હવે અમારે બિયારણ, દવાઓ સહિતની ખેત-સામગ્રી માટે કોઈની પાસે હાથ લંબાવવો પડતો નથી:- લાલુભાઈ
કોરોનાના કપરાં સમયમાં પીએમ કિસાન સમ્માન નિધી ગુજરાન ચલાવવા માટે પણ કામમાં આવી :- લાલુભાઈ
પીએમ કિસાન સમ્માન નિધી દેશભરના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ધોળકા તાલુકાના બદરખા ગામના ખેડૂત લાલુભાઈએ કિસાન સમ્માન નિધી અંતર્ગત પોતાને મળેલા લાભો અને આ યોજનાના ફાયદાઓ વિશે જણાવ્યું.
લાલુભાઈએ કહ્યું કે, પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 6000 રૂપિયાની સહાય મળે છે. આ સહાય અમે ખેતીના કામોમાં વાપરી શકીએ છીએ. હવે અમારે બિયારણ, દવાઓ સહિતની ખેત સામગ્રી માટે કોઈની પાસે હાથ લંબાવવો પડતો નથી. સરકારની સહાયથી અમે અમારી ખેતી માટેની જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ છીએ.
વધુમાં વાત કરતાં લાલુભાઈ જણાવે છે કે, કોરોનાના કપરાં સમયગાળામાં આ પૈસા અમને ગુજરાન ચલાવવા માટે પણ કામે લાગ્યા હતા. દેશભરના નાના, સીમાંત ખેડૂતો માટે પીએમ કિસાન સમ્માન નિધી જેવી આવી યોજનાઓ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. દેશમાં હજુ પણ ગરીબ, અભણ, છેવાડાનાં માનવીઓ સુધી કેટલીક યોજનાઓ પહોંચી નથી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ કાર્યક્રમ આવા લોકો સુધી યોજનાઓ પહોંચાડશે અને તેમને તેમના હકનાં લાભો તેમના ઘર આંગણે જ મળી રહેશે.
આમ, આજે દેશના ખેડૂતો પીએમ કિસાન સમ્માન નિધી તથા અન્ય કૃષિ આધારિત યોજનાઓ અને સહાયો થકી પોતાની કૃષિ આધારિત જરૂરીયાતો પૂરી કરીને સારું ઉત્પાદન મેળવીને આર્થિક રીતે સદ્ધર બની રહ્યાં છે.