ઘરનો રસ્તો ભૂલેલી વૃદ્ધાને અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડી

રાજકોટ તા. ૨૬ ફેબ્રુઆરી ગુજરાત સરકારશ્રીની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની સુરક્ષા હેતુ અવિરત કાર્યરત છે. આવા જ એક કિસ્સામાં રાજકોટની વૃદ્ધાની અભયમ ટીમે મદદ કરીને તેમના ઘરે પહોંચાડયા હતા. રાજકોટના એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઇનને સંપર્ક સાધ્યો ત્યારે અભયમ ટીમના કાઉન્સેલર ઉર્વશીબેન મોભેરા, કોન્સ્ટેબલશ્રી ધારાબેન અને ડ્રાઈવરશ્રી ભાનુબેન મઢવી વૃદ્ધાની મદદે સ્થળ પર પહોંચ્યા હતા.
અભયમની ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરતા જણાયું કે, વૃદ્ધા સવારના સમયે દવા લેવા ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ઘરે પરત ફરવાનો રસ્તો ભૂલી ગયા હતા. વૃદ્ધાવસ્થાના લીધે યાદ રહેવામાં સમસ્યા રહેતી હતી. ટીમે મહિલાના ઘર અને પરિવાર વિશે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે તેણીને પરિવારમાં ત્રણ દિકરાઓ છે. આથી અભયમ ટીમે વૃદ્ધાના ઘરની આસપાસના વિસ્તારના લોકોમાં પૂછપરછ કરતાં વૃધ્ધાના ઘરનું સરનામું મેળવી મહિલાને સુરક્ષિત તેમના ઘરે પહોંચાડ્યા ત્યારે ઘરના સભ્યો ખુબ જ ચિંતિત હતા, અને સતત મહિલાની શોધખોળમાં હતા. વૃદ્ધાનો તેના પરિવાર સાથે મિલાપ કરાવીને પરિવારે હાશકારો અનુભવી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Comment

Read More