મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, અયોધ્યા ધામ સૌને રામ મંદિર સાથે જોડશે

માત્ર ભગવાન રામ જ નહીં દેશમાં 4 કરોડ ગરીબોને પાક્કુ ઘર મળ્યું : મોદી- રામભક્તો દિવા પ્રગટાવો, ઉત્સવ ઊજવો પરંતુ 22 જાન્યુઆરીએ અયોધ્યા આવવાનું ટાળો, 23મી પછી પોતાની સુવિધા મુજબ આવો : પીએમ મોદી- એક દાયકામાં રૂ. 85,000 કરોડના રોકાણથી અયોધ્યાને સ્માર્ટ સિટી બનાવાશેઅયોધ્યા : ભગવાન રામની નગરી અયોધ્યામાં વડાપ્રધાન નરન્દ્ર મોદીએ શનિવારે નવા એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું.આ સાથે તેમણે અયોધ્યાને આગામી એક દાયકામાં સ્માર્ટ નગરી બનાવવા માટે કુલ રૂ. ૧૫,૭૦૦ કરોડથી વધુના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાને એરપોર્ટ નજીક એક જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, એક સમય હતો જ્યારે રામ લલ્લા ટેન્ટમાં રહેતા હતા. હવે માત્ર રામ લલ્લાને જ પાક્કુ ઘર નથી મળ્યું, પરંતુ દેશના ચાર કરોડથી વધુ ગરીબોને પણ પાક્કું ઘર મળી ગયું છે. વડાપ્રધાન મોદીએ અયોધ્યા પહોંચીને એરપોર્ટથી રેલવે સ્ટેશન પહોંચતા રોડ શો કર્યો હતો, જેમાં અયોધ્યાવાસીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.વડાપ્રધાન મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશમાં રૂ. ૧૫,૭૦૦ કરોડ રૂપિયાથી વધુની કન્દ્ર અને રાજ્ય સરકારની ૪૬ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ સમયે શંખનાદ ધ્વનિ અને રામ રામ જય જય રામના ભજનથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. અયોધ્યાના વિકાસ કાર્યોમાં અંદાજે રૂ. ૧૧,૧૦૦ કરોડના પ્રોજેક્ટ અને ઉત્તર પ્રદેશના અન્ય શહેરોના વિકાસ માટે રૂ. ૪,૬૦૦ કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વધુમાં અયોધ્યાને સ્માર્ટ સિટી બનાવવા માટે આગામી ૧૦ વર્ષમાં રૂ. ૮૫,૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે શહેરનો પુનર્વિકાસ કરાશે. પીએમ મોદીએ નવી ગ્રીનફિલ્ડ ટાઉનશિપનો શિલાન્યાસ પણ કર્યો હતો.અયોધ્યા એરપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ત્રિકાલદર્શી મહર્ષિ વાલ્મિકીજીના નામ પર અયોધ્યા ધામ એરપોર્ટનું નામ રખાયું છે. મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ જ્ઞાાનનો માર્ગ છે, જે આપણને પ્રભુ શ્રી રામ સાથે જોડે છે. આધુનિક ભારતમાં મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અયોધ્યા ધામ આપણને દિવ્ય ભવ્ય રામ મંદિર સાથે જોડશે.વડાપ્રધાને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે આખી દુનિયા ઉત્સુક્તાપૂર્વક ૨૨ જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહી છે. એવામાં અયોધ્યાવાસીઓમાં અતિ-ઉત્સાહ સ્વાભાવિક છે. ભારતની માટીના કણ-કણ અને ભારતના જન-જનમાં રામ મંદિરના ઉદ્ઘાટનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જો કે, પીએમ મોદીએ ૨૨મી જાન્યુઆરીએ રામભક્તોને અયોધ્યા ના આવવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, મારો આગ્રહ છે કે ૨૨ જાન્યુઆરીએ એક વખત વિધિપૂર્વક કાર્યક્રમ થયા પછી ૨૩ તારીખથી પોતાની સુવિધા મુજબ અયોધ્યા આવો. ૨૨ તારીખે અયોધ્યા આવવાની ઈચ્છા ન કરશો. પ્રભુ રામને તકલીફ થાય એવું આપણે ભક્તો કરી શકીએ નહીં. પ્રભુ પધારી રહ્યા છે તો આપણે થોડાક દિવસની રાહ જોઈએ. આપણે ૫૫૦ વર્ષ રાહ જોઈ છે તો થોડાક દિવસ વધુ રાહ જોઈએ.