દારૂની માંગ ૨૦૨૨ની સરખામણીમાં ઘટી ગઇ
મુંબઇ તા. ૧૫ : દારૂની માંગમાં વધારો ધીમો પડીને ૪ ટકા થઇ ગયો છે જે ૨૦૨૨માં ૧૨ ટકા હતો. ટેક્ષમાં વધારો થયા પછી પીનારાઓએ દારૂ પીવામાં કાપ મુકયો છે. આ ઉદ્યોગના એક એકઝીક્યુટીવે એકસાઇઝ ડીપાર્ટમેન્ટના આંકડાઓ દર્શાવીને કહ્યું કે આ ક્ષેત્રમાં બે તૃત્યાંશ હિસ્સો ધરાવનાર વ્હીસ્કીનું વેચાણ ૫.૩ ટકા વધ્યું તેના પછી બ્રાન્ડી (૨.૭ ટકા) અને રમ (૧.૧ ટકા) આવે છે. જ્યારે વોડકા અને જીનના વેચાણમાં અનુક્રમે ૧૮.૮ અને ૧૫.૩ કા વધારો થયો છે.
યુનાઇટેડ સ્પીરીટસના મેનેજીંગ ડાયરેકટર હિના નાગરાજને કહ્યું કે, માંગનું વાતાવરણ સુસ્ત છે, લોકો હજુ પણ પ્રયોગો કરી રહ્યા છે. બની રહ્યું છે એવું કે લોકો ઘરની બહાર પીવાનું વધારે રાખી રહ્યા છે. અને બોટલ ખરીદીને ઘરે પીવા કરતા બહાર પીવું પ્રમાણમાં મોંઘુ પડતું હોય છે. આની થોડીક અસર વેચાણ પર થઇ રહી છે.
યુનાઇટેડ સ્પીરીટસ ભારતની સૌથી મોટી વ્હીસ્કી અને રમની કંપની છે તે આગામી કેટલાક ત્રિમાસીકમાં આવું જ વલણ જળવાઇ રહેશે તેવી આશા ધરાવે છે. હિના નાગરાજને કહ્યું ‘મને લાગે છે કે ભાવ વધારાનો બોજ પીનારાઓના પાકીટ પર પડી રહ્યો છે. જેની અસર દારૂના વેચાણ પર જોવા મળી રહી છે.’