Search
Close this search box.

Follow Us

ગોડસેવાદી/ હિટલરી માનસિકતા : ‘ક્ષત્રિય સમાજ રાષ્ટ્રદ્રોહી/ દેશદ્રોહી/ સંસ્કૃતિદ્રોહી છે !’

 

કેટલાંક નકલી હિન્દુત્વવાદીઓ અસલી ગોડસેવાદી હોય છે ! તેઓ સમાજસેવાના આવરણ હેઠળ પ્રગતિશીલતા વિરોધી સંકુચિત વિચારધારા ફેલાવતા હેય છે. તેઓ વામપંથીઓને ગાળો આપતા હોય છે પરંતુ તેમને એ ખબર નથી કે શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ પણ વામપંથી હતા ! કેટલાંક તો પોતાનો ગુનાહિત ભૂતકાળ ઢાંકવા સેવાનું મહોરું ધારણ કરતા હોય છે. તેમને સેવા કરતા દેખાડો, પ્રસિદ્ધિની ભૂખ વધુ હોય છે ! રાષ્ટ્ર/ સંસ્કૃતિ/ ગાયના નામે પદ્મશ્રી/ભારતરત્ન મેળવવા સત્તાપક્ષની અનહદ ચાપલૂસી પણ કરતા હોય છે !

‘ફેક્ટરી-આરામ ત્યાગીને 25 વર્ષથી પાણી, ગાય, પ્રકૃતિ, રાષ્ટ્ર અને સંસ્કૃતિને જીવન સમર્પિત કર્યું છે; રોજ 16 કલાક પરિશ્રમ કરીને દેશના પ્રાણ પ્રશ્નો ઉકેલ્યા છે; લુપ્ત થતી ગાયને બચાવી છે’ એવા દાવાઓ કરનાર મનસુખ સુવાગિયાએ 19 એપ્રિલ 2024ના રોજ ક્ષત્રિય સમાજને ઉદ્દેશીને અપીલ કરી છે : “[1] રુપાલા સાહેબે માફી માંગી લીધી પછી તેના શબ્દોની ભૂલો પકડીને સમાજને ભડકાવવો એ નૈતિકતા કે ક્ષાત્રધર્મની ગરિમા નથી. આવી ટોળાશાહીથી ઇતિહાસના ગૌરવને ફટકો પડે છે. [2] રુપાલા સાહેબના વિરોધની પટેલ સમાજ ઉપર શું અસર પડે, તેનો વિચાર કરવાની જરૂર છે. [3] સત્ય, રાષ્ટ્ર, સંસ્કૃતિથી જ્ઞાતિ મહાન નથી. અજ્ઞાનીઓ કહે છે કે જ્ઞાતિ મારો ભગવાન છે ! તો રાષ્ટ્ર કોણ છે? વેદ તો સત્ય અને રાષ્ટ્રને સર્વોપરી માને છે. રાષ્ટ્ર, સત્ય, માનવતા બધું ભૂલીને જ્ઞાતિને આંધળો ટેકો આપવો એ જ્ઞાતિપ્રેમ નથી, પરંતુ પાપ અને રાષ્ટ્રદ્રોહ છે. રાષ્ટ્ર અને સંસ્કૃતિને ભૂલીને જ્ઞાતિવાદથી મતદાન એ જ્ઞાતિપ્રેમ નથી, ઘોર અજ્ઞાન, દેશદ્રોહ અને સંસ્કૃતિદ્રોહ છે. ભારતની પ્રજા એટલી જ્ઞાતિવાદી-જાતિવાદી છે કે જ્ઞાતિનિષ્ઠા બતાવવા અયોગ્ય પાર્ટીના, હારતા કે અયોગ્ય ઉમેદવારને કે ગુંડાને પણ મત આપે છે ! આવી દેશદ્રોહી અને મહા મૂર્ખ પ્રજા દુનિયાના કોઈ દેશમાં નથી ! હજાર વર્ષ ગુલામ રહેલા દેશને રાષ્ટ્ર અને સંસ્કૃતિના ચોથા સ્ટેજના કેન્સર જેવા પ્રશ્નો ઉકેલવાનો અનમોલ અવસર છે, ત્યારે કોઈ પણ જ્ઞાતિવાદ-જાતિવાદથી ભાજપનો વિરોધ, એ માત્ર ભાજપનો વિરોધ નહીં, રાષ્ટ્ર-સંસ્કૃતિની અસ્મિતા અને ઉજ્જવળ ભવિષ્યનો વિરોધ છે ! એ કલંકને કોઈ જ્ઞાતિ ક્યારેય ભૂંસી નહીં શકે. [4] મહારાણા પ્રતાપને રાજસ્થાનના ચાર રાજાઓએ સાથ આપ્યો હોત, તો ભારત સંપૂર્ણ ઇસ્લામ મુક્ત થઈ ગયું હોત ! ત્યારે જ્ઞાતિવાદના નામે આપણે સૌ એવી જ ભૂલ નથી કરી રહ્યા? અમુક આંદોલનકારીઓ રુપાલા સાહેબનું ફોર્મ રદ ન કરાવી શક્યા, તો હવે ભાજપનો વિરોધ કરવાના હાકલા- પડકારા કરે છે. તેઓને કહેવું છે કે ચૂંટણી પછી યુવાનો અને સમાજના પ્રશ્નો સરકાર અને ભાજપથી ઉકેલાશે કે તમારાથી? [5] જ્ઞાતિમાં થયેલ નેતા રાષ્ટ્ર સપૂત છે, રાષ્ટ્રથી મહાન નથી. આ વાત તમામ લોકો અને ખાસ કરીને દલિતો સમજે. [6] રુપાલાની પ્રતિભા, ભાજપનુ સફળ શાસન અને લોકોનો રાષ્ટ્ર-સંસ્કૃતિ પ્રેમના લીધે રુપાલા સાહેબ અને ગુજરાતની 26 સીટ 3 થી 7 લાખ મતની લીડથી જીતશે જ. [7] સાત તારીખે મતદાન પૂરું થશે. રુપાલાજી અને ભાજપનો દિગ્વિજય થશે. પછી આપણા આંદોલનો અર્થહીન થઈ જશે. માટે હજી સમય છે કે રૂપાલા સાહેબને માફ કરી, સમાધાનથી સાથે બેસી જઈએ. તો સમાજનો હાથ ઉપર રહેશે. માટે પ્રથમ જ્ઞાતિના હિતમાં અને પછી દેશ અને સંસ્કૃતિના હિતમાં જીદ ભૂલીને સમાધાન સ્વીકારી લેવા સમાજને મારી હૃદયપૂર્વક અપીલ છે. પૂર્વજોએ ધર્મ, સંસ્કૃતિ કે રાષ્ટ્ર માટે જે બલિદાનો અને ત્યાગ આપ્યાં હોય, તેનો કોઈ પણ સ્વરૂપે બદલો માંગવો એ પણ શોભાસ્પદ નથી. જો બદલો લઈ લઈએ તો ઇતિહાસનું ગૌરવ સમાપ્ત થઈ જાય. [8] અમે રાજસ્થાનના જેસલમેર- બાડમેર જિલ્લાના 30 ગામોમાં 51 તળાવ નિર્માણ સાથે ગોસંવર્ધન, વૃક્ષારોપણ, ગ્રામ વિકાસ અને વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરેલ છે. જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયા ખર્ચે એ ગામોનો વિકાસ કરાશે. એ તમામ ગામો માત્ર ક્ષત્રિય સમાજ ભાટી, સોઢા અને સોલંકીના છે. સોઢા પરિવારની લાગણીને માન આપીને એ પરિવારમાં આવેલી નવી પુત્રવધુ કૈલાશને અમે દીકરી તરીકે સ્વીકારીને અમારા અંગત પાંચ લાખ રૂપિયા દાન આપીને મયાજલાર ગામમાં એક ‘બેટી સરોવર’ નિર્માણ કરીએ છીએ. અમારા શબ્દોમાં સત્યનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા લાગે તો ગુજરાતના તમામ લોકો સુધી આ મેસેજ પહોંચાડશો.”

મનસુખ સુવાગિયાએ પોતે રાષ્ટ્રવાદનો/ સંસ્કૃતિનો ઠેકો લીધો હોય તે રીતે ક્ષત્રિય સમાજને સલાહ આપી છે. મુદ્દા વાઈઝ જોઈએ : [1] ક્ષત્રિય સમાજના આંદોલનને ટોળાશાહી કઈ રીતે કહી શકાય? શું લોકશાહીમાં કોઈ પણ સમાજ અહિંસક/શાંત વિરોધ કરે તો એનાથી ઇતિહાસના ગૌરવને કઈ રીતે ફટકો પડે? [2] ‘રુપાલા સાહેબના વિરોધની પટેલ સમાજ ઉપર શું અસર પડે’ એમ કહેવાનો શું અર્થ છે? શું રુપાલા એટલે પટેલ સમાજ? ના, બિલકુલ નહીં. બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી ! [3] શું રુપાલાની ટિપ્પણી; સત્ય, રાષ્ટ્ર, સંસ્કૃતિથી મહાન છે? શું ક્ષત્રિય સમાજ રાષ્ટ્રદ્રોહી છે? દેશદ્રોહી છે? સંસ્કૃતિદ્રોહી છે? કોઈ મુદ્દા આધારે આંદોલન કરે એટલે ક્ષત્રિય સમાજ ઘોર અજ્ઞાની થઈ જાય? માની લો કે ક્ષત્રિયો સત્તાપક્ષને મત ન આપે તો તેઓ ‘અયોગ્ય પાર્ટીના, હારતા કે અયોગ્ય ઉમેદવારને કે ગુંડાને પણ મત આપે છે’ એવું કહી શકાય? તો તેમને દેશદ્રોહી અને મહા મૂર્ખ પ્રજા કહી શકાય? સત્તાપક્ષને/ રુપાલાને મત આપે તો જ દેશપ્રેમી/ સંસ્કૃતિપ્રેમી/ ખૂબ ડાહ્યા/ સજ્જન એવું સર્ટિફિકેટ આપનાર તમે કોણ? વિપક્ષને મત આપે તો કલંક લાગે? શું આ ગોડસેવાદી/હિટલરી માનસિકતા નથી? [4] ‘ચૂંટણી પછી યુવાનો અને સમાજના પ્રશ્નો સરકાર અને ભાજપથી ઉકેલાશે કે આંદોલનકારીઓથી?’ યુવાનો બેરોજગાર છે, તેમની રોજગારી અપાવવાનું કામ 2014થી લઈ 2024 સુધી 10 વરસમાં થઈ શક્યું નથી ત્યારે આવી ચીમકી આપવાનો શું અર્થ? મહારાણા પ્રતાપને રાજસ્થાનના ચાર રાજાઓએ સાથ ન આપ્યો તે માટે હાલના ક્ષત્રિય સમાજનો કોઈ વાંક ખરો? ઈસ્લામ મુક્ત ભારતની વાત કરી ક્ષત્રિયોને ગેરમાર્ગે દોરવાના? આ કેવી કુટિલ ચાલ? [5] કોઈ નેતા રાષ્ટ્રથી મહાન ન હોય; પરંતુ આમાં વચ્ચે દલિતોને શામાટે ઘૂસાડ્યા હશે? [6] સત્તાપક્ષ ભલે લોકસભાની 26 બેઠકો જીતી જાય; પરંતુ લોકોને સત્તાપક્ષ સામે આંદોલન કરવાનો અધિકાર છે કે નહીં? રુપાલાની પ્રતિભા કે ભાજપના સફળ શાસન માટે લોકો મત આપતા નથી, હિન્દુત્વના નામે મત આપે છે ! [7] ક્ષત્રિયો કોઈ લાભ/ બદલો માંગી રહ્યા છે? ‘પૂર્વજોએ ધર્મ, સંસ્કૃતિ કે રાષ્ટ્ર માટે જે બલિદાનો અને ત્યાગ આપ્યાં હોય, તેનો કોઈ પણ સ્વરૂપે બદલો માંગવો એ પણ શોભાસ્પદ નથી.’ આવી સલાહ આપવાનો કોઈ આધાર છે? શું ક્ષત્રિય સમાજનું/ આંદોલનકારીઓનું આ અપમાન નથી? [8] જળક્રાંતિ/ ગોસંવર્ધન/ વૃક્ષારોપણ/ ગ્રામ વિકાસ/ વ્યસનમુક્તિ અભિયાન વગેરે સેવાનો હવાલો આપીને ભાજપને મત આપવાની અપીલ કરવી તે ઉચિત છે? કોને મત આપવો તે લોકો નક્કી કરે કે સ્વઘોષિત રાષ્ટ્રવાદી? ખતરનાક વ્યસન તો ગોડસેવાદી/ હિંસક/ નફરતી/ સંકુચિત વિચારધારાનું કહેવાય કે નહીં? આ સંસ્કૃતિ રક્ષક કિસાન આદોલન વેળાએ ચૂપ રહેલ ! MSPની કાનૂની ગેરંટી બાબતે મોં બંધ રાખેલ ! પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખાનગી વીમા કંપનીઓએ ખેડૂતોના 57 હજાર કરોડ ખીસ્સામાં સેરવી લીધા ત્યારે પણ ચૂપ રહેલ ! માત્ર નફરત ફેલાવવી હોય તો જ સક્રિય રહે છે !

મનસુખ સુવાગિયાની ચેષ્ટા બે મોંઢાવાળા સાપ જેવી છે ! એક તરફ ક્ષત્રિય સમાજને જ્ઞાતિવાદી ચીતરે છે, બદનક્ષીજનક સલાહ આપે છે; તો બીજી તરફ વિકિપીડિયાનો હવાલો આપી ક્ષત્રિય રાજકુંવરીઓના મોગલો સાથે લગ્નોની યાદી રજૂ કરી રુપાલાનો બચાવ કરે છે ! એટલું જ નહીં રજવાડાંના સાલિયાણા બંધ કરાવનાર અને ટોચમર્યાદાઓ લાગુ કરનાર કોંગ્રેસને સાથ આપવા માટે ક્ષત્રિયોની મશ્કરી કરે છે ! મોટો સવાલ એ છે કે જો રુપાલા જીતી જાય તો રાજાશાહી અને સાલિયાણા ફરી ચાલુ થશે? વિપક્ષનો સભ્ય ચૂંટાઈ જાય તો શું સંસ્કૃતિનો નાશ થઈ જાય? રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય બંધારણના આમુખમાં દર્શાવેલ મૂલ્યોના અમલથી બને કે રાજાશાહીની પુન:સ્થાપનાથી બને? ગોડસેવાદી નફરતથી બને? જ્ઞાતિવાદનો હવાલો આપનારને એ ખ્યાલ નહીં હોય કે ગોડસેવાદી વિચારધારાના પાયામાં વર્ણવ્યવસ્થા છે; ભેદભાવ છે ! જ્ઞાતિવાદથી દૂર રહેવાની વાત કરતા કરતા ખૂબ ચાલાકીપૂર્વક પટેલ અને ક્ષત્રિય વચ્ચે વૈમનસ્ય વધે એવું લખે છે. રુપાલાનો વિરોધ એટલે પટેલ સમાજનો વિરોધ; એવું ચોકઠું ક્ષત્રિય સમાજને ફિટ કરવાની કોશિશ કરે છે ! દલિતોને કારણ વિના વત્ચે ખેંચી લાવે છે ! સંસ્કૃતિનો ઠેકો લેનારને અયોગ્ય અને બદનક્ષીજનક મેસેજ ફોરવર્ડ કરતા અને વણમાંગી અપીલ કરતા શરમ પણ નહીં આવતી હોય?rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More