સાયકલીંગ થી મતદાતા જાગૃતિ નાગરિકોમાં મતદાન તથા પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા ગોંડલ ખાતે મતદાર જાગૃતિ સાયકલ રેલી” યોજાઈ

સાયકલ રેલીમાં સહભાગી થયેલા સર્વેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

રાજકોટ તા. ૦૭ માર્ચ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ “મતદાર જાગૃતિ અભિયાન” (SVEEP) અન્વયે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા તથા પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં શહેરી વિસ્તારમાં ગોંડલ વહીવટીતંત્ર દ્વારા “મતદાર જાગૃતિ અભિયાન સાયકલ રેલી” યોજાઈ.

દેશની ભાવી પેઢી જાગૃત થાય અને લોકશાહીને વધુ સશકત અને મજબુત બનાવવામાં સહભાગી થાય તથા મતાધિકારોનો અચૂકપણે ઉપયોગ કરે તે માટે સમજ આપવામાં આવી હતી. કોઇપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય ત માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ માટે સ્વયં જાગૃત થઇને મતદાતા તરીકે મતદાન કરવું એ નૈતિક ફરજ છે. મહિલા મતદારોમાં મતદાનનું પ્રમાણ વધે તે હેતુથી વિદ્યાર્થીનીઓને બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી ચોક્કસપણે મતદાન કરવા યોગ્ય સમજણ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ટેકનોલોજીના માધ્યમ થકી મતદાર યાદીમાં નામ નોંધાવાથી લઈને સુધારા વધારા પણ ઘરે બેઠાં આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ, વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાઓને માર્ગદર્શન આપ્યું હતું.

મતદાનની સાથે સાથે લોકોમાં પર્યાવરણ અને જાગૃતિ આવે તે હેતુસર “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો” ના ઉદેશ્ય સાથે સંગ્રામસિંહજી હાઈસ્કૂલથી માંડવી ચોક, મોટી બજાર, નૌલખા પેલેસ, ઉદ્યોગભારતી, જેલ ચોક, ત્રણ ખુણીયા, બસ સ્ટેશન, ઓર્ચાર્ડ પેલેસ,ભુવનેશ્વરી પીઠ,શ્યામવાડી ચોક, રિલાયન્સ પંપ, તાલુકા સેવા સદન, રેલવે સ્ટેશન થઈને કોલેજ ચોક (પરત સંગ્રામસિંહજી હાઈસ્કૂલ) સુધી યોજાઈ હતી.

આ તકે રૂટમાં ઉદ્યોગભારતી ખાતે લીંબુ પાણીની વ્યવસ્થા, તાલુકા સેવા સદન ખાતે પીવાના પાણીની વ્યવસ્થા તથા અંતમાં કોલેજ ચોક ખાતે પરત ફરતા હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાયકલ રેલીમાં સહભાગી થયેલા સર્વેને ગોંડલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સાયકલ રેલીમાં ગોંડલ નાયબ કલેક્ટરશ્રી રાહુલ ગમારા, ગોંડલ શહેર મામલતદાર શ્રી દિપકભાઇ ભટ્ટ, ગોંડલ ગ્રામ્ય મામલતદાર શ્રી રાહુલ ડોડીયા, નાયબ મામલતદારશ્રીઓ વાય. ડી. ગોહિલ, શ્રી મનીષ જોશી સહીત ગોંડલ વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, જુદી જુદી શાળાના શિક્ષકો, સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Leave a Comment

Read More