઇજિંગ, ચીન ખાતે યોજાયેલ ૧૭મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો છે. આ સ્પર્ધામાં ભારતને કુલ ૦૩ ગોલ્ડ, ૦૨ સિલ્વર, ૦૩ બ્રોન્ઝ મેડલ મળ્યા છે, જેમાંથી રૂદ્રને ત્રણેય કેટેગરીમાં મેડલ મળ્યા છે, જે ઇન્ટરનેશનલી બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે.

        આ ઓલિમ્પિયાડ માટે ભારતમાંથી ૦૪ વિદ્યાર્થીઓનું સિલેકશન થયું હતું, જેમાં ગુજરાત, કેરળ, છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ધોરાજીના પાટણવાવનાં રૂદ્ર પેથાણીની પસંદગી થઈ હતી. આ ઓલિમ્પિયાડમાં રૂદ્રને “થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ, ઈન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન” એમ જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે.

        આ તકે ગામના સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણીએ રૂદ્રને અભિનંદન પાઠવતાં કહ્યું કે, આ ક્ષણ પેથાણી પરીવાર અને સમગ્ર ભારત માટે ગર્વાન્વિત બનાવનાર છે. રૂદ્રે પોતાના પિતા ડૉ. કૌશિક પેથાણી અને માતા ડૉ. હીના પેથાણીનું ગૌરવ વધાર્યું છે. સાથે જ, પાટણવાવ, ગુજરાત અને સમગ્ર દેશનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત કર્યાની ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે.

        ભારતે વર્ષ ૨૦૦૭ થી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO) માં ભાગ લીધો છે અને મૈસુરમાં આયોજિત ૧૦મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ વર્ષે, ૧૭મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદા જુદા ૩૫ દેશોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી ૩૨ ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી. સ્પર્ધાઓ ત્રણ કેટેગરીમાં હતી: થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન.

        ઉલ્લેખનિય છે કેઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની રીચઆઉટ (સંશોધન, શિક્ષણ, તાલીમ અને આઉટરીચ) યોજના હેઠળનો સૌથી સફળ વિદ્યાર્થી-કેન્દ્રિત કાર્યક્રમ છે. ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (IESO) ની સ્થાપના વર્ષ ૨૦૦૩માં કેલગરી, કેનેડામાં ઈન્ટરનેશનલ જીઓસાયન્સ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. આ વિશ્વભરના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક સ્પર્ધા છે. જેનો ઉદ્દેશ ટીમ વર્ક, સહયોગ, વિચારોનું આદાનપ્રદાન અને સ્પર્ધા દ્વારા પૃથ્વી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવાનો છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More