રાજકોટ તા.8 ખાદ્યતેલોની આયાત રેકોર્ડ સ્તરે અને અસામાન્ય કક્ષાએ પહોંચી છે ત્યારે સ્વદેશી ખેડુતો તથા તેલ ઉદ્યોગને બચાવવા માટે આયાત પર નિયંત્રણ મુકવા ફરી એક વખત કેન્દ્ર સરકારમાં રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ એડીબલ ઓઈલ્સ એન્ડ ઓઈલ સીડસ એસોસીએશનનાં પ્રમુખ સમીર શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.એટલુ જ નહિં લોકસભા ચૂંટણીમાં વિજય મળવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
ત્યારે હવે ખાદ્યતેલોની આયાત નિયંત્રીત કરવા લાંબા વખતની રજુઆત મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લેખીત રજુઆતમાં તેઓએ કહ્યું કે રશીયા-યુક્રેન યુદ્ધ વખતથી ઘરઆંગણે અને વિશ્વ સ્તરે ખાદ્યતેલોના ભાવ ઘટી રહ્યા છે. છેલ્લા 19-20 મહિનામાં 40 થી 50 ટકાનો ઘટાડો થયો છે. 1/11/2022 થી 31/10/2023 ના કૃષિ વર્ષમાં ભારતમાં રેકોર્ડબ્રેક 165 લાખ ટન આયાતી ખાદ્યતેલો ઠલવાયા હતા.સાથોસાથ ઘરઆંગણે રાયડા તથા સોયાબીનનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે. આવા સમયે ખાદ્યતેલોની જંગી આયાત ભારતીય કૃષિ ક્ષેત્ર માટે નુકશાનકર્તા છે. યોગ્ય ભાવ ન મે તો તેલીબીયાનું વાવેતર કરતા અચકાશે.
ખેડુતો તથા તેલ ઉદ્યોગનાં હિતમાં ખાદ્યતેલોની આયાત પર નિયંત્રણ મુકવાની જરૂર છે. આ કદમથી કદાચ કામચલાઉ ધોરણે ભાવ વધારો થાય તો પણ ટુંકા ગાળામાં સ્થિતિ થાળે પડી જશે.સરકારે 80 કરોડ લોકોને મફત અનાજની યોજના લંબાવી જ છે. એટલે થોડો ઘણો ભાવ વધારો નડી શકે તેમ નથી. વિવિધ બાબતોને લક્ષ્યમાં રાખીને આયાત નિયંત્રણો લાગુ કરવાની માંગ છે.
Author: ભાગવત ભૂમિ
Hi