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણી સભ્યતાએ આપણને રસ્તો બતાવ્યો છે. આપણે પુરાતન અને નવીન બંનેને સાથે લઈને ચાલીએ છીએ. આજે દેશમાં માત્ર કેદારધામનો જ પુનરુદ્ધાર નથી થયો પરંતુ ૩૧૫થી વધુ નવી મેડિકલ કોલેજ બની છે. આજે દેશમાં મહાકાલ મહાલોકનું નિર્માણ થવાની સાથે દરેક ઘરે જળ પહોંચાડવા માટે પાણીની ૨ લાખથી વધુ ટાંકીઓ પણ બનાવાઈ છે.વડાપ્રધાને કહ્યું કે, દેશના ઈતિહાસમાં ૩૦ ડિસેમ્બરની તારીખ ઐતિહાસિક રહી છે. ૧૯૪૩માં આજના દિવસે જ નેતાજી સુભાષચંદ્ર બોઝે અંદમાનમાં ધ્વજ ફરકાવી ભારતની આઝાદીનો જયઘોષ કર્યો હતો. આઝાદીના આંદોલન સાથે સંકળાયેલા આવા પાવન દિવસે આજે આપણને વિકસિત ભારતના નિર્માણને ગતિ આપવાના અભિયાનનને આગળ વધારવા અયોધ્યામાં નવી ઊર્જા મળી રહી છે.બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અંસારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુંવડાપ્રધાન નરન્દ્ર મોદી શનિવારે અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા ત્યારે એરપોર્ટ પરથી રવાના થતા પીએમ મોદીએ એક રોડ શો કર્યો હતો. આ સમયે લોકોએ પુષ્પવર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રસ્તાની બંને બાજુ લોકો ઉમટી પડયા હતા. આ સમયે બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ પીએમ મોદી પર ગુલાબના ફૂલો વરસાવ્યા હતા. ઈકબાલ અંસારીએ કહ્યું કે, અયોધ્યા બધાને સંદેશ આપે છે. અહીં હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને રહીએ છીએ. એક બીજાના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છીએ. પીએમ મોદીએ ઈકબાલ અંસારીને પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. વર્ષ ૨૦૨૦માં પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે પહોંચ્યા હતા ત્યારે પણ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ઉજ્જવલા યોજનાની 10 કરોડમી લાભાથીની મુલાકાત લીધીમોદીએ નિષાદ પરિવારને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપ્યું, દલિત મીરાના ઘરે ચા પીધી- અમને એક કલાક પહેલા કહેવાયું કે અમારા ઘરે નેતા આવશે, પીએમ આવશે તેમ નહોતું કહ્યું : મીરા માંઝી
અયોધ્યા : ભગવાન રામની નગરી અયોધ્યા અત્યારે રામમય થઈ ગઈ છે. ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં એક નિષાદ પરિવારના ઘરે પહોંચીને તેમને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. વધુમાં પીએમ મોદીએ દલિત મહિલા મીરા માંઝીના ઘરે ચા પીધી હતી. વડાપ્રધાન નરન્દ્ર મોદીઅયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે લતા મંગેશકર ચોક પહોંચ્યા હતા. રસ્તામાં તેમણે નિષાદ પરિવારની મુલાકત કરી હતી. તેમણે રવિન્દ્ર માંઝીને રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા નિમંત્રણ આપ્યું હતું અને તેમને આવવા માટે આગ્રહ કર્યો હતો. આ સમયે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ નિષાદ પરિવારની બાળકી સાથે સેલ્ફી પણ લીધી હતી.વડાપ્રધાન મોદીએ અયોધ્યા પ્રવાસમાં દલિત મહિલા અને ઉજ્જવલા લાભાર્થી મીરા માંઝીના ઘરે પણ પહોંચ્યા હતા. તેમણે મીરાના હાથની ચા પીધી. મીરા માંઝી ઉજ્જવલા યોજનાની ૧૦ કરોડમી લાભાર્થી છે. મીરાએ કહ્યું કે, મને એક કલાક પહેલા કોઈ નેતા મારા ઘરે આવશે તેમ કહેવાયું હતું. પરંતુ વડાપ્રધાન મોદી આવશે તેમ કહ્યું નહોતું. અમને કહેવાયું હતું કે જે નેતા આવશે તે ભોજન પણ કરી શકે છે. એવામાં અમે ભોજન તૈયાર રાખ્યું હતું. જોકે, પીએમ મોદીને અમારા ઘરે આવેલા જોઈને અમને વિશ્વાસ નહોતો થયો. મીરાએ વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી.

Leave a Comment

Read More