૪૩ જેટલાં લાભાર્થીઓને મળ્યા ઘર આંગણે સરકારી યોજનાના લાભો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભોજપરા અને નાગડકા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, સોઈલ હેલ્થ કાર્ડ જેવી સરકારી કલ્યાણકારી યોજનાઓનાં ૪૩ જેટલા લાભાર્થીઓને ઘર આંગણે લાભો મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ધરતી અને પ્રકૃતિ સંવર્ધનનો સંદેશો પાઠવતી “ધરતી કરે પુકાર” ગીત ઉપર પ્રસ્તુત સુંદર કૃતિ દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, ગામનાં સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રી કે.એન.ગોહેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ ભરડવા, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi